Dakshin Gujarat

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનું જાત મહેનતથી સમૃદ્ધિના શિખરે પહોંચેલું આ ગામ

ભરૂચ જિલ્લાના (Bharuch District) પૂર્વ ભાગમાં આવેલા ઝઘડિયા તાલુકાનું જાત મહેનતથી સમૃદ્ધિના શિખરે પહોંચેલું નર્મદા કાંઠેનું ગામ (Village) એટલે અશા. આ ગામ એટલા માટે ગુજરાતમાં આદર્શ કહેવાય કે આ ગામમાં લગભગ એક દાયકાથી દારૂના (Alcohol) પીઠાઓ સહિત મટન અને જુગારને જનમાનસે સ્વયંભૂ પ્રતિબંધિત કર્યો છે. અશા ગામે અંદાજે ૧૬૯૬ની જેટલી વસતીમાં આદિવાસી, રાજપૂત, હરિજન, માછી, દરજી, પંચાલ, મુસ્લિમ સમાજ સહિતના લોકો એકરાગીતાથી રહે છે. આ ગામમાં ૯૦ ટકા વિધવા સહાય યોજનાનો લાભ મળે છે. અશા ગામ આધ્યાત્મિક પ્રવૃત્તિનું ગામ હોવાથી વિધવા બહેનોને અન્નદાન સાથે સાડી, છત્રી સહિતની વસ્તુઓ નીર્લોભી આશ્રમ દ્વારા અપાય છે. અશા ગામ માટે સવિશેષતા એ છે કે અશાના રાજપૂત સમાજના એક વ્યક્તિ ISROમાં ૩૭ વર્ષ વૈજ્ઞાનિક રહીને વર્ષ-૨૦૧૧માં રીટાયર્ડ થયા છે.

અશા ગામ આધ્યાત્મિક રીતે જોડાયેલું હોવાથી ધાર્મિક સ્થાનો પણ આવેલાં છે. આજે પણ માનવીઓ પણ એકાંત અને આધ્યાત્મ સાથે સંકળાયેલા અશા ગામની દિવ્ય ભૂમિનો સહવાસ કરવા અવશ્ય આવે છે. આ ગામે લગભગ ૩૦થી ૩૫ વર્ષથી નર્મદા કાંઠે બે જિલ્લાને જોડતા અશા-માલસર બ્રિજની માંગણી કરાઈ હતી. જે બ્રિજ હાલમાં બની જતાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ તેનું નિરીક્ષણ કર્યું હતું. આ બ્રિજથી આ વિસ્તારના લોકોને ઇંધણ, સમય અને ૧૭ કિલોમીટર બચી જશે. જે ટૂંક સમયમાં લોકાર્પણ થશે. મુસ્લિમ પરિવારની મહિલા આયેશાબેન બચુભાઈ દિવાન અશામાં આધ્યાત્મિક ક્ષેત્રે કથામાં રોજબરોજ આવતા હોવાથી તેમની કોમી એખલાસ ભાવનાને લઈ કથાકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

નર્મદા કાંઠે ૪૨ વર્ષથી રામધૂન ચલાવતો સદગુરુ ધામ નીર્લોભી આશ્રમ
પાવન સલીલા નર્મદા નદીને તટે આવેલા અશા એ આધ્યાત્મિક ભૂમિ ખોળે આળોટતું ગામ છે. ખળખળ વહેતી નર્મદા નદીના કિનારે અશા ગામમાં આવેલા ‘સદગુરુ ધામ નીર્લોભી આશ્રમ-રેવાખંડ ટ્રસ્ટ’માં છેલ્લાં ૪૨ વર્ષથી પૂ.દગડુ મહારાજે શરૂ કરેલી ‘રામધૂન’ દિવસ-રાત અખંડ ચાલે છે. આજે પણ અશા ગામે આવો તો આ દિવ્ય ભૂમિના આશ્રમમાં સૌને આધ્યાત્મિક ઊર્જા મળે છે.

