બિગ બોસ વિનર એલ્વિશ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની રેવ પાર્ટીને લઈને ચર્ચામાં છે. એલ્વિશ પર એક પાર્ટીનું આયોજન કરવાનો આરોપ છે જેમાં લોકો સાપના ઝેરના નશામાં હતા. એટલું જ નહીં તેના પર સાપની તસ્કરીનો પણ આરોપ છે. નોઈડા પોલીસે ગઈકાલે આ મામલે કેસ નોંધ્યો છે. હવે તેની સામે મુંબઈમાં પણ FIR નોંધવામાં આવી છે.
મળતી માહિતા મુજબ એલ્વિશ યાદવ વિરુદ્ધ મુંબઈમાં આવેલા મીરા ભાઈંદર પોલીસ કમિશનરને લખેલી ફરિયાદમાં, અભિનેતા ફૈઝાન અન્સારીએ એલ્વિશને ‘ડ્રગ ડીલર’ ગણાવ્યો છે અને એલ્વિશ યાદવ વિરુદ્ધ ધરપકડ વોરંટની માંગ કરી છે. આ સાથે ફૈઝાને OTT ફેમ મનીષા રાની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે અને તેને આ મામલે એલ્વિશ સહયોગી ગણાવી છે. જો કે પોલીસે હજુ સુધી આ ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી નથી.
આ પહેલા નોઈડા પોલીસે એલ્વિશ યાદવને પણ નોટિસ મોકલી હતી. એવા સમાચાર છે કે એલ્વિશને ધરપકડ કરાયેલા આરોપી રાહુલની સામે બેસાડીને તેની પૂછપરછ કરવામાં આવી શકે છે. નોઈડા પોલીસ માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે. રાહુલના નિવેદનના આધારે એલ્વિશ યાદવ પાસેથી સવાલ-જવાબ પૂછવામાં આવી શકે છે. હાલમાં નોઈડા પોલીસને દિલ્હી અને રાજસ્થાનમાં યોજાયેલી કેટલીક પાર્ટીઓના પુરાવા મળ્યા છે. પોલીસ આ પાર્ટીઓ જ્યાં થઈ હતી તે જગ્યાઓના સીસીટીવી ફૂટેજની તપાસ કરશે. નોઈડા પોલીસની એક ટીમ આ પાર્ટીઓની માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે.
નોઈડા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ આરોપીઓ પાસેથી સાપનું ઝેર મળી આવ્યું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન એવું લાગી રહ્યું છે કે જો આ સાપના ઝેરનો ઉપયોગ પાર્ટીઓમાં કરવામાં આવ્યો હોય તો તેમાં કોઈ કેમિકલ ભેળવવામાં આવ્યું હશે. નોઈડા પોલીસની એક ટીમ આ એંગલથી પણ તપાસ કરી રહી છે. નોઇડા પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આ પાર્ટીઓમાં સાપના ઝેરનો ડ્રગ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ રાહુલ અનેક પાર્ટીઓમાં સાપનું ઝેર લઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં નોઈડા પોલીસ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ પાર્ટીઓના આયોજક કોણ હતા અને તેમાં કયા લોકોએ ભાગ લીધો હતો.