Dakshin Gujarat

ભરૂચ અગનભઠ્ઠી બન્યું: પારો 46 ડિગ્રી, 5 દિવસ સુધી હિટવેવની અસર રહેશે

ભરૂચ: (Bharuch) ભરૂચમાં સોમવારે અગનભઠ્ઠીની જેમ તાપમાનનો (Temperature) પારો ૪૬ ડિગ્રી પહોંચતાં લોકોને અંગદઝાડતી ગરમીનો અહેસાસ થયો હતો. જો કે, રવિવારે તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર થયો હતો.

  • ભરૂચ અગનભઠ્ઠી બન્યું! પારો ૪૬ ડિગ્રી
  • 5 દિવસ સુધી હીટવેવની અસર રહેશે, તકેદારીના પગલાં લેવા સૂચના

શહેરોમાં લોકો વાતાનુકૂલિત યંત્રો ચલાવી ગરમીથી ભલે રાહત મેળવતા હોય છે. પરંતુ આ વેળા શહેર હોય કે ગ્રામ્ય ગરમીને કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. આ વખતે ગામડાંમાં પતરાં તથા નળિયાવાળાં ઘરોમાં રહેતાં લોકોએ ગરમીથી રાહત મેળવવા માટે છાપરાં પર પાણી છાંટીને ઠંડક મેળવવાની નોબત આવી હતી. ભરૂચ નગરમાં છેલ્લા ત્રણ દિવસથી બપોરના સમયે શહેરમાં સ્વયંભૂ કરફ્યૂ જેવો માહોલ રહ્યો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી હિટવેવની અસર જોવા મળી શકે છે.

બીજી તરફ ગામડાંમાં રહેતા લોકોએ ગરમીથી બચવા નળિયાં તથા પતરાનાં છાપરાં પર પાણીનો છંટકાવ કર્યો હતો. સન સ્ટ્રોકથી બચવા વધુ પડતું પાણી વધારે પીવું જરૂરી છે. જો કે, નિષ્ણાત તબીબો પણ હાલ વધુ પડતી ગરમી પડી રહી હોવાથી સન સ્ટ્રોકથી બચવા વધુ પડતું પાણી પીવું, લીંબુ શરબત તેમજ નારિયેળ પાણીનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ એવી સલાહ આપી રહ્યા છે. સવારે ૧૧થી સાંજે ૪ વાગે સુધી જરૂર વગર ઘરની બહાર ન નીકળવાનું હિતાવહ છે. સફેદ અને પાતળા સૂતરાઉ કપડાં પહેરવા સાથે અને બપોરના સમયે બાઈકનો ઉપયોગ કરવો નહીં આટલી કાળજી રાખવી જરૂરી છે.

ગરમીની અસર: ભરૂચમાં સિટી બસોમાં મુસાફરી કરતાં લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
ભરૂચ: ભરૂચ નગરમાં ત્રણ દિવસથી પડી રહેલી આકરી ગરમીની અસર હવે સિટી બસ સેવામાં મુસાફરોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અગનગોળાની ગરમીના કારણે લોકો ઘરોની બહાર નહીં નીકળતાં હોવાથી ભરબપોરે ૧૨થી સાંજના ૫ વાગ્યા સુધી સિટી બસોમાં મુસાફરી કરતાં લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શહેરમાં દરરોજ ૯ સિટી બસ મારફતે ૬૦ ટ્રીપ મારવામાં આવે છે, જેમાં દૈનિક ૩ હજારથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ ગરમી વધતાં હાલ માત્ર ૨ હજારની આસપાસ મુસાફરો આવી રહ્યા છે. એક હજાર મુસાફરોના ઘટાડાની અસર આવક ઉપર પણ પડી છે.

સામાન્ય દિવસોમાં અંદાજે ૨૮ હજારની આવક થતી હતી, તેની સામે ચાર દિવસથી આવક ઘટીને માંડ ૧૭ હજાર થતાં બસનું ઇંધણ અને કર્મચારીનો પગાર ચૂકવવાની કફોડી સ્થિતિનું નિર્માણ થાય એવી ભીતિ છે. મુસાફરોની રાહ જોતાં બસ ઉપડવાના સમયમાં પણ ૧૦થી ૧૫ મિનિટ મોડી ઉપાડવામાં આવે છે. ત્રણ દિવસથી રેલવે સ્ટેશનથી મહમદપુરા બાયપાસ, રેલવે સ્ટેશનથી શક્તિનાથ શ્રવણ ચોકડી બાયપાસ અને રેલવે સ્ટેશનથી કુકરવાડા વિસ્તારમાં જવા અને આવવા માટે એકપણ મુસાફર ન થતાં ટ્રીપ રદ કરવાની નોબત આવી હતી.

ભરૂચના સિટી બસ ડેપો મેનેજર સદ્દામ શેખે જણાવ્યું હતું કે, ગરમીના કારણે મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો થઇ ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી ત્રણ વિસ્તારમાં એકપણ મુસાફર બસમાં જવા કે આવવા માટે નહીં હોવાથી બસની એક ટ્રીપ આખરે રદ કરવામાં આવી છે. જો કે, એક કે બે મુસાફરો હોય તો પણ અમારી બસ ટ્રીપ મારવામાં બાકી રાખતી નથી.

Most Popular

To Top