પુણેઃ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બસ અને ટ્રેક્ટર વચ્ચે અથડામણમાં પંઢરપુર જઈ રહેલા પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં 8 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમજ 20 થી 30 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
અષાઢી એકાદશી માટે પંઢરપુર તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યાં છે. વિઠ્ઠલના ભક્તો પાલખીમાં પંઢરી તરફ જઈ રહ્યાં છે, જ્યારે કેટલાંક ભક્તો બસમાં પણ પ્રવાસ કરી રહ્યાં છે. મોટા ભાગની પાલખીઓ આજે રાત સુધીમાં પંઢરપુરમાં પ્રવેશી જશે. દરમિયાન આજે સવારે પંઢરપુર તરફ જતી બસનો અકસ્માત થયો હતો.
આ માર્ગ અકસ્માત રાત્રે લગભગ 1 વાગે થયો હતો. બસ અને ટ્રેક્ટર સામે સામે ટકરાયા હતા. ટ્રેક્ટરની ટક્કર લાગ્યા બાદ બસ 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. જ્યારે 30થી વધુ ઘાયલ થયા હતા.
અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. તમામ ઘાયલોને એમજીએમ હોસ્પિટલ અને પનવેલ ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે.
દરમિયાન એક્સપ્રેસ વે પર ટ્રેક્ટર પર પ્રતિબંધ છે તો પછી એક્સપ્રેસ વે પર ટ્રેક્ટર કેવી રીતે આવ્યું? તેવા સવાલો લોકો કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે બસમાં 54 ભક્તો હતા જેઓ મુંબઈ નજીકના થાણે જિલ્લામાં તેમના વતન ડોમ્બિવલીથી અષાઢી એકાદશીની ઉજવણી માટે પંઢરપુર જઈ રહ્યા હતા. નવી મુંબઈના પનવેલ નજીક મધરાતે આ અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વે પર એક ઝડપી બસે ટ્રેક્ટરને ટક્કર મારી હતી.
ડીસીપી વિવેક પાનસરેએ જણાવ્યું કે બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ અને ટ્રેક્ટરમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે મૃતકોમાં એક મહિલા પણ સામેલ છે. અધિકારીએ જણાવ્યું કે ટ્રેક્ટર સાથે અથડાયા બાદ બસ એક્સપ્રેસ વેના બેરિકેડ સાથે અથડાઈ અને 20 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ હતી. બુધવારે અષાઢી એકાદશીની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે લાખો વારકારીઓ પંઢરપુરની યાત્રા કરે છે, જ્યાં તેઓ મહારાષ્ટ્રના તમામ ભાગોમાંથી અષાઢી એકાદશી પર ભેગા થાય છે.