નવી દિલ્હીઃ યુએસ ઓપન 2024માં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. સર્બિયાનો સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ યુએસ ઓપન 2024માંથી બહાર થઈ ગયો છે. નોવાકને 28મો રેન્ક ધરાવતા ઓસ્ટ્રેલિયન ખેલાડી એલેક્સી પોપાયરીને હરાવ્યો છે. 30 ઓગસ્ટે આર્થર એશે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બીજો રેન્ક ધરાવતા જોકોવિચને 4-6, 4-6, 6-2, 4-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ એક કલાક અને 19 મિનિટ સુધી ચાલી હતી.
18 વર્ષમાં આવું પ્રથમ વખત બન્યું જ્યારે જોકોવિચ યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પણ ન પહોંચી શક્યો. જોકોવિચ 2017 પછી પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ વિના વર્ષનો અંત કરશે. જોકોવિચ પહેલા સ્પેનિશ સ્ટાર કાર્લોસ અલ્કારાઝ પણ ત્રીજા રાઉન્ડમાં હારીને યુએસ ઓપન 2024માંથી બહાર થઈ ગયો હતો.
યુએસ ઓપન જીતીને ઈતિહાસ રચવાની તક હતી
જોકોવિચ અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન મહિલા સ્ટાર માર્ગારેટ કોર્ટ સૌથી વધુ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ (મહિલા અને પુરૂષ) જીતવાના મામલે બરાબરી પર છે. આ બંનેએ સંયુક્ત રીતે 24 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલ જીત્યા છે. જોકે માર્ગારેટ ઓપન એરા પહેલા આમાંથી 13 ટાઇટલ જીતી ચૂકી હતી. ટેનિસમાં ઓપન એરાની શરૂઆત વર્ષ 1968માં થઈ હતી.
જો જોકોવિચ વધુ એક ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતતે તો તે ઈતિહાસ રચતે. જોકોવિચ તેની ટેનિસ કારકિર્દીમાં 37 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ફાઇનલમાં રમ્યો છે, જે ઓપન યુગમાં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ છે. તેણે સ્વિસ લિજેન્ડ રોજર ફેડરર અને સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલને ખૂબ પાછળ છોડી દીધા છે.