નવી દિલ્હી: આઈસીસી વનડે વર્લ્ડકપ 2023 (ICCODIWorldCup2023) ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ભારતમાં (India) યોજાનાર છે. આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની (Australia) ટીમ પ્રમુખ દાવેદાર માનવામાં આવે છે. પરંતુ આ મેગા ઈવેન્ટ પહેલાં જ ઓસ્ટ્રેલિયન ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલ (Glen Maxwell) ઈન્જર્ડ (Injured) થઈ ગયો છે.
ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલને ટ્રેનિંગ સેશન દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ છે. તેના પગલે મૈક્સવેલ સાઉથ આફ્રિકા સામેની 3 મેચોની ટી-20 સિરિઝમાંથી આઉટ થઈ ગયો છે. પાંચ વખત વન ડે વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલાંથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. કેપ્ટન પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ અને મિચેલ સ્ટાર્ડ પહેલાથી જ ઘાયલ છે.
ગ્લેન મૈક્સવેલના સ્થાને વિકેટ કિપર બેટ્સમેન મૈથ્યુ વેડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મૈક્સવેલની ઈજા ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખૂબ મોટો ઝટકો છે. કેમ કે વર્લ્ડ કપથી પહેલાં ટીમને ભારતીય મેદાનોમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ત્રણ વન ડે મેચોની સિરિઝ પણ રમવાની છે. આ સિરિઝ વર્લ્ડ કપની તૈયારીઓના ભાગરૂપે કાંગારુ ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ હવે ભારત વિરુદ્ધની સિરિઝમાં ગ્લેન મૈક્સવેલનું રમવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.
પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલા ટી 20 વર્લ્ડ કપ દરમિયાન મૈક્સવેલને પગમાં ફ્રીક ઈન્જરી થઈ હતી. જેના લીધે સ્ટાર ઓલરાઉન્ડરે વર્લ્ડ કપ બાદથી ઓસ્ટ્રેલિયાની ટીમ માટે એક પણ મેચ રમી નથી.
તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટી 20 મેચની સિરિઝ પછી મૈક્સવેલ પોતાના બાળકોના જન્મ પર ઓસ્ટ્રેલિયા જવાનો હતો. પરંતુ હવે ઈજાના લીધે તે સિરિઝથી બહાર થઈ ગયો છે. ટી 20 મેચો પછી ઓસ્ટ્રેલિયાની ટીમ સાઉથ આફ્રિકાની ધરતી પર 5 વન ડે મેચ પણ રમશે. મૈક્સવેલ તે વન ડે સિરિઝમાં રમે તેવી શક્યતા પણ ઓછી છે.
મૈક્સવેલનો વન-ડે અને ટી-20માં રેકોર્ડ
ગ્લેન મૈક્સવેલ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 128 મેચ રમ્યો છે. જેમાં તેણે 33.88ની સરેરાશ અને 124.82ની સ્ટ્રાઈક રેટથી 3490 રન બનાવ્યા છે. આ દરમિયાન મૈક્સવેલની બેટમાંથી 23 અડધી સદી અને 2 સદી નીકળી છે. મૈક્સવેલે બોલિંગમાં પણ કમાલ કરતા 60 વિકેટ લીધી છે. મૈક્સવેલનું ટી20 કેરિયર પણ શાનદાર રહ્યું છે. તેણે 98 ટી-20 મેચમાં 28.40ની એવરેજ અને 150.97ની સ્ટ્રાઈક રેટથી 2~159 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં મેક્સવેલના નામે 39 વિકેટ છે.