ભરૂચ: (Bharuch) ભરૂચથી વડોદરા-સુરત (Surat) વચ્ચે આગામી ૩ વર્ષમાં રૂ.૯૫૦ કરોડના ખર્ચે ૧૫ નવનિર્મિત બ્રિજ (Bridge) આકાર લેશે. નેશનલ હાઇવે નંબર-૪૮ ને સુપર હાઇવે બનવવા NHAI દ્વારા હાલની સાંકળા નાળા અને ચોકડીઓ ઉપર ટ્રાફિકજામ સાથે અકસ્માતની સમસ્યા હલ કરવા આ કામગીરી કરાશે.
- ભરૂચથી વડોદરા-સુરત વચ્ચે આગામી ૩ વર્ષમાં રૂ.૯૫૦ કરોડના ખર્ચે ૧૫ નવનિર્મિત બ્રિજ આકાર લેશે
- સુરતમાં ૭, ભરૂચમાં ૪ અને વડોદરા જિલ્લામાં NH-૪૮ ઉપર ૪ બ્રિજ નિર્માણ થશે
- વડોદરાથી સુરત વચ્ચે ભરૂચથી પસાર થતા જૂનાં બે લેનનાં નાળાં નવાં ૪ લેન બનાવાશે
- 15 બ્રિજ બનાવવાની કામગીરી બેથી ત્રણ મહિનામાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા શરૂ કરી દેશે
ભરૂચથી પસાર થતા વડોદરાથી સુરત સુધી ૧૫૦ કિલોમીટરમાં વડોદરા જિલ્લામાં ૪, ભરૂચ જિલ્લામાં ૪ અને સુરત જિલ્લામાં ૭ મળી કુલ ૧૫ નવા બ્રિજનું વર્ષ ૨૦૨૬ સુધીમાં નિર્માણ કરાશે. આકાર પામનારા બ્રિજમાં રૂ.૯૫૦ કરોડના ખર્ચે સુરતથી વડોદરા વચ્ચે બે લેન નાળા, અસુરિયા, વડદલા ચોકડી, ભૂખી ખાડી સહિતના વિસ્તારમાં સર્જાતા અકસ્માતોથી રાહત થશે. સાથે વાહનોની કતારોમાંથી હાઇવે તેમજ વાહનચાલકોને છૂટકારો મળશે.
સુપર હાઇવે NH-૪૮ હેઠળ ૧૫ બ્રિજ બનાવવાની કામગીરી બેથી ત્રણ મહિનામાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા શરૂ કરી દેશે. જો કે, આ ૧૫ બ્રિજના નિર્માણને લઈ ત્રણ વર્ષ સુધી વડોદરા-સુરત વચ્ચે વાહનચાલકોને ડાયવર્ઝન અને ટ્રાફિકજામ સહન કરવો પડશે. પરંતુ ભરૂચ પાસેથી પસાર થતો વડોદરા-મુંબઈ ૮ લેન એક્સપ્રેસ-વે આ સમયગાળામાં ચાલુ થઈ જતાં વાહનહાલકોને રાહત રહેશે.
હાલ રાજ્યમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે કાર્યરત છે. નેશનલ હાઇવે નં.૪૮ પણ પ્રવર્તમાન છે. અમદાવાદ-ધોલેરા અને દિલ્હી-અમદાવાદ-મુંબઈ ૮ લેન એક્સપ્રેસ-વેનું કામ હાલ અંતિમ તબક્કામાં છે. સુપર હાઇવે તરીકે NH-૪૮ને રિ-ડેવલપ કરાઈ રહ્યો છે. રેલવેમાં દિલ્હી-અમદાવાદ-મુંબઈ પ્રવર્તમાન બે ટ્રેક લાઈન છે. ગુડ્ઝ ટ્રેન માટે બે ડબલ ટ્રેક દિલ્હી-મુંબઈ DFC પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ પ્રગતિ હેઠળ છે. ભાડભૂત બેરેજ બ્રિજ પર ૪ લેન માર્ગીય બની રહ્યો છે. કલ્પસર યોજના હેઠળ ભરૂચથી ભાવનગર વચ્ચે ૪ લેન બ્રિજનો વિશાળ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પણ નજરમાં આવી રહ્યો છે. ત્યારે દહેજ એક્સેસ કંટ્રોલ હાઈવે તેમજ નર્મદા નદીમાં વોટર વેઇસ (ક્રૂઝ) વિકસાવવાની યોજનાની કામગીરી પ્રગતિમાં છે.