ભરૂચ: (Bharuch) મોરિયાણા હાઈસ્કૂલમાં (School) સ્લેબ તૂટી પડતાં ૮ વિદ્યાર્થિનીને (Student) ઈજા થઇ હતી. આ મુદ્દો ઉદભવતા હજુ ઘણી શાળાઓ જર્જરિત (Dilapidated) મકાનોને લઈને વિદ્યાર્થીઓ માથે મોતનું જોખમ લઈને અભ્યાસ કરી રહ્યા છે. ભરૂચના લાલબજાર ખાતે આઝાદી પહેલાથી ૯૬ વર્ષ જૂની મિશ્રશાળામાં ૫૫ બાળક (Child) જર્જરિત મકાનને લઈ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બની રહ્યાં છે. સ્લેબને માત્ર હાથ મારવાથી પોપડા પડી રહ્યા છે.
- છત કે ભમતું મોત?: ૯૬ વર્ષ જૂની ભરૂચની મિશ્રશાળાનું મકાન જર્જરિત, હાથ અડાડતાં પોપડા પડે છે
- આઝાદી પહેલા મકાન તો બની ગયાં, પણ હજુ બાળકોના માથે જીવનું જોખમ છે: નિખિલ શાહ
- મિશ્રશાળામાં ૫૫ બાળક જર્જરિત મકાનને લઈ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર
- સ્લેબને માત્ર હાથ મારવાથી પોપડા પડી રહ્યા છે
નેત્રંગના મોરિયાણા હાઈસ્કૂલમાં સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં આઠ વિદ્યાર્થિની ઘાયલ થઈ હતી. આ બનાવમાં ઘાયલ વિદ્યાર્થિનીઓને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જેને કારણે વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. આવી સંવેદનશીલ ઘટના બાદ પણ માસૂમ બાળકો સક્ષમ ઇમારતમાં અભ્યાસ કરે છે કે નહીં એ જાણવાનો પ્રયાસ થવો જોઈએ. ભરૂચ જિલ્લાની અન્ય શાળાઓની ચકાસણી કરવામાં આવે આવી અનેક જર્જરિત ઇમારતોની વિગતો બહાર આવી શકે. ૯૬ વર્ષ પહેલાં વર્ષ-૧૯૨૭માં જૂના ભરૂચના લાલબજારમાં મિશ્રશાળાની સ્થાપના થઇ હતી. અંગ્રેજો ગયા અને લોકશાહી પદ્ધતિ આવી ગઈ. હાલમાં મિશ્રશાળામાં ૧થી ૫ ધોરણમાં ૫૫ બાળક માત્ર બે જ વર્ગમાં બેસે છે.
જર્જરિત મકાનમાં પહેલા માળે આવેલી ઓફિસમાં સ્લેબને માત્ર હાથ લગાડવાથી પોપડા પડી રહ્યા છે. જેનાથી આવતીકાલનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે. આ બાબતે સામાજિક કાર્યકર નિખિલ શાહે વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ૧૯૨૭માં આ શાળાનું બાંધકામ થયું હતું. આજે નવ દાયકાથી વધુ સમય વિત્યા બાદ વિદ્યાર્થીઓના માથે જોખમ ઊભું થતું હોય તો સરકારે ધ્યાન આપવું જોઈએ. શિક્ષકોની ઘટ છે. ચૂંટણી વખતે આ જર્જરિત મકાનની શાળામાં બુથ આપવામાં આવે છે. ચુંટાયેલા સભ્યોએ પણ ઘણી વખત મુલાકાત લીધી છે. ત્યારે સરકારી સંસ્થામાં ઘણી શાળાઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોવામાં આવે તો આવી જ હાલતમાં સ્કૂલો જોવા મળશે.