મુંબઈ: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (HardikPandya) આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023માંથી (ICCODIWORLDCUP2023) બહાર થઈ ગયો છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત માટે આ સમાચાર એક મોટો આંચકો છે. પહેલા એવી આશા હતી કે ટીમ ઈન્ડિયાની (TeamIndia) છેલ્લી લીગ મેચ કે સેમીફાઈનલ કે ફાઈનલ પહેલા હાર્દિક ફિટ થઈ જશે, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા માટે કોઈ મેચ નહીં રમે. તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણ (PrishdhKrishna) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ અજેય રહી છે. તે સાતમાંથી સાત મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી છે. હવે ટીમ ઈન્ડિયાએ 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે બાકીની મેચ રમવાની છે. ત્યાર બાદ સેમિફાઇનલ (15 કે 16 નવેમ્બર)ના રોજ છે. ત્યાર બાદ 19મી નવેમ્બરે વર્લ્ડ કપની ફાઈનલ છે.
હાર્દિકની ગેરહાજરીને કારણે ટીમ ઈન્ડિયાનું બેલેન્સ બગડ્યું છે. આ સ્ટાર ઓલરાઉન્ડરની ટીમને ખોટ પડશે. તાજેતરના અપડેટ મુજબ, સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પગની ઘૂંટીની ઈજા હજુ સારી થઈ નથી. તેથી તે ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં રમી શકશે નહીં. પુણેમાં 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે ભારતની વર્લ્ડ કપ મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. ટીમ ઈન્ડિયામાં તેનું સ્થાન પ્રસિદ્ધ કૃષ્ણા લેશે.
પ્રસિદ્ધ કૃષ્ણની પસંદગી આશ્ચર્યજનક છે
ટીમમાં પ્રસિદ્ધ કૃષ્ણની પસંદગી પણ આશ્ચર્યજનક છે, કારણ કે તે બોલર છે. અગાઉ એવી ધારણા હતી કે જો હાર્દિક ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે તો તેની જગ્યાએ કોઈ ઓલરાઉન્ડર આવશે પરંતુ શનિવારે ટુર્નામેન્ટની ઈવેન્ટ ટેકનિકલ કમિટી તરફથી પરવાનગી મળ્યા બાદ આ બિનઅનુભવી ઝડપી બોલરને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.
વર્લ્ડ કપ 2023માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન
ગઈ તા. 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે જ્યારે હાર્દક તેની પહેલી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે તેને ઈજા થઈ હતી. ડાબા પગની ઘૂંટીમાં ઈજા થતાં તેણે મેદાન છોડી દીધું હતું. જેના કારણે તે પોતાની પ્રથમ ઓવર પણ પૂરી કરી શક્યો નહોતો. બાદમાં તેની જગ્યાએ વિરાટ કોહલીએ 3 બોલ ફેંક્યા હતા. આ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સરેરાશ રહ્યું હતું. તેણે બોલિંગમાં કુલ 5 વિકેટ લીધી હતી. તેને ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જ મેચમાં બેટિંગ કરવાની તક મળી હતી, જેમાં તેણે 11 અણનમ રન બનાવ્યા હતા.