SURAT

ભાટિયા-કામરેજ ટોલનાકા પર સ્થાનિકોની ટોલ વસૂલી અટકાવવા સાંસદો અને ધારાસભ્યોને આવેદન પત્ર

સુરત અને તાપી જિલ્લાના વાહન માલિકોને ભાટિયા, કામરેજ અને માંડળ ટોલકનાકે ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે નાકર લડત સમિતિએ આજે સુરત અને તાપી જિલ્લાના સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખો,મેયર, તાલુકા પંચાયતના પ્રમુખોને પત્ર લખી બિનરાજકીય આ લડતમાં સહયોગ આપવા આંદોલનને સમર્થનપત્ર પાઠવવા માંગ કરી છે. નાકર લડત સમિતિનું આંદોલન ગામેગામ પહોંચ્યુ છે ત્યારે સમિતિએ સ્થાનિકો માટે ફાસ્ટેગ રદ કરવા અને સાંસદ સીઆર પાટીલે કરાવેલા સમાધાનનું પાલન કરાવવા માંગ કરી છે. લડત સમિતિના અગ્રણી દર્શન નાયક અને એમએસએસ શેખે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના રોડ પરિવહન વિભાગે દરેક ટોલ નાકે ફાસ્ટ ટેગ ફરજિયાત કર્યુ છે. જે માટે સ્થાનિકોને મળતી છૂટ તેમજ આ છૂટ મેળવવા માટે કરવી પડતી પ્રકિયા સામે સ્થાનિક ગ્રામજનો અને વપરાશકારોનો વિરોધ છે.

કામરેજ અને ભાટિયા ટોલ નાકાઓ પર નેશનલ હાઇવે પર ટોલ રોડ બન્યા તે પૂર્વે જે રોડ રાજ્ય ધોરી માર્ગ હતા કે રાષ્ટ્રીય ધોરી માર્ગ હતા જે કોઈપણ જાતના વપરાશ પર ટોલટેક્સ ચૂકવવો પડતો ન હતો. સ્થાનિકો આ રોડનો વિનામૂલ્યે ઉપયોગ કરતા હતા. જયારે ટોલ રોડનું આયોજન થયું તો સ્થાનિકો માટે કોઈ જ ટોલ લેવાનું પ્રયોજન હતું નહિ. પરંતુ કોઈ ને કોઈ બહાને ટોલ બુથ ના સંચાલકો તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી એ આ ટોલ ગેરકાયદેસર રીતે દાખલ કરી દીધો હતો. સ્થાનિકો માટે આ બંને ટોલ નાકે સર્વિસ રોડનું આયોજન હોવા છતાં પણ આજદિન સુધી સર્વિસ રોડ નહિ બનાવી સ્થાનિક લોકોને સુવિધાથી વંચિત રાખી તેમને માર્ગ અકસ્માતનો ભોગ બનવા દીધા છે.

હાઇવે ઓથોરિટી અને ટોલનાકા સંચાલકોના અન્યાયી વલણ અને સ્થાનિકોને થતી તકલીફો સામે ના કર સમિતિ છેલ્લા બે વર્ષથી લડત ચલાવી રહી છે. ગયા વર્ષે સાંસદ સીઆર પાટીલે સમાધાન કરાવ્યુ હતુ પરંતુ ફરી એ મુદ્દો ઉભો થયો છે. તેથી ના કર સમિતિને સ્થાનિક ગ્રામ પંચાયતો, સંસ્થાઓ, એસોસિએશનો, ઉધોગ ગૃહો તેમજ સુરત શહેર તેમજ જીલ્લાની જાહેર જનતા અને રોજબરોજ ટોલ ટેક્ષ અને હાઇવે વપરાશકારોનું સમર્થન મેળવ્યુ છે.અને એક બિનરાજકીય આંદોલન શરૂ કર્યુ છે. તેમાં સાંસદો અને ધારાસભ્યો પાસે સમર્થનપત્ર માંગવાનું શરૂ કરાયુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top