અશા ગામે નર્મદા કિનારે આવેલા આ આશ્રમનો ભવ્ય ભૂતકાળ વાગોળવા જેવો છે. આ જગ્યાએ વડોદરાના પ્રતિષ્ઠિત દાળિયા પટેલ (લેઉવા પટેલ) પૂ.લક્ષ્મીદાસ મહારાજે આવીને વર્ષોથી ભગવાનશ્રી રણછોડરાયની ઉપાસના કરી હતી. લક્ષ્મીદાસ મહારાજે હૃદયસ્પર્શી અને આધ્યાત્મિક રસથી ભરપૂર ભજનોની રચના કરી હતી. આજે પણ તેમણે બનાવેલાં ભજનો ગાઓ તો માનવીય શરીર પ્રફુલ્લિત થઇ જાય. નીર્લોભી સંતશ્રી લક્ષ્મીદાસ મહારાજ ૧૯૭૪માં નિર્વાણ થયા હતા. તેમના જવાથી આશ્રમ લાંબો સમય સંતવિહોણો રહ્યો હતો. જો કે, આ પાવનભૂમિ ક્યારેક આગંતુક સંતને પોકારતી હોય એવો અહેસાસ થતો હતો. આ દિવ્ય અને મનને ઉજાગર કરતી ભૂમિ પર ચૈતન્ય સ્વામી પૂ.દગડુ મહારાજનું આ આશ્રમ પર આગમન થયું. ૧૯૮૧માં વસંતપંચમીના દિને દગડુ મહારાજે આશ્રમમાં રામમંદિરમાં ‘રામધૂન’ શરૂ કરાવી હતી. ૧૯૮૧થી શરૂ થયેલી રામધૂન આજ સુધી રાત-દિવસ નિરંતર ચાલુ રહેતાં આજે ૪૨ વર્ષથી અખંડ રામધૂન ગાઈને ભક્તો તૃપ્ત થઇ ગયા છે. જ્યારે આ રામધૂનની શરૂઆત કરી એ વખતે સરપંચ રહેલા કિરીટસિંહ દેસાઈ અને હાલમાં એમના પુત્ર સરદારસિંહ કે.દેસાઈ આ આશ્રમનું સંચાલન સુપેરે ચલાવે છે.

આશ્રમની વિશેષતા એ છે કે, કોઇપણ દીનદુખિયા આવે તો આ આશ્રમ અવશ્ય વિસામો આપે છે. આશ્રમનું સંચાલન કરતા અનુભવી અગ્રણી સરદારસિંહ દેસાઈના મોઢેથી અડીખમ સેવાકીય કામમાં જોતરાયેલા રહીને કહે છે. આ આશ્રમ સાથે ૪૦થી ૪૫ વર્ષનો અતૂટ નાતો છે. આશ્રમમાં ભજન અને ભોજનની નિરંતર પરંપરા ચાલી રહી છે. નર્મદા કાંઠે આવેલા આ આશ્રમમાં આંખના કેમ્પો, પશુ સર્જિકલ કેમ્પો, વિકલાંગના કેમ્પો, સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તેમજ અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને પુસ્તક અને કપડાં વિતરણ દર વર્ષે કરાય છે. સાથે વિશેષતા એ છે કે, નર્મદા કાંઠે આશ્રમ હોવાથી પરિક્રમાવાસીઓને નિષ્કામ સેવા કરવાનું ભાગ્યમાં લખેલું હોય છે. આ આશ્રમમાં પરિક્રમાવાસીઓને રહેવા અને જમવાની તદ્દન મફતમાં સગવડ પૂરી પડાય છે. આ સાથે આશ્રમમાં કોઈપણ નિરાધાર કે દીનદુખિયા આવે તો સેવાકીય કામ કરે છે. લગભગ ૨૪ વર્ષથી આ આશ્રમ અને ચંચળબા ટ્રસ્ટના સહયોગથી અંતિમસેવા ચલાવાય છે. તેમાં બિન વારસીઓ અને તદ્દન ગરીબ લોકોને મફત લાકડાં અને કફન આપવામાં આવે છે. આશ્રમમાં નાના-મોટા સંઘો આવે તો એને વિસામો આપીને ભજન અને ભોજન કરાવીને પુણ્યતાનું કામ કરાય છે.

અશા ગામે સૌથી પ્રાચીન કપાલેશ્વર શિવ મંદિર પણ આવેલું છે. ભગવાનનું લિંગ સ્વયંભૂ પ્રગટ થતાં શ્રદ્ધાળુનો ભાવ ઉદભવતો હોય છે. નર્મદા પુરાણમાં આ સ્થાને સપ્તર્ષિઓએ તપ કર્યાનું એવું વર્ણન છે. ઋષિની તપશ્ચર્યા વખતે રાક્ષસોએ વિઘ્નો નાંખ્યા હોવાથી સપ્તર્ષિઓએ તપ કરી ભગવાન મહાદેવજીને પ્રગટ કરેલા એવાં સૂચન આપ્યાં છે. અહીં કપિલમુનિએ તપ કર્યું હોવાથી કપિલેશ્વર નામ પડ્યું. જેનો અપભ્રંસ થઇ કપાલેશ્વર લોકમાનસમાં નામ ચઢી ગયું છે. કપાલેશ્વર મહાદેવમાં શ્રદ્ધા, ભક્તિ રાખનારની મનોકામના પૂર્ણ થયાના ઘણા દાખલા છે. ખાસ કરીને વિશેષતા એ છે કે, કપાલેશ્વર મહાદેવની કૃપાથી સંતાન પ્રાપ્તિ થાય છે.

