સુરત : (Surat) પાંચ રાજ્યોની ચૂંટણી (Election) પૈકી ચાર રાજ્યોમાં ભવ્ય વિજય બાદ હવે ભાજપના (BJP) ગઢ એવા ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની (Assembly) વહેલી ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ભાજપે અમદાવાદમાં વડાપ્રધાન (PM) અને દક્ષિણ ગુજરાતમાં અમિત શાહની સભાઓ સાથે પ્રચારની શરૂઆત કરી દીધી છે. તો બીજી બાજુ પંજાબમાં તમામ રાજકીય પક્ષોના સુપડા સાફ કરીને ભાજપના કટ્ટર હરીફ તરીકે ઉપસેલી ‘આમ આદમી પાર્ટી’ (Aam Aadmi Party) પણ પંજાબની જીતનો લાભ લઇ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે દર અઠવાડીયે દિલ્હી અને પંજાબના મોટા નેતાઓને ગુજરાત મોકલી તિરંગાયાત્રા થકી ‘આપ’નો ટેમ્પો જમાવવાનું આયોજન કરાયું છે, રવિવારે વલસાડમાં તિંરગાયાત્રા યોજ્યા બાદ સોમવારે આમ આદમી પાર્ટીએ ભાજપનાં ગઢ ગણાતા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનાં હોમગ્રાઉન્ડ લિંબાયત તેમજ ઉધના વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યુ છે જેમાં દિલ્હીનાં ધારાસભ્ય અને ગુજરાતના પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ તેમજ પ્રદેશનાં નેતા અને સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહેશે.
આ રેલી યોજાય તે પહેલાં સવારે સુરતમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયેલા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. 5ના મહિલા કોર્પોરેટર મનિષા કૂકડીયા બેક ટુ પેવેલિયન થયા છે. મનિષા કૂકડીયા ફરી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત બાદ સમીકરણો બદલાયા છે અને અરવિંદ કેજરીવાલનું ફોક્સ હવે ગુજરાત વિધાનસભા પર છે, અને આજથી તેની શરૂઆત થઈ રહી છે. તે પહેલાં જ મહિલા કોર્પોરેટરને ફરી આપમાં જોડી સુરતના રાજકારણમા આગામી દિવોસમાં મોટી ઉથલપાથલના સંકેત આપ પાર્ટીએ આપી દીધા છે.
‘આપ’ની તિરંગાયાત્રા સોમવારે સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન યોજાશે. આ રેલીમાં સામાન્ય માણસને પણ જોડવા માટે આપ દ્વારા મોબાઇલ ફોન નં. ‘97002 97002’ જાહેર કરવામાં આવ્યો છે તેમજ લિંબાયતના સંજયનગર સર્કલ ખાતેથી તિરંગાયાત્રા શરૂ થશે. જે મહારાણા પ્રતાપ સર્કલ, આસપાસ ત્રણ રસ્તા થઇ ગોડાદરા પોલીસ સ્ટેશનથી, સુપર સિનેમા, સંજયનગર છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલ થઇ, નીલગીરી સર્કલ, નીલગીરી રોડ થઇ આસપાસ, ત્રણ રસ્તાને ફરી ક્રોસ કરશે. ત્યારબાદ રેલી ગોડાદરા-ડીંડોલી રેલવે ઓવર બ્રિજથી ડીંડોલી સાંઈ પોઈન્ટ, નવાગામ ડીંડોલી રેલવે ઓવરબ્રિજથી નવાગામ ભીમનગર ગરનાળા થઈને ઉધના લિંબાયત રેલવે ઓવરબ્રિજ પહોંચશે. અહીંથી ફરી નીલગીરી સર્કલ થઇ મીઠીખાડી રોડથી મીઠીખાડી ગરનાળા થઇ ભાઠેના કેનાલ રોડ, ભાઠેના થઈને છેલ્લે રિંગરોડ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પુર્ણ થશે. વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું હતું કે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, દાહોદ, ગોધરા, સાબરકાંઠા, નવસારી, ભરૂચ સહિત લગભગ ઘણાખરા શહેર, ટાઉનમાં તિરંગા રેલી સંપન્ન થઇ ચુકી છે.