ભરૂચ: (Bharuch) 2019માં ટ્રિપલ તલાક (Triple divorce) વિરૂધ્ધ કાયદો ઘડાયા બાદ ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકે પરિણીતાએ વડોદરાના તાંદળજા રહેતા પતિ સામે ટ્રિપલ તલાક અંગેની ફરિયાદ નોંધાવતા ભરૂચમાં ત્રિપલ તલાક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાની પહેલી ઘટના બની છે. રીઝવાન પટેલે 5 ફેબ્રુઆરીએ રાત્રીના અરસામાં સુતરેલ ગામે આવી કહ્યું હતું કે, ‘મારે તારી સાથે રહેવું નથી, હવે હું તને તલાક આપુ છું તેમ કહી તલાક તલાક તલાક કહી જતો રહ્યો હતો. જેથી પરિણિતા સુમૈયાબેનના અને પરિજનોને જાણે પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. ત્યારબાદ પરિણીતાએ વાગરા પોલીસ (Police) મથકે ફરિયાદ નોંધાવી હતી.
વાગરા તાલુકાના સુતરેલ ગામે પિયરમાં રહેતા સુમૈયાબેનના લગ્ન સમાજના રીતી રીવાજ મુજબ 11 વર્ષ પહેલાં વડોદરા રહેતા રીઝવાન નજીર પટેલ (રહે, સી. 41, ગુજરાત ટેક્ટર સોસાયટી, તાંદલજા રોડ) સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ અને સાસુ નાની નાની વાતોમાં ઝગડાઓ કરતા હતા. લગ્નના આશરે 4 વર્ષ બાદ પરિણીતાને ઓપરેશન કરાવતા પતિ ઓપરેશનના ખર્ચામાં પૈસા બગાડું છું. કહી અવાર – નવાર ઝગડા કરતા હતા. આ ઉપરાંત લગ્નના 5 વર્ષ થયા છતા સંતાન નહી હોય આ બાબતે પણ સુમૈયાબેનને હેરાન કરીને પતિ, સાસુ ફરીદાબેન તથા સસરા નજીરભાઇ ‘તારે સંતાન નથી, તું અમારા કાંઇ કામની નથી’ તેવું કહી ઝગડાઓ કરતા હતા.
વર્ષ 2015ના જાન્યુઆરીમાં પિયરમાં સંબધીના લગ્ન હોય જેથી પતિએ તેણીને સુતરેલ મોકલી આપી થોડા દિવસો પછી પરત બોલાવી લેશું તેમ જણાવ્યું હતું. જે બાદ આજસુધી પતિ કે સાસુ – સસરા લેવા માટે પિયર આવ્યા નથી અને ક્યારેય કોઈ સંપર્ક પણ કરેલો નથી. જેથી પરિણીતાના પરિવારે સાસરીમાં ફોન કરીને સુમૈયાબેનને વડોદરા મુકી જઈએ તેવી વાત કરતાં પતિ અને સાસરીવાળાએ ‘અમારે તારી જરૂર નથી હવે તું વડોદરા આવતી નહી.. દરમિયાન રીઝવાન પટેલે 5 ફેબ્રુઆરીએ રાત્રીના અરસામાં સુતરેલ ગામે આવી કહ્યું હતું કે, ‘મારે તારી સાથે રહેવું નથી, હવે હું તને તલાક આપુ છું તેમ કહી તલાક તલાક તલાક કહી જતો રહ્યો હતો. જેથી પરિણિતા સુમૈયાબેનના અને પરિજનોને જાણે પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. બનાવ અંગે પરિણીતાએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.