ભરૂચ: (Bharuch) ભરૂચના આમોદ નગરમાં વાનરને (Monkey) 10થી વધુ શ્વાનોએ બચકાં ભરી લોહીલુહાણ કરી દીધો હતો. આ બનાવમાં આમોદ વન વિભાગ (Forest Department) સહિત નેચર સેવિંગ ફાઉન્ડેશન તેમજ પશુચિકિત્સક દ્વારા કપિરાજની સારવાર કરવામાં આવી હતી.
- આમોદમાં 10થી વધુ શ્વાનનો આતંક: વાનર ઉપર હુમલો કરી લોહીલુહાણ કરી દીધો
- વનવિભાગે ઇજાગ્રસ્ત કપિરાજની સારવાર કરી, ભારે જહેમત બાદ વાનરને પાંજરે પુરાયો
ભરૂચ જિલ્લાના આમોદ નગરના વાવડી ફળિયામાં 10થી વધુ શ્વાનોએ ભેગા મળી એક કપિરાજ ઉપર હુમલો કરી બચકાં ભર્યાં હતાં. ત્યારે શ્વાનોના હુમલાથી કપિરાજ ગંભીર રીતે લોહીલુહાણ થઈ જતાં આસપાસના રહીશોએ શ્વાનોને ભગાડી મૂક્યા હતા. કપિરાજ ઇજાગ્રસ્ત બનતાં વાવડી ફળિયામાં રહેતા હમીદ મલેકે આમોદ વન વિભાગને કપિરાજ ઇજાગ્રસ્ત થયો હોવાની જાણ કરી હતી. ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશન સંસ્થાના અંકિત પરમાર તેમજ વન વિભાગના અધિકારીઓએ ઇજાગ્રસ્ત થયેલા કપિરાજને ભારે જહેમત સાથે પાંજરે પૂર્યા હતા.
ત્યારબાદ ઇજાગ્રસ્ત કપિરાજને આમોદ સામાજિક વનીકરણ રેન્જની કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આમોદના પશુચિકિત્સક દ્વારા કપિરાજને જરૂરી ઇન્જેક્શન તેમજ દવા લગાવી યોગ્ય સારવાર આપવામાં આવી હતી. સરભાણ રાઉન્ડના ફોરેસ્ટર વિજય પંડ્યાએ જણાવ્યું હતું કે, આમોદના વાવડી ફળિયામાં 10થી વધુ શ્વાનોએ કપિરાજને બચકાં ભરી ઇજાગ્રસ્ત કર્યા હતા. જેને આમોદ રેન્જ કચેરીએ લાવી પશુચિકિત્સક દ્વારા સારવાર આપવામાં આવી હતી.
ભરૂચના નર્મદા પાર્કમાં મોડી સાંજે લાઈટો બંધ, વેકેશન ટાણે જ પ્રજાને કડવા અનુભવ
ભરૂચ: ભરૂચની જનતાની સુખાકારી માટે તેમજ નર્મદા નદીના કાંઠે હરવા ફરવા માટે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નીલકંઠેશ્વર મંદિર નજીક નર્મદા પાર્કનું નિર્માણ કરોડોના ખર્ચે કરવામાં આવ્યું હતું, જેની શહેરીજનો વીક એન્ડ અથવા હળવાશની પળોમાં આ પાર્કની મુલાકાત લે છે. માનસિક શાંતિ મળે અને બાળકોને પણ મનોરંજન પૂરું પડી રહે એ માટે મોટી સંખ્યામાં પરિવાર સાથે લોકો ઊમટી પડે છે.
ઝાડેશ્વર ખાતેના આ નર્મદા પાર્કમાં એન્ટ્રી માટે વ્યક્તિ દીઠ દસ રૂપિયાનો ચાર્જ વસૂલાત કરવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે જ બોર્ડ સહિતની પરીક્ષાઓ સમાપ્ત થઈ છે. જે બાદ લોકો પરિવાર બાળકો સાથે વેકેશનની મજા માળી રહ્યાં છે. જ્યાં આજકાલ મોડી સાંજના સમયે જતા લોકોને પાર્કમાં અસુવિધાનાં દર્શન થઈ રહ્યાં છે. પાર્કમાં એન્ટ્રી-ફી આપીને સાંજના સમયે પ્રવેશ કરનાર લોકોએ પાર્કમાં લાઈટ વ્યવસ્થા હોવા છતાં અંધારામાં જ ફરવા મજબૂર બનવું પડતું હોય તેવાં દૃશ્યો સોશિયલ મીડિયામાં લોકોએ વાયરલ કર્યા હતા. સાથે જ આક્ષેપો પણ કર્યા હતા કે પાર્કમાં રહેલ કર્મચારીઓને લાઈટ વ્યવસ્થા ચાલુ કરવા માટે રજૂઆત કરી ત્યારે ત્યાંના કર્મચારીઓએ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી જેવા-તેવા જવાબો ફરવા ગયેલ શહેરીજનોને આપ્યા હતા.