SURAT

ભરૂચથી સુરત માસીને મળવા આવતા યુવક સાથે રિક્ષામાં એવું તો શું થયું કે તે હાંફળોફાંફળો થઈ ગયો

સુરત : (Surat) ભરૂચથી (Bharuch) સુરતમાં માસીને મળવા આવેલા યુવકને રિક્ષાચાલક ટોળકી ભેટી ગઇ હતી. આ ટોળકીએ યુવકને આગળ પાછળ બેસવાનુ કહી તેમજ ધક્કામુક્કી કરીને રૂા.64 હજાર સેરવી લીધાં હતાં. યુવકને રાજમાર્ગ ઉપર રિક્ષા ખરાબ છે કહીને ઉતારી દીધા બાદ રિક્ષાચાલક ટોળકી ફરાર થઇ ગઇ હતી.

  • ભરૂચથી સુરતમાં માસીને મળવા આવેલા યુવકને ધક્કામુક્કી કરી 64 હજાર સેરવી લેવાયા
  • રાજમાર્ગ ઉતારી દઇ બીજી રિક્ષામાં જવાનું કહી ટોળકી ફરાર થઇ ગઇ

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચના આમોદ તાલુકાના આછોટ ગામે રહેતા ચાળીસ વર્ષીય મુસ્તાક ગુલામઅલી પટેલ લેડિઝ ટેલર છે. તેઓ 64 હજાર લઇને ભરૂચથી રાંદેરમાં રહેતા માસીના ઘરે આપવા માટે આવી રહ્યા હતાં. તેઓ સુરત રેલવે સ્ટેશનથી ઓટો રિક્ષામાં બેસીને રાંદેર જઇ રહ્યા હતા ત્યારે રિક્ષાચાલક ટોળકીએ મુસ્તાકભાઇની સાથે ધક્કામુક્કી કરી હતી. તેમનું ધ્યાન બીજે દોરીને તેમને આગળ પાછળ ખસવાનું કહીને તેમના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા 64 હજાર સેરવી લેવાયાં હતાં. ત્યારબાદ તેમને રાજમાર્ગની પાસે ઉતારી દઇને રિક્ષાડ્રાઇવરે કહ્યું કે, મારી રિક્ષા ખરાબ છે, તમે બીજી રિક્ષામાં જતા રહો, તમને આ રિક્ષામાં નહીં ફાવે. તેમ કહીને ડ્રાઇવર રિક્ષા હંકારી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે મુસ્તાકભાઇએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

‘મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમે છે?’ ફ્રોડ પોલીસે 4200 પડાવી લીધા
સુરત: વરાછામાં રહેતો યુવક બોટનિકલ ગાર્ડનમાં ફરવા આવ્યો હતો. અહીં એક સંજય નામની વ્યક્તિએ જહાંગીરપુરા પોલીસની પોતાની બોગસ ઓળખ આપી યુવકને મેચમાં સટ્ટો રમતો હોવાનું કહી કેસ કરવાની ધમકી આપી મોબાઇલ તેમજ ગૂગલ-પેથી રોકડા 2500 મળી કુલ રૂ.4200 પડાવી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની અને સુરતમાં વરાછા માતાવાડી પાસે હીરાના કારખાનામાં જ રહી હીરા ઘસવાનું કામ કરતો રાકેશ પરેશ ખોરાશીયા રવિવારે આઇપીએલ ફાઇનલ મેચના દિવસે રાંદેરના બોટનિકલ ગાર્ડનમાં ફરવા માટે આવ્યો હતો. રાકેશ ગાર્ડનની બહાર બાકડા ઉપર બેસી આઇપીએલની મેચ જોઇ રહ્યો હતો ત્યાં જ સંજય નામનો યુવક આવ્યો હતો. આ સંજયે પોતાને જહાંગીરપુરા પોલીસમાં ડી-સ્ટાફમાં હોવાનું કહી રાકેશનો મોબાઇલ ચેક કર્યો હતો. રાકેશ આઇપીએલ મેચ જોતો હોવાથી તેને આઇપીએલ મેચમાં સટ્ટો રમતો હોવાનું કહી ધમકાવ્યા બાદ કેસ કરવાની ધમકી આપી હતી. થોડીવાર વાતચીત કર્યા બાદ સંજયે રાકેશની પાસેથી રૂ.1700ની કિંમતનો મોબાઇલ ફોન લઇ લીધો હતો. બાદ રાકેશના ગૂગલ-પેમાં પોતાનો નંબર નાંખી 2500 પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ રાકેશની પાસે પૈસા ન હોવાથી સંજય ત્યાંથી જતો રહ્યો હતો. રાકેશે બાદમાં પોતાના મિત્રને ફોન કરી ઘટના કહી હતી. રાકેશના મિત્રએ સંજયને ફોન કર્યો પરંતુ સંજયે કોઇ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ આ સમગ્ર ઘટના જહાંગીરપુરા પોલીસમાં પહોંચી હતી. ત્યાં સંજય નામનો કોઇ કોન્સ્ટેબલ ન હોવાનું બહાર આવતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. રાંદેર પોલીસના પીએસઆઇ એમ.જી.હડિયાએ રાકેશભાઇની ફરિયાદ લઇ એક યુવકને પકડી પાડ્યો હોવાની વિગતો પણ જાણવા મળી છે.

Most Popular

To Top