ભરૂચ, ઝઘડિયા: (Bharuch) ઝઘડિયાના ઉમલ્લાથી રાજપારડી વચ્ચે હરિપુરા અને સંજાલી ગામના (Village) પાટિયા વચ્ચે એક લક્ઝરી બસની આગળ લૂંટ (Loot) કરવાના ઈરાદે રવિવારે સાંજે 5-30 વાગ્યાના અરસામાં એક ફોર વ્હીલ ગાડીનો અવરોધ ઊભો કરીને બસ (Bus) રોકીને કેટલાક ઈસમો દ્વારા કુલ રૂ.૩૨,૫૦૦ના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હોવાની ફરિયાદ લક્ઝરી બસના ડ્રાઈવર અલ્પેશભાઈ વાઘાભાઈ ભરવાડ (રહે.,દાઠા, જિ.ભાવનગર)એ ઉમલ્લા પોલીસમાં (Police) લખાવી હતી.
- 43 પોલીસની હાજરીમાં 32 હજારની લૂંટ!
- બે પીએસઆઈ સહિત પોલીસ જવાનોની હાજરીમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરને માર મારી લૂંટી લેવાતાં આશ્ચર્ય
- ઈકો કારમાં આવેલા લુંટારુઓએ બસના કાચ ફોડી દહેશત ફેલાવી, ત્રણ ઝડપાયા, પાંચ વોન્ટેડ
- સુરતના વરાછાથી ઓરિસ્સા પોલીસના જવાનોને લઈ જતી લક્ઝરી બસને ઝઘડિયાના હરિપુરા નજીક આંતરી લૂંટ ચલાવાઈ
ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર તા.૨૬મીના રોજ સુરતના વરાછા ખાતેથી ઓરિસ્સા સ્ટેટ પોલીસના બે પીએસઆઈ સહિત કુલ ૪૩ જેટલા પોલીસ જવાનોને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા લઈને લક્ઝરી બસ કેવડિયા ગઈ હતી. દરમિયાન આ લક્ઝરી બસ કેવડિયાથી પોલીસ જવાનોને લઈને પાછી ફરી રહી હતી. ત્યારે ઝઘડિયાના ઉમલ્લાથી આગળ હરિપુરા અને સંજાલી ગામના પાટિયા વચ્ચે રોડ પર એક ઈકો ગાડીનો અવરોધ ઊભો કરીને કેટલાક ઈસમોએ બસ ઊભી રખાવી દીધી હતી. દરમિયાન ઈકોમાંથી ડ્રાઈવર સહિત સાત જેટલા ઈસમો નીચે ઊતર્યા હતા અને આ ઈસમોએ હુમલો કરીને બસનો આગળનો કાચ તોડી નાંખ્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ આ ઈસમોએ ડ્રાઈવરને માથામાં લોખંડની પાઈપના ફટકા માર્યા હતા.
આ ઈસમો રોકડ રકમ તેમજ ત્રણ મોબાઇલ મળીને કુલ રૂ.૩૨,૫૦૦ના મુદ્દામાલની લૂંટ કરીને નાસી ગયા હતા. આ ઘટના સંદર્ભે લક્ઝરી ચાલકે ઉમલ્લા પોલીસમાં લખાવેલી ફરિયાદને લઈ ઉમલ્લા પીએસઆઈ એન.જે.ટાપરિયા અને ટીમે તપાસ કરીને આ કથિત લૂંટમાં સંડોવાયેલા મનાતા સુમિત રતિલાલ વસાવા અને પ્રિયંક પ્રેમાભાઈ વસાવા (બંને રહે.,રાયસીંગપુરા, તા.ઝઘડિયા) તેમજ નરેશ કંચનભાઈ વસાવા (રહે.,હરિપુરા, તા.ઝઘડિયા)ને ઝડપી લીધા હતા. જ્યારે નિલેશ કનુભાઈ વસાવા, વલુસિંગ હાનાભાઈ વસાવા અને આકાશભાઈ (તમામ રહે.,રાયસીંગપુરા) તેમજ અન્ય બે ઈસમ સહિત કુલ પાંચને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ આ ઘટનામાં કંડક્ટર અને ડ્રાઇવરને માર મારી રૂ.૨૦,૦૦૦ રોકડા અને રૂ.૧૨,૫૦૦ની કિંમતના ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.૩૨,૫૦૦ના મુદ્દામાલની લૂંટ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ લક્ઝરી બસમાં ઓરિસ્સા સ્ટેટના બે પીએસઆઈ સહિત કુલ ૪૩ જેટલા પોલીસ જવાન મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે આટલી મોટી સંખ્યામાં પોલીસ જવાનોની હાજરી છતાં ગણ્યાગાંઠ્યા ઈસમો બસમાં લૂંટ કરવામાં કેવી રીતે સફળ થયા એ વાતે રહસ્ય સર્જાયું છે.
દિલધડક લૂંટમાં હાજર પોલીસ જવાનોની સામનો કરવામાં બેદરકારી!
હરિપુરા-સંજાલી ગામના પાટિયા પાસે દિનદહાડે ઓરિસ્સા રાજ્ય સ્ટેટ પોલીસના લગભગ ૪૩ પોલીસકર્મીની હાજરીમાં દિલધડક લૂંટ ચલાવીને ડ્રાઈવર-કંડક્ટરને ઢોર માર મરાયો હતો. રાજકીય પક્ષોના ઝંડાઓ બાંધેલી ગાડીમાં કેટલાંક તત્ત્વોએ તોફાન કરતાં પોલીસ વિભાગના કર્મીઓ મૌન ધારણ કરીને બેસી રહ્યા એ પ્રશ્નાર્થ ઊભા થઇ રહ્યા છે. પોલીસકર્મીઓની હાજરી વચ્ચે ડ્રાઈવર-કંડક્ટરને ઢોર માર મારીને લૂંટ ચલાવાતાં તેને બચાવવા કે સામનો કરવામાં કોઈ તૈયાર ન થયા. જો કે, સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા જો તપાસમાં આવે તો કયા રાજકીય પક્ષના ઝંડા લઈને આવાં તત્ત્વોએ દાદાગીરી કરી એ બહાર આવી શકે એમ છે. જો કે, હાલમાં વિધાનસભાની ચૂંટણીમાં આવાં તત્ત્વોથી ગુજરાત સલામતના પ્રશ્ન ઊભા થઇ રહ્યા છે.