ગામમાં તળાવ, બગીચો, CCTV અને મુખ્ય માર્ગ ડબલ કરવાની ઈચ્છા: સરપંચ નીતિન વસાવા
અશા ગામ નર્મદા કાંઠે આવેલો હોવાથી એકાંતની અનુભૂતિ થતી હોય છે. ગામડું રૂડું અને રળિયામણું બનાવવા માટે ગામના ખમતીધર અગ્રણી તમામ પ્રયાસ કરી રહ્યા છે. જો કે, તમામ પ્રકારની આ ગામને વિકાસ માટે અંદાજે ૧૦ લાખની ગ્રાન્ટ આપતા હોય છે, જેમાં રસ્તા, બ્લોક જેવાં કામો થઇ ગયાં છે. RO પ્લાન્ટ હાલમાં નાંખવામાં આવશે. અશા ગામના ૨૫ વર્ષીય યુવાન સરપંચ નીતિનભાઈ વસાવા કહે છે કે, અશા ગામ એ આધ્યાત્મિક ભૂમિ છે. આ ગામમાં તળાવ, બગીચો, સીસીટીવી, લાઉડસ્પીકર અને મુખ્ય માર્ગ પણ ડબલ બનાવવા માંગીએ છીએ.

પ્રગતિશીલ ખેડૂત રણજીતસિંહ દેસાઈ પોતાના ગામ માટે નવતર અભિગમ માટે આતુર
નર્મદા નદીના કાંઠે અશા ગામના ખેડૂતો ભારે પરિશ્રમી અને ખમતીધર કહેવાય છે. અશા ગામે પરિશ્રમી અને પ્રયોગશીલ ખેડૂત તરીકે ૪૮ વર્ષના રણજીતસિંહ નરપતસિંહ દેસાઈ પોતે મહેનત કરવામાં માને છે. પોતાના ગામમાં જ 25 એકર ફળદ્રુપ જમીનમાં શેરડી, કેળ, કપાસ, તરબૂચનો પાક બનાવે છે. જો કે, જમીનમાં ફર્ટિલિટી અને વાતાવરણ પણ એવું હોય કે પાકનો દાણો નાંખો તો ઝૂંડનું ઝૂંડ ઉત્પાદન આવે. તેઓ ખેતીમાં અવનવા પ્રયોગો સમયાંતરે કરતા રહે છે. બપોરે ૧૨ વાગ્યાના ટકોરે પણ રણજીતસિંહ ખેતરમાં હોય. માંડ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ બાદ રણજીતસિંહ દેસાઈને બાળપણથી જ ખેતીની લત હતી. સાથે જ બાપ-દાદાઓની જેમ આધ્યાત્મિકતા તેમના લોહીમાં હોય એમ ધર્મ સાથે જ નિરંતર જોડાયેલા રહ્યા.

રણજીતસિંહ આમ પણ સંતોષી જીવ. સાથે જ રાજશ્રી મુનિનો વિજય દર્શન યોગ આશ્રમ દ્વારા યોગ અને પ્રાણાયામની શિબિરો લગભગ એક દાયકાથી થાય છે, જેમાં સંયોગ ટ્રસ્ટમાં રણજિતસિંહ ભાગ લેતા હોય છે. ત્યારે વર્ષમાં બે વખત થતી શિબિરોમાં ૭થી લઈને ૧૪ વર્ષની ઉંમરનાં બાળકોને ૩ દિવસમાં રહેવા-જમવાની ફ્રીમાં સુવિધા આપે છે. રણજીતસિંહ નર્મદા કિનારે તેમના ફાર્મ પાસેથી પરિક્રમાવાસીઓ પસાર થાય તો ચા-નાસ્તો, કપડાં, વાસણ કે અન્ય જે કોઈ વસ્તુ જોઈએ એ પોકેટ મનીમાંથી ખર્ચ કરીને આપતા હોય છે. થોડા સમય પહેલાં એક પરિક્રમાવાસીને ચક્કર આવતાં તેને મેડિકલ સારવાર બાદ માદરે વતન અડધે રસ્તે સુધી મૂકી આવવાનું તેમણે પુણ્યનું કામ કર્યુ હતું.

