Dakshin Gujarat

ભરૂચ: વિજળી પડવાથી 3નાં મોત, હાંસોટના દાદી અને પૌત્રને માછીમારી કરવા જતાં વીજળી ભરખી ગઈ

ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં રવિવારે દિવસભર વરસેલા કમોસમી વરસાદે (Rain) કહેર વર્તાવવા સાથે આકાશી વીજળી (Thunderstorm) પડતા 3 માનવી અને એક ગાયના મોત નિપજાવ્યા છે.

  • હાંસોટના દાદી અને પૌત્રને માછીમારી કરવા જતાં વીજળી ભરખી ગઈ, ભરૂચ જિલ્લામાં ૩ પર વીજળી પડતા મોત
  • ભરૂચના કારેલી ગામે ખેતરમાં કામ કરતા આધેડ ઉપર વીજળી ત્રાટકી
  • વાલિયાના ડહેલી ગામે વાડામાં રહેલી ગાય પણ વીજળી પડતા મોતને ભેટી
  • 24 કલાકમાં અંકલેશ્વરમાં 71 મિમી, હાંસોટમાં 60 મિમી, ભરૂચમાં 42 મિમી, વાલિયામાં 43 મિમી, વાગરા 50 મીમી વરસાદ
  • ઝઘડિયા અને નેત્રંગમાં 85 મિમી, જંબુસરમાં 15 અને આમોદમાં 14 મિમી પડેલો વરસાદ

હાંસોટ નવીનગરી અંભેટા રોડ પર રહેતા આદિવાસી ગરીબ પરિવારના 55 વર્ષીય ભૂરીબેન ઠાકોરભાઈ રાઠોડ માછીમારીનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય આલિયાબેટ ખાતે માછીમારી કરવા માટે એમનાં પૌત્ર 14 વર્ષીય આકાશ કુમાર રાઠોડ સાથે ચાલતાં જઈ રહ્યા હતા. અચાનક વીજળી પડતાં બંનેનાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં. અન્ય લોકો માછીમારી કરીને આવી રહેલા હોય તેમણે આ બંનેને મૃત્યુ પામેલી હાલતમાં જોતાં ખાનગી વાહનની મદદથી ઘરે લઈ આવ્યા હતા. બંનેના મૃતદેહને લાવતાં મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી સાથે હૈયા ફાટ રુદનનાં દ્રશ્યો સર્જાયા હતા.

હાંસોટ પોલીસને ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોને મળી બનાવ આલિયાબેટ બન્યો હોઈ જે દહેજ તાલુકામાં હોવા છતાં માનવતાની દ્રષ્ટિએ મૃતકનો પોલીસ રિપોર્ટ તરત બનાવી પોસ્ટમોર્ટમની વિધિ કરાવી પરિવારજનોને મૃતદેહો સોંપ્યા હતા. આકાશી વીજળી ત્રાટકવાની બીજી ઘટનામાં ભરૂચ તાલુકાના કારેલા ગામે ખેતરમાં કામ કરી રહેલા 55 વર્ષીય રમણભાઈ સવજીભાઈ વસાવાનું મોત થયું હતું. જ્યારે વાલિયા તાલુકાના ડહેલી ગામે વાડામાં બાંધેલી ગાય વીજળી પડતા મોતને ભેટી હતી.

ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં અંકલેશ્વરમાં 71 મિમી, હાંસોટમાં 60 મિમી, ભરૂચમાં 42 મિમી, વાલિયામાં 43 મિમી, વાગરા 50 મીમી, ઝઘડિયા અને નેત્રંગમાં 85 મિમી, જંબુસરમાં 15 અને આમોદમાં 14 મિમી વરસેલા વરસાદે જનજીવન ડામાડોળ કરી દીધું હતું.

Most Popular

To Top