ભરૂચ: ભાતીગળ ભરૂચ (Bharuch) નગરનો ભવ્ય ઈતિહાસ અનોખો છે. ઈતિહાસ પર ગોઠવાયેલી વસ્તુઓ પર માવજતના વાંકે લુપ્ત થવાના અણસાર દેખાઈ રહ્યા છે. ઈ.સ.૧૮૫૭ના બળવા પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટી કાર્યકાળમાં ફેરફાર થતાં તા.૨ નવેમ્બર-૧૮૫૮ના રોજ મહારાણી વિક્ટોરિયાએ (Queen Victoria) હિન્દુસ્તાનનો વહીવટ પોતાના હાથમાં લીધો અને પ્રજાજીવન સ્થિર થયું. વિક્ટોરિયા ‘ક્વીન’ મટીને ‘એમ્પ્રેસ’ બન્યાં. ઈ.સ.૧૯૦૧માં રાણી વિક્ટોરિયાનું અવસાન થતાં પ્રજાના હિમાયતી તરીકે શુભ લાગણીના કારણે એમની યાદગીરી માટે ભરૂચની આમ જનતાએ રૂ.૬૦૩૩નું ઉઘરાણું કર્યું. એ રકમમાં ભરૂચ સુધરાઈએ પોતાના તરફ્થની રૂ.૪૮૩૩ની રકમ ઉમેરી કુલ રૂ.૧૦,૮૦૬ના ખર્ચે મે-૧૯૦૮માં એક ટાવર (Tower) બંધાવ્યો. તેનું નામ ‘વિક્ટોરિયા મેમોરિયલ ટાવર’ (Victoria memorial Tower) અપાયું હતું.
- મહારાણી વિક્ટોરિયાની યાદમાં પ્રજાએ બનાવેલો વિક્ટોરિયા મેમોરિયલ ટાવર નગરજનો માટે સમય અને આફત માટે સંદેશો પહોંચાડવાનું કેન્દ્ર હતું
ટાવરનું ઉદઘાટન એ સમયના નગર પ્રમુખ રાવબહાદુર ચુનીલાલ વેણીલાલના હસ્તે કરવામાં આવ્યું હતું. ટાવરનું નિર્માણ કાર્ય થયાને છ મહિના પછી સૌથી ઉપરના માળ ઉપર બીજો એક માળ ઊભો કરવાનું કાર્ય શરૂ થયું. એ નિર્માણ પાછળ રૂ.૪૧૦૦નો ખર્ચ થયો હતો. આ ખર્ચની રકમમાં રૂ.૨૧૦૦ શ્રી ખરોદજી એદલજી લાકડાવાલા તરફથી તેમજ રૂ.૨૦૦૦ નગરપાલિકાએ આપ્યા હતા. ઉપરના મજલાના નિર્માણ સમયે ઓટો રોથફિલ્ડ કલેક્ટર હતા. ટેક્નિકલ ઈજનેર તરીકે એન.એન.આયંગરે સેવા આપી હતી. આ સમયે નગરપ્રમુખ તરીકે શાહ સોહરાબજી હોરમસજી હતા.
આ ટાવરની ઘડિયાળ ભવ્ય હતી. અને ખાસિયત એ હતી કે ટાવરની ચારે તરફ લાગેલી ઘડિયાળોના સંચાલન વચ્ચે લગાવેલા એક જ મશીન દ્વારા થતું હતું. ઘડિયાળ સાથે બે વિશાળ ઘંટ લગાડવામાં આવ્યા હતા. બે માણસ બાથ ભરીને ઊભા રહે ત્યારે કાંસામાંથી બનાવેલા વિશાળકાય ઘંટથી દર પંદર મિનીટે એક ટકોરો, ૩૦ મિનીટે બે ટકોરો અને ૪૫ મિનીટે ત્રણ ટકોરા વાગતા હતા. જ્યારે પૂરા કલાકે જે સમય થયો એટલા જ ટકોરા વાગતા. આ ટાવરની ટોચ પર ઈમરજન્સી લાલ લાઈટ અને સાયરન લગાડવામાં આવ્યું હતું. જે નિયમિત રીતે સવારે સાડા દસ વાગ્યે નગરજનોને સમયનો અણસાર આપતું હતું. આ ઉપરાંત નદીમાં પૂર કે અન્ય આફત સમયે નદીમાં એક ફૂટ પાણી વધવા સાથે સાયરન વાગતું હતું. પણ પાલિકાના સત્તાધીશો અને પ્રજાના પ્રતિનિધિની ઉદાસીનતાના પગલે હવે આ ટાવર માત્ર પાલિકાના લોગોની સ્મૃતિ બની ગયો હોય એવો અહેસાસ થાય છે. આવનારી પેઢી માટે હવે આ ટાવરમાં માત્ર પાલિકોનો લોગો જોવા મળશે.