  • અશા ગ્રામ પંચાયતની ટીમ   
  • સરપંચ-નીતિનભાઈ દામાભાઈ વસાવા
  • ડેપ્યુટી સરપંચ-તૃપ્તિબેન ધર્મેન્દ્રસિંહ દેસાઈ
  • સભ્ય-આશાબેન શૈલેષભાઈ વસાવા
  • -હરેશભાઈ કનુભાઈ પંચાલ
  • -રંજનબેન મહેન્દ્રસિંહ દેસાઈ
  • -લક્ષ્મીબેન રાજનભાઈ વસાવા
  • -કનુભાઈ છગનભાઈ રાણા
  • -કુસુમબેન ભુલાભાઈ વસાવા
  • -રાકેશભાઈ રમેશભાઈ વસાવા
  • તલાટી કમ મંત્રી-રીપિકાબેન ઉમરાભાઈ વસાવા
  • ગામની ભૌગોલિક સ્થિતિ
  • વસતી-૧૬૯૬
  • કુલ ખાતેદાર-૮૩૨
  • ગામનું ક્ષેત્રફળ-૧૧૫૩.૯૬ હેક્ટર,

સ્વ.નરપતસિંહ દેસાઈએ રામ-રોટી મહિમા માટે પોતાની જમીન આપી દીધી
નર્મદા નદી માટે જાણીતા લેખક કહે છે કે ‘નર્મદા એ સાંસ્કૃતિક સંવાદદાતા છે. નર્મદા જીવનચેતના, આધ્યાત્મચેતના અને સૌંદર્યચેતનાનું ત્રિવેણી સંગમ છે. અશા ગામે સ્વ.નરપતસિંહ મોતીસિંહ દેસાઈને તેમની હયાતીમાં નર્મદા કાંઠે આવેલા ખેતરમાં ત્રણ દાયકા પહેલાં જ વિચાર આવ્યો કે, આ ભૂમિ પર જરૂરિયાતમંદ લોકોને “રામ-રોટી” મળવી જોઈએ. આ પુણ્યના કામમાં આર્થિક પાસું થોડું નબળું હોવાથી કંઈક કરવાની તમન્ના હતી. ૧૯૯૬-૯૭ના વર્ષમાં નરપતસિંહ દેસાઈ સાથે નિષ્કામ આધ્યાત્મિક કામ માટે સમૃદ્ધ અને ડાયમંડ સિટી-સુરતના સેવાભાવી સાથે ભેટો થઇ ગયો. એ વખતે નરપતસિંહ દેસાઈ રામ-રોટી માટે નર્મદા કાંઠે આવેલી ૩ એકર જમીન (૧૦૦ આંબા ધરાવતા) ખેતરને સેવાના ભાવે મફત આપી દીધી. અહીં સીતારામ આશ્રમ બનાવીને રોજેરોજ પરિક્રમાવાસીઓને રહેવાનું જમાડવાનું તમામ મફત સુવિધાઓ છેલ્લાં ૨૬ વર્ષથી અપાય છે. આજે સીતારામ આશ્રમમાં ૮૦ વર્ષના પ્રજ્ઞાચક્ષુ સંત સીતારામબાપુનું સાંનિધ્ય રહે છે. સાથે દર પૂનમ અને અમાસે અંદાજે ૨૦૦ જેટલાં માસૂમ બાળકોને કન્યા ભોજન અને બટુક ભોજન અપાય છે. સુરતના તેજાણી પરિવાર સાથે સ્થાનિક નરેન્દ્રસિંહ નરપતસિંહ દેસાઈ તેનું સુપેરે સંચાલન કરે છે. આ આશ્રમમાં લાંબા સમયથી ધારીખેડા સુગરના સેલ્સ ઓફિસર ધર્મેન્દ્રસિંહ ઘરિયા પરિક્રમાવાસીઓને દર વર્ષે કમ્બલ, વસ્ત્રદાન, અન્નદાન, ચપ્પલ અને કમંડલ આપતા હતા. ધારો કે, ઘાટીમાં ક્યારેક તેઓનાં વસ્ત્રો કાઢી લેતા હોય અને ખાસ કરીને મોટા ભાગે પરિક્રમાવાસીઓને ગ્લાસમાં પાણી પીતા નથી હોતા અને જ્યાં ધારો કે રૂમમાં રહે તો તેનું બારણું બંધ કરતા નથી. જે માટે આવા પરિક્રમાવાસીઓને સહાયભૂત થતા હોય છે.

