ભરૂચ: (Bharuch) ભરૂચની દીકરીનો જન્મજાત જમણો હાથ અને આંગળીની વિકૃતિની વિસંગતતાના કારણે સંપૂર્ણ વિકાસ થતો અટકી ગયો હતો. હેન્ડ એપ્લેસિયાથી (Hand Aplasia) પીડિત જન્મેલી દીકરીને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ૧૩ કલાકની જટિલ સર્જરી (Surgery) બાદ નવો જમણો હાથ મળ્યો છે. આ પ્રકારની જટિલ સર્જરીની ઘટના ભારતભરમાં પ્રથમ બની હોવાનું કહેવાય છે અને ભરૂચની દીકરીને તેનો લાભ મળ્યો છે.
- ભારતભરમાં પહેલીવાર ભરૂચની દીકરીને મુંબઈમાં 13 કલાકની સર્જરીથી ‘નવો હાથ’ મળ્યો
- ભરૂચની સામિયા મન્સૂરી જન્મજાત હેન્ડ એપ્લેસિયા સાથે જન્મેલી હતી, તેણીને જમણા હાથ અને આંગળીમાં વિસંગતતાઓ હતી
- મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ડો. નિલેશ સતભાઈ અને તેમની ટીમે ૧૩ કલાકની જટિલ સર્જરી કરી સામિયાનાં જીવનને પ્રફુલ્લિત કરી દીધું
ભરૂચની ૧૮ વર્ષીય દિકરી સામિયા મન્સૂરીનો જન્મજાત જમણા હાથ અને આંગળીની વિકૃતિ જેવી વિસંગતતાઓને કારણે હાથનો વિકાસ અટકી ગયો હતો. તેણીના આગળના હાથ, કાંડા અને હાથમાં ગંભીર ઉણપ હતી. તેણીની આંગળીઓ ખુબ જ નાની હતી. તમામ રક્તવાહિનીઓ, સ્નાયુઓ, હાડકાં અને જ્ઞાનતંતુઓ સામાન્ય કરતાં નાના હતા. જે માટે ડો. નિલેશ સતભાઈ (સિનિયર કન્સલ્ટન્ટ) પ્લાસ્ટિક, હેન્ડ એન્ડ રિકન્સ્ટ્રકટીવ માઈક્રોસર્જન ઓફ ગ્લોબલ હોસ્પિટલ મુંબઈમાં જેમણે સામિયાનું ઓપરેશન કર્યું છે.
ઉલ્લેખનિય છે કે, દીકરીના પરિજનો રાજસ્થાન સહિત અનેક હોસ્પિટલોમાં દોડધામ કરીને મહેનત કરતા હતા. એક સમયે તો તેઓને એવું લાગતું હતું કે ક્યારેય કાર્યાત્મક હાથ મળશે નહિ. લગભગ બે વર્ષ પહેલાં ગ્લોબલ હોસ્પિટલમાં ડો.સાતભાઈ સાથે લીધેલી સલાહ બાદ હાથ પ્રત્યારોપણ અને શ્રેણીબદ્ધ ચર્ચાઓ પછી તબીબી ટીમે એવી સંમતિ આપી હતી કે સામિયા મન્સૂરી એકવાર ૧૮ વર્ષની થઈ જાય. તા.૧૦મી જાન્યુઆરીએ સામિયાના ૧૮ વર્ષ પુરા થઇ ગયા અને ઇન્દોરના ૫૨ વર્ષીય બ્રેઈન ડેડ મહિલાના પરિવારે સામિયા મન્સૂરી ઉપયોગ કરી શકે એ માટે હાથ દાન કર્યું હતું.
ડો.સાતભાઈએ જણાવ્યું હતું કે, દેશમાં સૌપ્રથમ આવી અંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા માટે સામિયાને ભરૂચથી ગ્લોબલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જે હાથ અમને મળ્યાં હતા તે સામિયાના હાથના રંગ સાથે મેળ ખાય છે. જો કે, તેનું કદ થોડું મોટું હતું. અમે કોણીની નીચે હાડકાંને જોડવાનું અને ઉપલા હાથની રુધિરવાહિનીઓ અને ચેતાઓમાં ફેરફાર કર્યા છે. કારણ કે, તેણી પાસે પહેલેથી જ કર્યાત્મક હાથ છે. શુક્રવારે હોસ્પિટલમાંથી તેણીને રજા આપી દેવામાં આવી છે.
ત્યારબાદ સર્જરી થતા થોડા મહિનામાં કસરત અને ફીઝીયોથેરાપી અને માવજત બાદ સામિયાનો હાથ ૯૦ ટકાથી વધુ કાર્યશીલ હશે અને તમામ પ્રકારની સંવેદનાનો અનુભવ તે કરી શકશે. સામાન્ય લોકોની જેમ સામિયા દૈનિક ક્રિયાઓ જાતે જ કરી શકશે પરંતુ આ હાથને મજબુત અને સંપૂર્ણ કાર્યરત કરવામાં લગભગ એક વર્ષનો સમય લાગશે. જો કે સામિયા માટે એક સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. તેણે પોતાનો નવો હાથ ઉંચો કરીને આનંદ વ્યકત કર્યો હતો. તેની માતા શેનાઝ મન્સૂરીએ કહ્યું કે આ ચમત્કારમાં તેમની દીકરીને મદદ કરનારાનો ખૂબ આભાર માનીએ છીએ.