અમદાવાદ : ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં (AAP) ભંગાણ પડ્યું છે. એક જ દિવસમાં બે નેતાએ રાજીનામું આપી દેતા આપને મોટો ઝટકો લાગ્યો છે. વિજય સુવાળા (Viajay suvada) અને મહેશ સવાણીએ (Mahesh savani) આપમાંથી રાજીનામું આપી દીધા બાદ આજે ઈસુદાન ગઢવીએ (Ishudan Ghadhvi) પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે. આ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. અને કહ્યું હતું કે અમારા નેતાને પ્રલોભન આપીને ભાજપ લઈ ગઈ છે. હવે મને પણ મરાવી નાંખો.
તેમણે ભાજપ પર આરોપ લગાવતા એમ કહ્યું હતું કે ભાજપ અને પાટીલ ભાઉની સરકારે અમને જેલમાં પૂર્યા. મને દારૂના કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી. 12 દિવસ પછી રિપોર્ટ આપવામાં આવે છે. હું મા મોગલના સોગંધ ખાઉ છું, મારા પ્રાણના સોગંધ ખાઉ છું કે મેં દારૂ નથી પીધો. મને બદનામ કરવામાં આવ્યો છે.
અમારી લડાઈ વ્યવસ્થા પરિવર્તન માટેની છે. આમ આદમી પાર્ટી ક્રાંતિ વીરોની પાર્ટી છે. પાર્ટીમાં ઘણા આવશે અને જશે પણ અમારી લડાઈ ચાલુ રહેશે. આમ આદમી પાર્ટી છોડનાર બંને નેતાઓને અમે અભિનંદન આપીએ છીએ. જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે અને ભાજપ વિરોધ માટે આવશે તો અમે ચા પીવડાવશું અને સાંભળીશું. તેમણે એમ પણ કહ્યું કે ભાજપે અમારી પર ઘણા આરોપો લગાવ્યા છે. જાન્યુઆરી 2022માં જ્યારે અમે કમલમમાં ભાજપનો વિરોધ કરવા ગયા ત્યારે મારી પર મહિલા છેડતી કરી એવી કલમો પોલીસે લગાડી અને સાબરમતી જેલમાં લઈ ગયા. આ અમારો સંઘર્ષનો રસ્તો છે.
ભાજપ અમને બદનામ કરે છે
તેમણે કહ્યું હતું કે ભાજપની શામ, દામ અને દંડની નીતિ છે, તે પ્રેશર ટેક્નિક અપનાવે છે. ભૂતકાળમાં પણ ભાજપે અમારા કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ કર્યો હતો. અમારે પ્રજાને કહેવું છે કે ભાજપે 6 હજાર સ્કૂલો બંધ કરી છે. પેપર લીક કૌભાંડ થયું અને હજી પણ અસિત વોરાનું રાજીનામું નથી લેવાયું. મા મોગલના સોગંધ ખાઉં છું, મારા પ્રાણના સોગંધ ખાઉ છું કે મેં દારૂ નથી પીધો. છતાં તમે મને બદનામ કર્યો. મારુ હૈયું ભરાઈ આવ્યું છે. ભાજપને ડર લાગ્યો છે અને તેના કારણે અમને બદનામ કરે છે. અમારી પાર્ટી છોડનારા બંને નેતાઓનો આ વ્યક્તિગત નિર્ણય છે. હવે અમે બમણો સંઘર્ષ કરીશું અને લડાઈ લડીશું અને લોકોને અને જોડીશું. AAP ક્યારેય તૂટશે નહીં, અમે તો ક્રાંતિ કરવા માટે આવ્યા છીએ. તેમણે પાટીલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે પાટીલ ભાઉ કુદરતથી ડરો, સિકંદર પણ ખાલી હાથે ગયો હતો.
ટાઈગર અભી જિંદા હે
તેમણે કહ્યું કે મહેશભાઈ સવાણીએ સાવરકુંડલામાં આઇસોલેશન શરૂ કરાવ્યું હતું અને ભાજપે આ આઇસોલેશન બંધ કરાવ્યું હતું. 5 હજાર ઈન્જેકશન પાટીલ ભાઉ લઇ ગયાં હતાં. ભાજપ અમારા નેતાને તોડશે એટલું ભાજપને જ નુકશાન થશે. તેમણે પાર્ટીને હિંમત આપતા કહ્યું કે અમે આમ આદમીના કાર્યકર્તાઓને કહીશું કે તમે હિંમત રાખો. પહેલી ગોળી અમે ખાઈશું. તમે આમ આદમીમાં રહો, ટાઇગર અભી જીંદા હે. ભાજપમાં પણ ભડકો છે જ. તેમણે એમ કહ્યું હતું કે વિજયભાઈ અને સી આર પાટીલ વચ્ચે બનતું નથી તેથી વિજયભાઈને ઘરે બેસાડી દીધા.
હું AAPમાં નથી, પરંતુ આપ મારામાં છેઃ ઈસુદાન ગઢવી
આ અગાઉ ડેમેજ કંટ્રોલ કરવા માટે ઇસુદાન ગઢવીએ સોમવારે ફેસબુક પોસ્ટ લખી હતી કે હું AAPમાં નથી, પરંતુ આપ મારામાં છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કાલે પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે સ્પષ્ટતા કરશે. આ ઉપરાંત જે પણ નેતાઓ ગયા છે તેઓ પક્ષમાં અસંતોષ હોવાને કારણે નથી ગયા, પરંતુ પોતાની અંગત તકલીફોને ધ્યાનમાં રાખીને જ તેઓ ગયા છે.નોંધનીય છે કે હાલ AAP પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સિવાય કોઇ રહ્યું નથી.