ખાસ કરીને અશા ગામે વડિયા તળાવ પાસે ત્રણ દાયકા પહેલાં ડેરી હતી, એ વખતે સ્થાનિકો દર દસમે ડુંગરમાંથી આદિવાસી શ્રદ્ધાળુઓને જમાડતા હતા. ત્યારબાદ સુરતના ગીતાબા ગોવિંદભાઈ ખેની અને ગોવિંદભાઈ પરસોત્તમભાઈ ખેની ઘણાં વર્ષોથી ભેટો થતાં આજે ગૌપ ચૌહાણ મહારાજની પાવનભૂમિમાં સ્થાનિક નરેન્દ્રસિંહ નરપતસિંહ દેસાઈ દર દસમે મોટા પ્રમાણમાં આવતા શ્રદ્ધાળુઓને જમાડતા રહ્યા છે. ખાસ કરીને ખેની પરિવાર દર દસમે સુરતથી સીધુ સામાન લઈને આવીને ભૂખ્યાને અન્ન જમાડવાનું પુણ્યનું કામ કરે છે.

વાલિયા તાલુકા પંચાયતમાં TDO તરીકે ફરજ બજાવનારા મહાન સંત બન્યા
ભૃગુઋષિના પટ્ટમાં આધ્યાત્મિક દૃષ્ટિએ સાધુ-સંતોની દિવ્ય આત્માઓનો અતૂટ નાતો રહ્યો છે. નર્મદા નદીના કાંઠે એકાંતની અનુભૂતિ સાથે આજે પણ કેટલાક ખડતલ અને સહાનુભૂતિવાળા વિસ્તારમાં દીક્ષા લેતા પહેલાં તેમની પાવનરજ એ જગ્યાએ પડી હતી. અશા ગામના પાડોશી વાલિયા તાલુકા પંચાયતમાં લગભગ છએક દાયકા પહેલાં તાલુકા વિકાસ અધિકારી તરીકે યશવંતસિંહ દેવીસિંહ જાડેજા (જે આજના “રાજર્ષિ મુનિ”)એ ફરજ નિભાવી હતી. મૂળ તો ૧૯૫૪થી ૧૯૬૨માં તેઓ રાજ્ય સરકારના અધિકારી રહ્યા હતા. એ વેળા વાલિયા તાલુકાના લોકોને ખબર ક્યાં હતી કે વાલિયા તાલુકા પંચાયતમાં TDO તરીકે ફરજ બજાવનારા ભવિષ્યમાં મહાન સંત બનશે. વાલિયાના તત્કાલીન TDO યશવંતસિંહ જાડેજાએ સ્વામી કૃપાલ્વાનંદજીના શરણે આધ્યાત્મિક રીતે જોડાયા બાદ તેમની પાસેથી દીક્ષા લઈને તેમણે “રાજર્ષિ મુનિ” નામ ધારણ કર્યુ. રાજર્ષિ મુનિએ યોગ યુનિવર્સિટી પણ તેમની તપશ્ચર્યાથી બનાવી હતી. ૨૦૧૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને (આજના વડાપ્રધાન) લકુલીશ યોગ યુનિવર્સિટી અમદાવાદમાં આવીને કહ્યું હતું કે, આ વિશ્વ વિદ્યાપીઠ એ અષ્ટાંગયોગ, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનું શિક્ષણ એ મહત્ત્વનું કાર્ય કરે છે. ભારત સરકારે ૨૦૧૯માં “પ્રધાનમંત્રી યોગ્રાત્ન પુરસ્કાર” રાજર્ષિ મુનિને નવાજ્યા છે.

