ગાંધીનગર: ભાવનગર (Bhavnagar) શહેરના અંદાજિત રૂ.૨૯૭ કરોડના રિંગ રોડ પ્રોજેક્ટને (Ring Road Project) રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ રિંગ રોડના નિર્માણ થકી ભાવનગર તથા આસપાસના નાગરિકો – વાહન ચાલકોને ટ્રાફિક (Traffic) જામમાંથી મુક્તિ મળશે તેમજ સમય (Time) અને ઇંધણની પણ બચત થશે.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની એજીએમમાં ભાવનગર શહેરના આ રિંગરોડ પ્રોજેક્ટની જાહેરાત કરતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૪.૭૫ કિલોમીટરનો નવા બંદર રોડથી જુના બંદર જંકશન સુધી લિંક, ૨.૩૫ કિલોમીટરનો જુના બંદર જંકશનથી કેબલ સ્ટેઈડ બ્રિજ સુધી લિંક, ૧૪.૫૦ કિલોમીટરનો કેબલ સ્ટેઈડ બ્રિજથી નિરમા જંકશન સુધી લિંક, ૧.૩૦ કિલોમીટરનો રુવા રવેચી ધામથી નવા બંદર રોડ સુધી લિંક તેમજ ટોપ થ્રી સિનેમાથી ટોપ થ્રી સર્કલ અને ટોપ થ્રી સર્કલથી માલણકા જંકશન લિંક સુધીનો અંદાજિત ૨૪ કિલોમીટરનો આ સમગ્ર રિંગરોડ પ્રોજેક્ટ રૂ.૨૯૭ કરોડના ખર્ચે તૈયાર થશે.