બેન્કો ડૂબવાના કારણે મુશ્કેલીમાં મૂકાઇ જતાં લાખો સામાન્ય થાપણદારોને હવે કોઇ બેન્ક ડૂબી જતાં મોરેટોરીયમ હેઠળ માત્ર ૯૦ દિવસમાં રૂપિયા પાંચ લાખ સુધીનું વળતર મળી જશે. લાખો થાપણદારોને રાહત આપતા ડીઆઇસીજીસી કાયદામાં સુધારાને તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ગયા વર્ષે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓપરેટિવ બેંક, લક્ષ્મી વિલાસ બેંક, યશ બેંક જેવી બેન્કો ડૂબતાં આ બેન્કના લાખો ખાતેદારો પરેશાન થઇ ગયા હતા. પરિણામે આરબીઆઇ અને સરકારે ડીઆઇસીજીસી કાયદામાં સુધારો કરવાનો નિર્ણય કર્યો હતો.
કોઇ પણ બેંક નિષ્ફળ જાય તો તેના ખાતેદારોને તેમના ખાતામાં જમા રકમ પર મહત્તમ પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પરત મળે. આ પહેલાં આ રકમ ફકત એક લાખ રૂપિયા હતી. ગયા વર્ષે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક ડૂબતાં લાખો ખાતેદારોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે વીમા હેઠળની એક લાખ રૂપિયાની રકમમાં પાંચ ગણો વધારો કરીને પાંચ લાખ કરી હતી. હાલ બેંક ડૂબે તો ખાતેદારોને તેમની વીમા હેઠળની રકમ અને અન્ય કલેમ મેળવતા ઘણો લાંબો સમય નીકળી જતો હતો. આ સમસ્યા દૂર કરવા કાયદામાં ફેરફાર કરાયો છે, જેનાથી ખાતેદારોને મોટી રાહત મળશે. પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.