એક પરિવારની ત્રણ પેઢીને જાહેરજીવન સાથે અતૂટ નાતો
ગામમાં કોઈપણ મોભી હોય ત્યારે દુઃખ હરનારા અવશ્ય બની શકે એ સ્વાભાવિક છે. અશા ગામે લગભગ એક દેસાઈ પરિવારની ત્રીજી પેઢી ગામ માટે મોભી બનીને ઊભરી આવી છે. પહેલા કિરીટસિંહ દેસાઈ ગામમાં સરપંચ પદે રહ્યા હતા. બાદ વિનમ્ર સ્વભાવના તેમના પુત્ર સરદારસિંહ કે.દેસાઈ (દત્તુભાઈ હુલામણા નામે પ્રચલિત) હાલમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેન્કના ડિરેક્ટર પદે છે. તેઓ અશા ગામે ૧૦ વર્ષ સરપંચ પદે રહ્યા હતા. સાથે ભરૂચની દૂધધારા ડેરીમાં પૂર્વ ચેરમેન પદે રહી ચૂક્યા હતા. આજે તેઓ આધ્યાત્મિક ઊર્જા મેળવવા માટે ગામના નર્મદા કાંઠે ‘સદગુરુ ધામ નીર્લોભી આશ્રમ’ તેમજ ‘ગિરનારી આશ્રમ’નું સંચાલન કરે છે. ૭૧ વર્ષીય કર્મઠ આગેવાન સરદારસિંહ દેસાઈ કહે છે કે, અમારું ગામ એ આધ્યાત્મિક રીતે સંકળાયેલું છે. ગામમાં આધ્યાત્મિક રીતે દિવ્ય અનુભૂતિ મળે એ માટે અમે કામ કરવાના પ્રયાસ કરીએ છીએ. આજે સરદારસિંહ દેસાઈનો પુત્ર ધર્મેન્દ્રસિંહ દેસાઈ ગામમાં યુવા અગ્રણી તરીકે કામ કરે છે. આજે પણ અશા કે કોઈપણ જરૂરિયાતમંદનું કામ કરવા માટે તેઓ તત્પર રહે છે.

પાવન નર્મદાના કાંઠે વિજય દર્શન યોગાશ્રમ પર વિદેશીઓ યોગા શીખવા આવે છે
નર્મદા નદીના કાંઠે બાજુમાં વસતા લોકો તપની ભૂમિ ગણાય. વર્ષ-૨૦૦૮માં અમદાવાદના વિજયસિંહ જોરૂભા ચુડાસમા તેમજ દર્શનભાઈ ભીખુભાઈ ગોરસિયાએ અશા ગામે રાખેલી જમીન પુણ્ય કામમાં વપરાવી જોઈએ એ માટે લાઈફ મિશન માટે લકુલીશજીની પ્રેરણાથી યોગ અને પ્રાણાયામમાં ૧૦ એકર જમીન આપવાનો નિર્ણય કર્યો. ૧૫ વર્ષ પહેલાં રાજર્ષિ મુનિના હસ્તે ખાતમુહૂર્ત કરાવીને માત્ર એક વર્ષમાં ૩૮ અદ્યતન રૂમો બનાવીને વિજય દર્શન યોગાશ્રમ નામ આપીને સંસ્થાને તા.૧૧ ફેબ્રુઆરી-૨૦૦૯ના રોજ તેઓના ચરણોમાં ભેટરૂપે ધરી હતી. આ યોગાશ્રમમાં યોગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ, ધાર્મિક ભજન તેમજ ધાર્મિક તહેવારોના પ્રસંગ પણ ઉજવાય છે. આ યોગાશ્રમમાં સન્યાસી સંત અદ્વૈતાનંદજી જવાબદારી નિભાવે છે. વર્ષ દરમિયાન બે વખત ૩ દિવસ માટે શિબિરનું આયોજન થાય છે. જે પણ શિબિરાર્થી આવે એને વિનામૂલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા કરે છે. સંત અદ્વૈતાનંદજી કહે છે કે, આ યોગાશ્રમમાં યોગ સાધનાથી માનવીય વિકાસ કઈ રીતે થાય એ માટે કામ કરીએ છીએ. યોગ સાથે શાળામાં નોટબુક વિતરણ કરીએ છીએ. સાથે આ યોગાશ્રમમાં ગૌ-શાળા આવેલી હોવાથી ૨૦ જેટલી ગીર ગાયોનું સંવર્ધન થતું હોય છે. અશા યોગાશ્રમમાં માત્ર ગુજરાતના નહીં પરંતુ અમેરિકા, ઇટલી, કેનેડિયન, ચાઈનાથી પણ લોકો યોગા શીખવા માટે આવે છે.

