National

બિહારમાં દારૂબંધી છતાં દારૂડિયાઓને નહિ થશે જેલ : નીતિશ સરકારનો મોટો નિર્ણય

બિહાર: બિહારમાં (Bihar) દારૂબંધી વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દારૂ (liquor) પીનાર પકડાશે તો જેલ (Jail) માં નહીં જાય. આ નિર્ણય નીતિશ કુમારની (Nitish Kumar) સરકારે લીધો છે. આ નિર્ણયની સાથે કેટલીક શરતો અને નિયમો પણ બનાવવામાં આવ્યા છે. બિહારની જેલમાં દારૂ પીનારાઓના કેસોની સંખ્યા વધતી જાય છે. તેથી આજે મળેલી બેઠકમાં દારૂ પીનારાને જેલ ભેગા કરવામાં નહીં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. બિહાર પોલીસ અને નશાબંધી વિભાગને આમાં વિશેષ સત્તા આપવામાં આવી છે.

બિહારમાં દારૂ માફિયાઓની માહિતી આપવાની રહેશે. જો તેઓ દારૂ માફિયાઓનું નામ અને માહિતી આપશે તો તેને જેલમાં જવું નહીં પડે. મળતી માહિતીના આધારે જો દારૂ માફિયાઓની ધરપકડ કરવામાં આવે તો દારૂ પીનારને જેલ નહીં જવું પડે. આ માહિતી એક્સાઇઝ કમિશનર કાર્તિકેય ધનજીએ આપી છે.

બિહાર સરકારે વર્ષ 2021 ના ​​નવેમ્બરમાં એક આંકડો જાહેર કર્યો હતો, જે આંકડાએ લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. માહિતી અનુસાર જાન્યુઆરી 2021 થી ઓક્ટોબર 2021 સુધીમાં રાજ્યના જિલ્લાઓમાં વિશેષ દરોડા પાડીને 49 હજાર 900 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં દારૂડિયા અને દારૂની હેરાફેરી કરનારાઓ સામેલ હતા. તેમજ આ સમયગાળા દરમિયાન કુલ 38 લાખ 72 હજાર 645 લીટર ગેરકાયદેસર દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.

જેલોની સાથે બિહારની અદાલતો પર પણ દારૂબંધીના કેસોનું ભારણ વધ્યું છે. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે કોર્ટમાં જામીન અરજીઓની ભરમાર પર ચિંતા વ્યક્ત કરી હતી. આ કેસની આગામી સુનાવણી 8મી માર્ચે થવાની છે, તે પહેલા બિહાર સરકારે હવે દારૂ પીનારાઓની ધરપકડ નહીં કરવાનો મોટો નિર્ણય લીધો છે.

દારૂબંધી બાદ બિહારમાં દારૂની તસ્કરો સક્રિય થઈ ગઈ હતી, જેને લઈને વિપક્ષ સતત સવાલો ઉઠાવી રહ્યો હતો. નીતીશ સરકારની દારૂબંધી રાજ્યમાં નિષ્ફળ હોવાનું કહેવાય છે. એસેમ્બલી સ્પીકર વિજય કુમાર સિન્હાએ ખુદ પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે 100 બોટલ દારૂ પકડાય છે તો પોલીસ માત્ર 5 જ બતાવે છે. તાજેતરમાં બિહાર સરકારે દારૂ માફિયાઓની પાછળ હાઈટેક હેલિકોપ્ટર લગાવ્યા હતા. જેમાં 4 હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે, જેમાંથી ત્રણ માનવરહિત ડ્રોન હેલિકોપ્ટર અને એક ચાર સીટર હેલિકોપ્ટર છે.

Most Popular

To Top