ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઇથી આવ્યા પછી હવે ઉત્તરપ્રદેશના પ્રવાસે જવાના છે. આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય ભાજપે દેશના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ઉત્તરપ્રદેશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી 13 અને 14 ડિસેમ્બર દરમ્યાન વારાણસીનો પ્રવાસ કરશે.
વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો છે, જેના પગલે દિવ્યકાશી-ભવ્ય કાશી કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ઉત્તરપ્રદેશ જવાનો આદેશ કરવામાં આવ્યો છે. 14મી ડિસેમ્બરે વારાણસીમાં પાર્ટી એક સંમેલનનું આયોજન કરી રહી છે જેમાં મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહેવાના છે. આ ત્રણ દિવસ દરમ્યાન વારાણસીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના અધ્યક્ષ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક પણ કરવાના છે. ભાજપના આ ટોચના નેતાઓ વારાણસીમાં ગંગા આરતીનો લાભ લેશે, એ ઉપરાંત અયોધ્યાના રામમંદિરના દર્શને પણ જશે. દિવ્ય કાશી ભવ્ય કાશી અભિયાન 13મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી સુધી યોજાવાનું છે. અભિયાનના પ્રથમ દિવસ વડાપ્રધાન કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્દઘાટન કરશે.
વારાણસીમાં 14મીએ 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ નાયબ મુખ્યમંત્રીઓનું સંમેલન
વારાણસીમાં 14મી ડિસેમ્બરે કુલ 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ નાયબ મુખ્યમંત્રીઓનું સંમેલન યોજનાર છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ સામેલ હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ પછી તમામ મુખ્યમંત્રીઓને 51 શિવ મંદિરોના દર્શન કરાવવામાં આવશે. વારાણસીમાં આ મંદિરોને વિશેષરૂપથી સજાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાં દેશભરના 3000થી પણ વધુ સંતો તેમજ ધર્માચાર્ય ઉપસ્થિત રહેશે. દેશના 51000 સ્થાનો પર વારાણસીના તમામ ધાર્મિક કાર્યક્રમોનું લાઇવ પ્રસારણ કરાશે.