કોલંબિયા (અમેરિકા): અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Former President Donald Trump) વધુ એક મોટી જીત મળી છે. રિપબ્લિકન પાર્ટી તરફથી અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં રહેલી ટ્રમ્પની સૌથી નજીકની હરીફ નિક્કી હેલીને (Nikki Haley) મોટો ઝટકો લાગ્યો છે.
ટ્રમ્પે શનિવારે મિશિગનમાં રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં ઇડાહો અને મિઝોરીમાં કોકસ જીતીને અને તમામ પ્રતિનિધિઓનું સમર્થન મેળવ્યુ હતું. તેમજ દેશના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર બનવાના તેમના દાવાને વધુ મજબૂત બનાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ જીત સાથે ટ્રમ્પને અત્યાર સુધી 244 ડેલિગેટ્સનું સમર્થન મળી ચૂક્યું છે. જ્યારે તેમની હરીફ અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની પૂર્વ રાજદૂત નિક્કી હેલી માત્ર 24 પ્રતિનિધિઓના સમર્થનથી તેમનાથી ઘણી પાછળ છે. જેના પરથી સમજી શકાય છે કે આ રેસમાં નિક્કી હેલીનો રસ્તો કેટલો મુશ્કેલ બની ગયો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા માટે કોઈપણ દાવેદારને ઓછામાં ઓછા 1,215 પ્રતિનિધિઓના સમર્થનની જરૂર પડશે. મિઝોરી કોકસમાં, ટ્રમ્પે 100 ટકા મતો મેળવીને તમામ પ્રતિનિધિઓનું સમર્થન જીત્યું હતું.
મિશિગનમાં ટ્રમ્પને 68 ટકા વોટ મળ્યા અને નિક્કીને માત્ર 27 ટકા વોટ મળ્યા
મિશિગનમાં રિપબ્લિકન પાર્ટીના કુલ 55 ડેલિગેટ્સમાંથી 39 ડેલિગેટ્સની ફાળવણી કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે ટ્રમ્પના તમામ 39 ડેલિગેટ્સનું સમર્થન મેળવ્યું હતું. અગાઉ ગયા મંગળવારે ટ્રમ્પે સરળતાથી 68 ટકા મતો સાથે મિશિગન પ્રાથમિક ચૂંટણી જીતી લીધી હતી.
જ્યારે હેલીને માત્ર 27 ટકા વોટ મળ્યા હતા. તેમજ ટ્રમ્પે ઇડાહો કોકસમાં લગભગ 85 ટકા વોટ જીત્યા હતા. 52 વર્ષીય હેલી અને ટ્રમ્પ વચ્ચે 5 માર્ચે ‘સુપર ટ્યુઝડે’ પર થનારી હરીફાઇ મહત્વની રહેશે. દેશભરના 21 રાજ્યોમાં 5 માર્ચે રિપબ્લિકન પ્રાથમિક ચૂંટણી યોજાશે. ‘સુપર ટ્યુઝડે’ એ યુએસ પ્રમુખપદના ઉમેદવારોની પસંદગી માટેની પ્રાથમિક ચૂંટણી પ્રક્રિયાનો દિવસ છે. જ્યારે મોટાભાગના રાજ્યોમાં પ્રાથમિક અને કોકસની ચૂંટણીઓ યોજાય છે.