ભરૂચ: (Bharuch) સરદાર સરોવર ડેમ છલકાવાને કારણે જ્યારે એક તરફ અનેક ગામોને એલર્ટ કરાયા છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે તો આ તારાજી વચ્ચે કેટલાક આહલાદક અને નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાથેજ ભાવવિભોર કરી દે તેવા દ્રશ્યો પણ નર્મદા નદીનાં ધસમસતા પ્રવાહ વચ્ચે જોવા મળી રહ્યા છે.
સરદાર સરોવર ડેમ છલકાયાના સરદાર વલ્લભભાઈ પટેલ સાક્ષી બન્યા હોય તેમ ડેમના છલકાતા પાણી વચ્ચે અડીખમ ઉભા જોવા મળ્યા હતા. આ વીડિયો લોકોને ખૂબજ ગમી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબજ વાયરલ થયો હતો. તો બીજી તરફ સરદાર સરોવર ડેમમાંથી છોડાઈ રહેલા પાણીના દ્રશ્યોએ પણ લોકોના મન મોહી લીધા હતાં.
કુદરત પાસે બચાવવાના અનેક રસ્તા હોય છે. તણાતી કીડીને જાણે પાંદડું મળે ત્યારે જીંદગી બચી જાય. ભરૂચ પાસે ધસમસતા નર્મદાના (Narmada) ઘોડાપુરમાં રવિવારે આવોજ એક અજીબોગરીબ કિસ્સો જોવા મળ્યો. હાલમાં બે કાંઠે વહેલી નર્મદા નદીના ઘોડાપુરના મધ્યમાં લાકડાના પૂળા પર રખેવાળ પ્રાણી એવું શ્વાન (Dog) બચીને જતું જોવા મળ્યું. પાણીના પ્રવાહમાં નિસહાય શ્વાન તવરા ગામથી સુકા લાકડા પર બેસીને જતું દેખાયું હતું. છેક જુના બોરભાઠાથી લઈને સરફૂદ્દીન ગામ સુધી તે આ રીતે કુદરતી તરાપો પર જતું જોવા મળ્યું હતું. જો કે કુદરતના ઘરે દેર છે અંધેર નથી. ક્યાંક તો મૂંગો શ્વાન બચી જશે એવી લોકોએ પ્રાર્થના કરી હતી.