ભરૂચ: (Bharuch) ભરૂચમાં સસ્તી કિંમતે સોનું વેચવાની લાલચ આપી લોકોને ઠગી લેતા વધુ એક ટોળકી સપ્તાહના ટૂંકા સમયગાળામાં ઝડપાઇ છે. ભરૂચ એસઓજીની (SOG) ટીમે ૪ આરોપીની ધરપકડ કરી રૂ.૧૬.૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અગાઉ અંકલેશ્વર શહેર પોલીસે (Police) બે ગુનાનો ભેદ ઉકેલી મહિલા સહિત ૬ આરોપીની આણંદ પોલીસ સાથે જોઈન્ટ ઓપરેશનમાં ધરપકડ કરી હતી. આ ટોળકીઓ સાચું સોનું બતાવી સસ્તી કિંમતે વેચવાની તૈયારી બતાવે છે. લાલચમાં આવી ખરીદાર સોદો કરે ત્યારે પૈસા પડાવી રફુચક્કર થઇ જાય છે.
ભરૂચ શહેર વિસ્તારમાં SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન PSI એ.વી.શિયાળીયાને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ સફેદ કલરની સ્વિફ્ટ કારમાં ચાર ઇસમ સોનાના બિસ્કિટ લઇ વેચવા માટે ફરે છે. આથી શેરપુરા બાયપાસ પાસે આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીવાળી કાર નં.(GJ-૧૨-FC-૦૫૧૫) આવતાં તેને અટકાવી કારની તલાસી લેતાં તેમાં ચાર ઈસમ હતા. જેમાંથી ઈબ્રાહિમ શાહ જુસબશાહ શેખ પાસેથી ઝડતી દરમિયા પેન્ટના ખિસ્સામાંથી લાલ કાપડની નાની થેલીમાં સોના જેવા ધાતુનાં બે બિસ્કિટ મળી આવ્યાં હતાં.
આ ઉપરાંત બીજા ઈસમ રઝાક અલાના સોઢાની જડતી દરમિયાન તેમના પેન્ટના ખિસ્સામાથી લાલ કાપડની નાની થેલીમા વધુ બે સોના જેવા ધાતુનાં બે બિસ્કિટ મળી આવ્યાં હતાં. આ સોનાના બિસ્કિટ બાબતે બિલ કે અન્ય આધાર પુરાવા માટે પૂછતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ ચારેયની અટકાયત કરી સોનાની ધાતુના બિસ્કીટ જ્વેલર્સ પાસે ચેક કરાવતાં મળી આવેલી ચાર બિસ્કિટ પૈકી બે બિસ્કિટ સોનાની તથા બે બિસ્કિટ નકલી હોવાનું સામે આવ્યું હતું. આથી ઈબ્રાહિમશાહ જુસબશાહ શેખ (ઉં.વ.૨૬) (રહે.,ભચાઉ), રઝાક અલાના સોઢા (ઉં.વ.૩૨) (રહે.,ભુજ), અનવરખાન આમદખાન પઠાણ (ઉં.વ.૫૩) (રહે.,ભુજ) અને હસનભાઈ આમધ સમા (ઉં.વ.૨૮) (રહે.,આશાપુરા નગર)ની અટક કરી હતી.
લોકોના પૈસા પડાવવા બોગસ આંગડિયા પેઢી ઊભી કરી હોવાનો પોલીસ સમક્ષ ઘટસ્ફોટ
ભરૂચ SOGના PI એ.એ.ચૌધરીએ જણાવ્યું હતું કે, પકડાયેલા ઈસમો સોનાના બિસ્કિટનું વેચાણ કરે છે અને સોનાની હાલના બજાર ભાવ કરતા ઓછા ભાવે વેચવાનું કહી ખરીદનારને વિશ્વાસમાં લેતા હોય છે. બોગસ આંગડિયા પેઢીમાં પૈસા જમા કરાવી થોડા કલાકો પછી સોનું ઘરે મળી જશે એવી ખાતરી આપી રૂપિયા આંગડિયા પેઢી પર જમા લઈ અને ખરીદનારના આંગડિયા પેઢી પરથી ગયા પછી આ બોગસ આંગડિયા પેઢી બંધ કરી ફરાર થઈ જાય છે. આરોપી પૈકી આરોપી રઝાક દ્વારા આવી જ રીતે અમદાવાદ શહેર બાપુનગર ખાતે રહેતા એક વ્યક્તિ પાસેથી રૂ.૧,૩૫,૦૦,૦૦૦ લઈ વાત મુજબ ત્રણ કિલો સોનું નહીં આપી છેતરપિંડી કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.