નવી દિલ્હી: બિહારની (Bihar) નીતિશ સરકારે (CM Nitish Kumar) આજે વિધાનસભામાં અનામતનો (Resrvation) વ્યાપ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે આ દરમિયાન સીએમ નીતિશ કુમાર ગૃહમાં હાજર ન હતા. આ બિલ મુજબ હવે બિહારમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે 65% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં બિહારમાં આ વર્ગોને 50% અનામત મળે છે. જાતિની વસ્તી ગણતરીનો અહેવાલ રજૂ કર્યા પછી મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યમાં 65% અનામતની જાહેરાત કરી હતી.
હાલમાં બિહારમાં આરક્ષણ મર્યાદા 50% છે. EWS ને આનાથી અલગથી 10% અનામત મળતું હતું. પરંતુ જો નીતીશ સરકારનો પ્રસ્તાવ પસાર થશે તો 50% અનામતની મર્યાદા તૂટી જશે. બિહારમાં કુલ 65 ટકા અનામત મળશે. આ સિવાય EWS માટે 10% અનામત અલગ રહેશે.
વર્ગ | અગાઉ મળતું આરક્ષણ | પ્રસ્તાવ |
અત્યંત પછાત વર્ગ | 18% | 25% |
પછાત વર્ગ | 12% | 18% |
અનુસૂચિત જાતિ | 16% | 20% |
અનુસૂચિત જનજાતિ | 1% | 2% |
EWS | 10% | 10% |
બિહાર કેબિનેટે મંગળવારે જાતિ આધારિત અનામતને 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી પછાત અને અત્યંત પછાત વર્ગને 30 ટકા અનામત મળતું હતું, પરંતુ નવી મંજૂરી મળ્યા બાદ તેમને 43 ટકા અનામતનો લાભ મળશે. એ જ રીતે અગાઉ અનુસૂચિત જાતિ વર્ગને 16 ટકા અનામત હતું, હવે તેમને 20 ટકા મળશે. અનુસૂચિત જનજાતિ વર્ગને એક ટકા અનામત હતું, હવે તેમને બે ટકા અનામતનો લાભ મળશે. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે પછાત જનરલ પુઅર કેટેગરી (EWS) માટે 10 ટકા આરક્ષણ ઉમેરીને તેને વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ છે.
તાજેતરમાં જ બિહારમાં જાતિ ગણતરીના પરિણામો આવ્યા. બિહાર સરકારે તેને વિધાનસભામાં પણ રજૂ કરી હતી. આ દરમિયાન નીતિશ કુમારે ગૃહમાં કહ્યું હતું કે જાતિ સર્વેક્ષણના અહેવાલને ધ્યાનમાં રાખીને, અન્ય પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ક્વોટા વધારવાની જરૂર છે. રાજ્યમાં વસ્તીના આધારે વર્ગો માટે અનામત વધારી શકાય છે.