ભરૂચ: (Bharuch) ભરૂચમાં બાઇક (Bike) ઉપર હેલ્મેટ (Helmet) પહેરી બોરસદ વાયા જંબુસર થઈ તસ્કરી કરવા આવતા હાલ પેટલાદ અને મૂળ અમરેલીના 26 વર્ષથી માત્ર ઘરફોડ ચોરી (Theft) કરતા તસ્કરને (Thief) ભરૂચ LCBએ લોકઅપ ભેગો કર્યો હતો.
- 26 વર્ષથી 120 કિ.મી.નું અંતર કાપી બાઇક પર આવતો ચોર 12 તોલા સોના સાથે ઝડપાયો
- રાજ્યના જુદા જુદા જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનામાં 30 વખત પકડાઈ ચૂક્યો છે
- ભરૂચમાં બાઇક લઈ પ્રવેશતા પહેલાં જ નંબર પ્લેટ કાઢી, હેલ્મેટ પહેરી લેતો હતો
- ભરૂચ એલસીબીની કાર્યવાહી, રૂ.6.69 લાખનો ચોરીનો મુદ્દામાલ કબજે
પેટલાદના લક્કડપુરા ખાતે હાલ રહેતો મૂળ અમરેલીનો જયેશ મોહન પટેલ વર્ષ-1997 એટલે કે છેલ્લાં 26 વર્ષથી માત્ર ઘરફોડ ચોરીનું જ કામ કરે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 30 વખત ચોરીના ગુનામાં પકડાયો છે. છેલ્લા એકાદ વર્ષ ઉપરાંતના સમયથી આ તસ્કરે ભરૂચ અને અંકલેશ્વરને ચોરી માટે પોતાનો સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા હતા. તસ્કર જયેશ બોરસદથી જંબુસરવાળા રસ્તે 120 કિલોમીટરનું અંતર બાઇક ઉપર કાપી ચોરી કરવા આવતો હતો. ભરૂચ જિલ્લામાં પ્રવેશતા પહેલાં ટી પાનાથી પોતાની બાઇકની નંબર પ્લેટ કાઢી નાંખતો અને હેલ્મેટ પહેરી બંધ ઘરોની રેકી કરતો હતો. પોતાની પાસે સ્કૂલ બેગમાં હેક્સો બ્લેડ, પાનાં-પેચિયાંથી મકાનના પાછળના ભાગથી ગ્રીલ તોડી અંદર પ્રવેશી સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈ ફરાર થઇ જતો હતો. જે પોતાના ઘરે જ દાગીના ઓગાળી વેચતો હતો.
ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં શ્રી હરિ બંગ્લોઝમાં બે બંધ મકાનમાં રૂ.15.46 લાખની ચોરી થતાં ભરૂચ LCB સાથે સી ડિવિઝન સર્વેલન્સની ટીમ આ ચોરીનો ભેદ ઉકેલવા એક્શનમાં આવી હતી. આ વિસ્તારના CCTV, ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારો થકી બાઇક ઉપર હેલ્મેટ અને બેગ ભેરવી ફરતો ચોર પોલીસની નજરમાં કેદ થયો હતો. જે આમોદથી ભરૂચ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતાં પોલીસે તેને વોચ ગોઠવી અન્ય કોઈ ચોરીને અંજામ આપે એ પહેલા જ અટકાયત કરી હતી. અઢી દાયકાથી તસ્કરી કરતા જયેશની બેગ ખોલતાં અંદરથી 12 તોલા સોનાના વિવિધ દાગીના અને 800 ગ્રામથી વધુ ચાંદીનાં આભૂષણો, પાનાં-પેચિયાં મળી કુલ રૂ.6.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.