ઇન્દ્રસિંહ માટીએડા અશામાં ભણ્યા ને ૩૭ વર્ષ સુધી ISROમાં સાયન્ટિસ્ટ રહ્યા
અશા ગામના વતની અને અમદાવાદ રહેતા ૭૨ વર્ષીય ઇન્દ્રસિંહ છત્રસિંહ માટીએડાએ ઈસરો(ISRO)ના પૂર્વ સાયન્ટિસ્ટ તરીકે ૩૭ વર્ષ કામ કર્યું છે. સુખ-સાહ્યબીથી જિંદગી વ્યતીત કરનારા ઇન્દ્રસિંહ માટીએડાને આજે પણ માદરે વતનમાં બાળપણમાં લાગેલી ધૂળ યાદ આવે છે. તેમના પિતાજી છત્રસિંહ માટીએડા મૂળ તલાટી તરીકે અશા સહિત નર્મદા કાંઠેના ગામોમાં નોકરી કરી ભાલોદ ગામેથી સર્કલ ઇન્સ્પેક્ટર તરીકે રીટાયર્ડ થયા હતા. ધો-૧થી ૭ સુધી ઇન્દ્રસિંહ માટીએડાએ અશા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેઓ અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હોવાથી ધો-૮થી ૧૧ તેમના મોસાળ કરજણ ખાતે પરિવારે અભ્યાસાર્થે મૂક્યા હતા. બરોડાની M.S. યુનિવર્સિટીમાં BSC, MSC મેથેમેટિક્સનો અભ્યાસ કર્યો હતો. ૧૯૭૪માં સ્પેસ એપ્લિકેશન સેન્ટર (ISRO) અમદાવાદમાં સાયન્ટિસ્ટ તરીકે સંકળાયા હતા. ૩૭ વર્ષના સમયમાં સોફ્ટવેર એન્જિનિયરિંગમાં કલ્પના ડિઝાઇન, વિકાસ અને અમલીકરણ માટે એક ટીમનું ઇન્દ્રસિંહ માટીએડાએ નેતૃત્વ કર્યું. ખાસ કરીને ભારતની પ્રથમ સ્વદેશી ઈમેજ પ્રોસેસિંગ અને વિશ્લેષણ પ્રણાલી ISROVISION બહાર લાવવા અને વપરાશકર્તાઓ માટે વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ કરવામાં આવી. તેઓ સુપર કોમ્પ્યુટર માટે જોડાયેલા હતા. ભારતીય રિમોટ સેન્સિંગ સેટેલાઈટ ડેટા પ્રોડક્ટ્સને કાર્યક્ષમ બનાવવા માટે શેડ્યુલર સાથે ડેટા પ્રોડક્ટ જનરેશન સોફ્ટવેર પ્રોજેક્ટમાં સુપેરે કામ કર્યું. ભૌગોલિક પૃથ્થકરણ માટે વિવિધ ઇન-હાઉસ પ્રોજેક્ટ માટે સ્વદેશી ભૌગોલિક માહિતી સિસ્ટમમાં સોફ્ટવેર સહિત વપરાશકર્તાઓને ટેક્નોલોજી ટ્રાન્સફર કરવામાં આવી. સિસ્ટમમાં હાર્ડવેર, સોફ્ટવેર અને નેટવર્કિંગના સંદર્ભમાં રૂપરેખાંકન અને કમિશનિંગને વ્યાખ્યાયિત કરવા માટે ટીમમાં આગેવાની અને સમિતિમાં ભૂમિકા ભજવી હતી. સાથે નેચરલ રિસોર્સિસ ઇન્ફર્મેશન સિસ્ટમ (NRIS), રાષ્ટ્રીય સંસાધન ડેટા બેઝ (NRDB), નેશનલ નેચરલ રિસોર્સિસ મેનેજમેન્ટ સિસ્ટમ (NNRMS)પોર્ટલ અને હવામાનશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્રીય સેટેલાઇટ ડેટા આર્કાઇવલ સેન્ટર (MOSDAC)– પોર્ટલ પ્રોજેક્ટમાં ભાગ બન્યા હતા.

