ગાંધીનગર: ગઈકાલે સોમવારે તા. 13 મેના રોજ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. કૃષિ વિભાગ દ્વારા નુકસાની બાબતે પ્રાથમિક વિગતો હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. બાગાયતી પાક તેમજ ઉભા પાકમાં નુકસાની બાબતે સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ વરસાદ પડશે. કમોસમી વરસાદના લીધે ખેતીના પાકમાં મોટું નુકસાન થયું છે. વરસાદે ડાંગરનો તૈયાર પાક પલળ્યો હતો. ખેતરમાં ખુલ્લામાં પડેલો ડાંગરનો પાક પલળી ગયો હતો. ખેડૂતોને લાખોનું નુકસાન થયા હોવાનો અંદાજ છે. સરકાર દ્વારા સરવે કરી ઝડપથી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.
તલ, બાજરી, જાર અને ડુંગળીના પાકને નુકસાન
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે. ગઈકાલે સોમવારે વરસેલા વરસાદથી ખેતરમાં પાણી ભરાયા છે. સાવરકુંડલા પંથકમાં ભારે વરસાદથી ખેતી પાકને નુકશાન થવા પામ્યું છે. સાવરકુંડલાનાં ઓળીયા ગામે કમોસમી વરસાદે ખેડૂતોને નુકશાન થવા પામ્યું છે. તલ, બાજરી, જાર અને ડુંગળીનાં પાકને નુકશાન થવા પામ્યું છે. જાર અને ડુંગળી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
માવઠાંના લીધે ઉનાળું પાકને નુકસાન, વળતર આપવા ખેડૂતોની માંગ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ઉનાળું પાકને નુકસાન થયું છે. તલ, મગ સહિત બાગાયતી પાક અને કેરીને નુકસાન પહોંચ્યું છે. જેથી નુકસાનનો સર્વે કરવાની ખેડૂતોએ માગ કરી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે કહ્યું કે, સર્વે કરી સરકારે ખેડૂતોને વળતર આપવું જોઈએ. હાલ તલ અને મગ પાક પર છે. જ્યારે આંબા પર મોટી સંખ્યામાં કેરી લાગી છે. વાવાઝોડાના કારણે કેરીઓ આંબા પરથી ખરી પડી છે. જેથી તાત્કાલિક સરકારે વળતર આપવું જોઈએ.