રાજ્ય સરકારના 9.61 લાખથી વધુ અધિકારીઓ – કર્મચારીઓ અને પેન્શનર્સને 1 સપ્ટેમ્બર ૨૦૧૯ થી ૫ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર માસે પગાર સાથે ચૂકવવામાં આવી રહ્યો છે. તા.૦૧.૦૭.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨૦૧૯ સુધી એમ કુલ-૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચૂકવવાનો નિર્ણય કર્યો હતો.
તે પૈકી જૂલાઈ-૨૦૧૯થી સપ્ટેમ્બર-૨૦૧૯ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકી રહેતાં ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચુકવણી બાકી હતી. તે એરિયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો નિર્ણય કર્યો છે.
સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ-કર્મચારીઓ-પેન્શનરોને ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરિયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચૂકવાશે. આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ-૪૬૪ કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.