અમેરિકા જવાનું સપનું જોતા ભારતીયો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. H-1B વિઝાની પસંદગી પ્રક્રિયામાં મોટો ફેરફાર અમલમાં આવી રહ્યો છે. 27 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવતા નવા નિયમો હેઠળ દાયકાઓથી ચાલતી રેન્ડમ લોટરી પદ્ધતિને બદલે ભારિત પસંદગી સિસ્ટમ લાગુ થશે. હવે નસીબ નહીં, પરંતુ ઉમેદવારને ઓફર કરાયેલો પગાર વિઝાની તક નક્કી કરશે. US Department of Homeland Security દ્વારા ગયા વર્ષે 29 ડિસેમ્બરે આ સંબંધિત અંતિમ નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. 2027 નાણાકીય વર્ષથી H-1B કેપ પસંદગી પ્રક્રિયામાં આ બદલાવ લાગુ થશે. H-1B વિઝા અમેરિકન કંપનીઓને ટેક્નિકલ અને વિશિષ્ટ ક્ષેત્રોમાં કુશળ વિદેશી વ્યાવસાયિકોને નોકરી આપવા માટે મંજૂરી આપે છે, જેમાં ભારતીયોનો નોંધપાત્ર હિસ્સો રહ્યો છે. નવા નિયમોનો સૌથી મોટો પ્રભાવ એન્ટ્રી-લેવલ અને ઓછા અનુભવ ધરાવતા યુવાનો પર પડશે. લેવલ 1 શ્રેણીના ઓછા પગારવાળા વ્યાવસાયિકોને પસંદગી પ્રક્રિયામાં ઓછી પ્રાથમિકતા મળશે. તેની સામે લેવલ 3 અને લેવલ 4 કેટેગરીના અનુભવી અને ઊંચા પગારવાળા નિષ્ણાતોને વધુ તક મળશે.
ભારતીય આઇટી કંપનીઓ ઘણીવાર શરૂઆતના સ્તરે મોટા પ્રમાણમાં ભરતી કરતી હોય છે. તેથી આ બદલાવ તેમના માટે પડકારરૂપ બની શકે છે. બીજી તરફ 10થી 15 વર્ષનો અનુભવ ધરાવતા સિનિયર સોફ્ટવેર એન્જિનિયરો અને ટેક્નિકલ નિષ્ણાતોને નવા નિયમોથી ફાયદો થવાની શક્યતા છે. નાના સ્ટાર્ટઅપ્સ માટે પણ પરિસ્થિતિ સરળ નહીં રહે. મર્યાદિત બજેટના કારણે તેઓ ઊંચા પગાર ઓફર કરી શકતા નથી, જેના કારણે વિદેશી પ્રતિભા રાખવી વધુ ખર્ચાળ અને અનિશ્ચિત બની શકે છે. હાલમાં અમેરિકા દર વર્ષે 65,000 H-1B વિઝા જારી કરે છે. ઉપરાંત અમેરિકન સંસ્થાઓમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓ માટે વધારાના 20,000 વિઝા ઉપલબ્ધ છે. નવા નિયમો પછી સ્પષ્ટ છે કે હવે અમેરિકાની ટિકિટ માટે નસીબ નહીં, પણ ભારે પગાર જ મુખ્ય ચાવી બનશે.