મુંબઈ: મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માને (RohitSharma) કેપ્ટન પદેથી દૂર કરી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે હાર્દિક પંડ્યાને (HardikPandya) કેપ્ટન બનાવ્યો છે. જોકે, હવે મુંબઈ ઈન્ડિયન્સને તેમનો આ નિર્ણય જ ભારે પડે તેવું લાગી રહ્યું છે. કેપ્ટનની ભૂમિકા નિભાવવાની વાત તો દૂર રહી હાર્દિક પંડ્યા આઈપીએલ 2024માંથી જ બહાર થઈ જાય તેવા સંજોગો ઉભા થયા છે.
પાંચ ટાઈમ ટ્રોફિ જીતનાર રોહિતને હટાવી હાર્દિકને કેપ્ટન બનાવવાનો મુંબઈ ઈન્ડિયન્સનો નિર્ણય ખૂબ જ આશ્ચર્યજનક હતો. હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડિંગ વિન્ડો દ્વારા પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હાર્દિકે છેલ્લી બે IPL સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT)ની કેપ્ટનશીપ કરી હતી. જોકે હવે હાર્દિક પંડ્યાને લઈને જે સમાચાર સામે આવ્યા છે તે જાણી મુંબઈ ઈન્ડિયન્સના માલિકોને મોટો ઝટકો લાગ્યો છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ઈજાના કારણે હાર્દિક આઈપીએલ 2024થી બહાર રહી શકે છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણીમાં પણ તેના રમવાની કોઈ શક્યતા નથી. બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું, ‘હાર્દિકની ફિટનેસ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. આઈપીએલના અંત પહેલા તેની ઉપલબ્ધતા પર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે.
હાર્દિકને વર્લ્ડકપમાં ઈન્જરી થઈ હતી
ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન હાર્દિક પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તે ટ્વિસ્ટ થઈ ગયો હતો. તેનું લિગામેન્ટ ફાટી ગયું હતું. જેના કારણે હાર્દિકે વર્લ્ડ કપ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. આ ઉપરાંત તેને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પણ ગુમાવવી પડી હતી. એટલું જ નહીં, હાર્દિક સાઉથ આફ્રિકા પ્રવાસનો પણ ભાગ નથી.
ઈન્ડિયન ટીમનું પણ ટેન્શન વધ્યું
હાર્દિક પંડ્યા ઈજામાંથી બહાર ન આવવું એ ટીમ ઈન્ડિયા માટે પણ મોટો ફટકો હોઈ શકે છે. સૂર્યકુમાર યાદવ પહેલેથી જ ઈજાગ્રસ્ત છે અને તેના અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણીમાંથી બહાર થવાની સંભાવના છે. હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની કપ્તાની સંભાળી હતી. હવે આ બંને ખેલાડીઓની ઈજાના કારણે રોહિત શર્મા અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમનું નેતૃત્વ કરી શકે છે.