વિવિધ SAC-ISRO મુખ્ય પ્રોજેક્ટ પ્રવૃત્તિઓના વહીવટ માટે ફોકલ પર્સન, આમાં આવશ્યકતાઓનું મૂલ્યાંકન, ડેટાબેઝની ડિઝાઇન, કોમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રૂપરેખાંકન, વિવિધ રાજ્યોનાં સ્થાનો પર પ્રાપ્તિ અને કમિશનિંગનો સમાવેશ થાય છે. ઇન્દ્રસિંહ માટીએડા IMDPS પ્રોજેક્ટ હેઠળ, DIPAC (નવી દિલ્હી), ORSAC (ભુવનેશ્વર, ઓરિસા) અને HARSAC (હિસાર) ખાતે રિમોટ સેન્સિંગ ડેટા પ્રોસેસિંગ અને વિશ્લેષણ સિસ્ટમ્સની સ્થાપના કરી હતી. ત્યારબાદ ઓક્ટોબર-૨૦૧૧માં ઇન્દ્રસિંહ રીટાયર્ડ થયા બાદ તેમના વૈજ્ઞાનિક ક્ષેત્ર બાદ અનેક જવાબદારી નિરંતર લેવા માટે વિવિધ સંસ્થામાં જોડાયેલા રહ્યા હતા. ઇન્ડિયન સોસાયટી જિયોમેટિક્સ (ISG)ના સ્થાપક સભ્ય અને ત્યારથી હમણાં સુધી સક્રિય રહ્યા છે. તા.૨૩મી ફેબ્રુઆરી-૨૦૧૨ના રોજ ભાગલપુર યુનિવર્સિટી ખાતે ISG કોન્ફરન્સમાં તેમને ISG માટે તેમની સેવાઓ માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ISRS, INCA, IMS, જેવી વિવિધ વૈજ્ઞાનિક મંડળીઓના પણ સભ્ય છે. જીઓસ્પેશિયલ ટેક્નોલોજી પ્રવૃત્તિઓ માટે નિરમા, ચારુસત, ISatr અને MS યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા રહ્યા છે.

ખાસ કરીને માર્ચ-૨૦૧૬ સુધી ગાંધી આશ્રમ ખાતે IT-એક્સપર્ટ તરીકે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના પ્રોજેક્ટ ‘ગાંધી હેરિટેજ પોર્ટલના વિકાસ’માં નોંધપાત્ર યોગદાન આપ્યું. ગાંધી આશ્રમમાં પ્રોજેક્ટ માટે ટેક્નિકલ સલાહકાર/IT નિષ્ણાત તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટિવિટી ઓટોમેશન માટે IGIS આધારિત સોલ્યુશન્સ ડિઝાઇન અને ડેવલપમેન્ટ માટે SGL ખાતે ટેક્નિકલ સલાહકાર તરીકે પણ સામેલ હતા અને પ્રવૃત્તિઓ ઓટોમેશન માટે મિઝોરમ જિલ્લા સ્તરના IGIS આધારિત સોલ્યુશન માટે પણ સામેલ હતા. બંને પ્રોજેક્ટ હવે કાર્યરત થઇ ગયા છે. એપ્રિલ-2016થી ‘Alterego Technology Ltd.’ ના ચેરમેન તરીકે સંકળાયેલા રહ્યા છે. પૂર્વ સાયન્ટીસ્ટ ઇન્દ્રસિંહ પોતાના અશા ગામ માટે કહે છે કે, અશા એ પવિત્રધામ છે. તેમાં પણ રાજશ્રી મુનિની સંસ્થા પણ અશા ગામની ભૂમિ પર આવી છે. ગામમાં સૌ એકબીજા સાથે જોડાયેલા રહે છે. હું પણ દર મહીને અશા ગામે જાઉં છું.

 ઝઘડિયા તાલુકામાં ધો-૧૦માં પ્રથમ આવનારા અશાના ધ્રુમિલ બારડને ડોક્ટર બનવાની મહેચ્છા
ખેતીમાં અશાના ખેડૂતો આગળ છે. ત્યારે નવી પેઢી શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહી છે. હાલમાં ધો-૧૦માં આખા ઝઘડિયા તાલુકામાં પ્રથમ આવેલો અશાના વિદ્યાર્થી ૧૫ વર્ષના ધ્રુમિલસિંહ રાજેન્દ્રસિંહ બારડે ૮૭.૮૩ ટકા મેળવી ૯૮.૧૬ PR રેન્ક મેળવ્યો છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ધ્રુમિલસિંહ બારડને ભવિષ્યની ઈચ્છા માટે પૂછવામાં આવ્યું ત્યારે આગળ મારે મેડિકલ લાઈનમાં ડોક્ટર બનવાની તીવ્ર ઈચ્છા છે. ક્રિકેટના શોખીન ધ્રુમિલ બારડને ધોરણ-૧૦માં ૫થી ૬ કલાકનું વાંચન કરતો હોવાથી તેને કોઈ વિષય અઘરો લાગતો ન હતો. 

Most Popular

To Top