Madhya Gujarat

અડાસ ખાતે શહાદત વહોરનારા 5 સપૂતોને ભાવાંજલિ અર્પણ કરાઇ

આણંદ : અડાસ ખાતે અંગ્રેજોના ગોળીબારમાં શહિદ થયેલા પાંચ સપુતોને બુધવારના રોજ ભાવાંજલિ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 18મી ઓગષ્ટ,1942ના રોજ બનેલી આ ઘટનાની પુણ્યતિથીએ અડાસ ખાતે આવેલી શહીદ સ્મૃતિ ખાતે ત્રિરંગો લહેરાવી, ફુલહાર અર્પણ કરી આ પાંચેય ગુજરાતના વીર સપૂતોને યાદ કરવામાં વ્યાં હતાં. આ પ્રસંગે સાંસદ મિતેષભાઇ પટેલે કરેગે યા મરેંગેના સૂત્ર સાથે હિંદ છોડો આંદોલન શરૂ કરનાર ગાંધીજીની સાથે મારા દેશને આઝાદી અપાવવામાં યુવાઓએ દેશ માટે પોતાના પ્રાણની આહૂતિ આપી હતી તેમ જણાવી આજના યુવાનોને આ પાંચ યુવાઓના અડાસ ખાતેના શહીદ સ્મારક ખાતેની એકવાર અવશ્ય મુલાકાત લેવા કહ્યું હતું.

આણંદ જિલ્લા વિકાસ અધિકારી બી.જી.પ્રજાપતિએ અડાસની શહિદોની ભૂમિ ખાતે આ દિવસે આવવાનું થયું જે હું મારી જાતને ધન્ય માનું છું. તેમ જણાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. પૂર્વ સાંસદ લાલસિહ વડોદીયાએ જયાં સુધી સુર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ પાંચ શહિદો યાદ રહેશે તેમ જણાવી પોતાની શ્રદ્ભાંજલિ આપી હતી. ગામના અગ્રણી હંસાકુંવરબા રાજે જણાવ્યું કે, અડાસ ગામ મારૂ વતન છે. એટલે હું નિયમિત આ શહિદ સ્મારકની મુલાકાતે આવું છું અને ગામના લોકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને આ પાંચ યુવાઓની શહિદી વિશેની વાત કરી જાણકારી આપું છું .

જેથી આજની આ યુવા પેઢીને દેશ માટે કંઇક કરી છુટવાની  પ્રેરણા મળે છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઇ, જિલ્લા વિકાસ અધિકારી બી.જી.પ્રજાપતિ, ગામના સરપંચ શિલ્પાબેન રાજ, જિલ્લા પંચાયત સદસ્ય, રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ આર.કે.ઉપાધ્યાય, આર.કે ચૌધરી, કે.એફ.પરમાર, પ્રિતીબેન ચાવડા વિગેરે હાજર રહ્યાં હતાં. અડાસ ખાતે 18મી ઓગષ્ટ, 1942ના રોજ શું થયું હતું ?

અંગ્રેજ શાસનને દેશમાંથી હાંકી કાઢવા માટે ગાંધીજી દ્વારા હિંદ છોડો આંદોલન શરૂ કરાયું હતું. જેમાં ભાગ લેનાર ૩૪ યુવાઓની ટીમ દિલ્હીમાં ધ્વજ ફરકાવીને પરત આવી રહી હતી. જેમાના ગુજરાતના પાંચ યુવાઓને અંગ્રેજ શાસનના પોલીસ અધિકારીઓ શોધી રહ્યાં હતા. દિલ્હીથી મુંબઇ થઇ વડોદરા આવી આ પાંચ યુવાઓ વડોદરાથી પગદંડી મારફતે આણંદ આવી રહ્યાં હતા. તે સમયે અડાસ રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન આવી હતી. જેમાં અંગ્રેજ શાસનના પોલીસ અધિકારીઓની નજર આ યુવાઓ પર પડતા પોલીસની નજરથી ભાગવા જતા થયેલા પોલીસ ગોળીબારમાં આ પાંચ યુવાઓ ઘવાયા હતા, જેમાં ચાર યુવાઓ સ્થળ ઉપર જ ઢળી પડયા હતા.

એક યુવાનને પગમાં ગોળી વાગી હતી. જેને ગ્રામજનોએ દોડી આવી આણંદ ખાતે હોસ્પિટલ લઇ ગયા હતા. અડાસ ખાતેના આ ગોળીબારમાં અને દેશને અંગ્રેજ શાસનની ગુલામીમાંથી મુકત કરવા પોતાના પ્રાણના બલિદાન આપનાર ભાદરણના રતિલાલ ગોરધનભાઇ પટેલ, ધર્મજના રમણભાઇ પુરુષોતમભાઇ પટેલ, બાલાસિનોરના તુલસીદાસ સાકળચંદ મોદી, ચાણસ્માના મણીલાલ પુરૂષોતમદાસ પટેલ અને દહેગામના મોહનલાલ મગનલાલ પટેલ હતાં. તેમના સન્માનમાં અડાસ ખાતે શહિદ સ્મૃતિ બનાવવામાં આવી છે.

Most Popular

To Top