ભરૂચ: (Bharuch) લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ પર ધ્યાન નહીં આપવામાં આવતા આખરે આજે ભરૂચના સુવા ગામના યુવાનોએ રસ્તા પર બેસી જઈ આંદોલન છેડ્યું હતું. યુવાનો રસ્તા પર બેસી જઈ વાહનો અટકાવી દેતાં ચક્કાજામ થઈ ગયો હતો, જેના લીધે પોલીસ દોડતી થઈ ગઈ હતી.
વિવિધ માંગણીઓને લઇને સમાધાન ન થતા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામે સોમવારે સવારે દહેજ (Dahej GIDC) GIDCને જોડતા માર્ગ ઉપર બેસીને લડતનું રણશિંગું ફૂકી દીધું છે. માર્ગ પર અસરગ્રસ્તો બેસી જતા વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. અકળાયેલા અસરગ્રસ્તોનું કહેવું છે કે તેમણે ગુમાવેલી જમીન સામે વાયદા અને વચનો મળ્યા છે. સ્થાનિકો ગૌચરની જમીન અને રોજગારીના મુદ્દે ઘણા સમયથી રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. જેને લઈને કંટાળીને આંદોલનનું (Protest) શસ્ત્ર ઉગામ્યું છે.
ગ્રામજનોનો મિજાજ પારખી સરકારી બાબુઓએ તાત્કાલિક દહેજ તરફ વાટ પકડી લીધી હતી. સુવા ગામના અસરગ્રસ્ત લોકોના આંદોલનની આગેવાની કરનાર રાજેશભાઈ ગોહિલે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે દહેજ ઔદ્યોગિક વસાહતના નિર્માણ અને વિકાસ માટે સુવા ગામે ખુબ જ મોટી જમીન સંપાદિત કરી હતી. એ વખતે સ્થાનિકોના મનમાં ઉદ્યોગો આવવાથી જમીન આપીને આખરે સ્થાનિક લોકોને રોજગારી મળશે. આ અપેક્ષા નિરર્થક નીવડી છે. રોજગારીના મુદ્દે ઠાલા વચનોથી ધીરજ ગુમાવી બેઠેલા સ્થાનિકો માટે રસ્તા ઉપર બેસવા સિવાય કોઈ આરો ન હતો. સ્થાનિક 5 કંપનીઓએ રોજગારી માટે વાયદા કર્યા બાદ નોકરી આપી નથી.
વધુમાં આંદોલનકારીએ ભારે નારાજગી સાથે જણાવ્યું હતું કે અમે 200 એકર જમીન ગૌચર માટે આપવાનો વાયદો કર્યો હતો. તેમાં પણ ૪૫ એકર સુધી ઘટાડો કરવામાં આવ્યો હતો. હજુ સુધી આ જમીન અપાઈ નથી. જેને કારણે ગામના 500 પશુધન ઘાસચારા માટે વલખાં મારે છે. ગૌચર માટે ગ્રામજનો હલ માંગી રહ્યા છે.
સુવા ગામની જટિલ સમસ્યા માટે સરકારનું ધ્યાન ખેંચવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. રસ્તા પર ગ્રામજનો બેસતા વાહનવ્યવહારનો ચક્કાજામ થઇ ગયો હતો. ગ્રામજનોની એક જ માંગ છે કે ગૌચરની જમીન અને રોજગારીની સમસ્યાનો હલ ન કરે ત્યાં સુધી રસ્તા પર ઉભા નહીં થઈશું એવી મક્કમતાથી આંદોલનકારીઓ અડગ રહ્યા હતા.