ભોજપુરી ફિલ્મ જગતના લોકપ્રિય ગાયક અને અભિનેતા ખેસારી લાલ યાદવની પત્ની ચંદા દેવી હવે રાજકારણમાં પગ મૂકવા જઈ રહી છે. તેમણે આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ) તરફથી બિહારની છપરા બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
તાજેતરના અહેવાલો અનુસાર ખેસારી લાલ યાદવ પોતાની પત્ની ચંદાને ચૂંટણી લડવા માટે મનાવવામાં સફળ રહ્યા છે. આરજેડીએ ચંદા દેવીને છપરાથી ઉમેદવાર તરીકે પસંદ કરી છે અને તેઓ ટૂંક સમયમાં પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. જો કે સત્તાવાર જાહેરાત હજી બાકી છે પરંતુ આરજેડીના આંતરિક સૂત્રો અનુસાર ચંદાની ઉમેદવારી લગભગ નક્કી માનવામાં આવી રહી છે.
પટનામાં મીડિયા સાથે વાત કરતા ખેસારી લાલ યાદવે કહ્યું હતું કે તેઓ પોતાની પત્નીને ચૂંટણી લડવા માટે મનાવી રહ્યા છે. તેમણે કહ્યું “હું ઈચ્છું છું કે મારી પત્ની ચૂંટણી લડે. હું છેલ્લા ચાર દિવસથી તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો તે સંમત થશે તો અમે ઉમેદવારી નોંધાવીશું. નહીં તો હું ફક્ત પ્રચાર કરીશ અને ભૈયા તેજશ્વી યાદવની જીત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશ.”
ખેસારીએ તેજશ્વી યાદવ સાથેના પોતાના કૌટુંબિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ આરજેડી માટે દિલથી પ્રચાર કરશે.
છપરા બેઠક પર રસપ્રદ ટક્કર
બીજી તરફ ભાજપે છપરા બેઠક પરથી છોટી કુમારીને ઉમેદવાર જાહેર કરી છે. 2010થી આ બેઠક ભાજપના કબજામાં છે. 2020ની ચૂંટણીમાં ભાજપના સીએન ગુપ્તાએ આરજેડીને 6,000થી વધુ મતોથી હરાવ્યા હતા. આ વખતે ભાજપે ગુપ્તાને બદલે છોટી કુમારીને તક આપી છે. જે સ્થાનિક સ્તરે લોકપ્રિય નેતા છે.
ભોજપુરી કલાકારોની રાજકીય એન્ટ્રી
આ ચૂંટણીમાં અનેક ભોજપુરી કલાકારો રાજકીય મેદાનમાં ઉતરી રહ્યા છે. ભાજપે લોકગાયિકા મૈથિલી ઠાકુરને અલીનગર બેઠક પરથી ટિકિટ આપી છે. જ્યારે રિતેશ પાંડે જનસૂરાજ પાર્ટી તરફથી કરગહર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભોજપુરી સ્ટાર પવન સિંહ ભાજપ માટે પ્રચાર કરશે. જ્યારે ખેસારી લાલ યાદવ આરજેડી માટે પ્રચાર અભિયાન ચલાવશે.
આ રીતે છપરા બેઠક હવે ફિલ્મી રંગથી રંગાઈ ગઈ છે. જ્યાં એક બાજુ ખેસારીની પત્ની અને બીજી બાજુ ભાજપની મહિલા ઉમેદવાર વચ્ચે રસપ્રદ જંગ જોવામાં આવશે.