ભરૂચ: (Bharuch) દહેજના અટાલી-રહિયાદ વચ્ચે બાઈક (Bike) સવાર બે યુવાનોને ટ્રકચાલકે (Truck Driver) અડફેટે લેતાં સારવાર મળે એ પહેલા જ એક ફેબ્રિકેટરનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે રહેતા પરપ્રાંતીય ૨૫ વર્ષીય છોટુકુમારસિંગ GIDCમાં અમર એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટમાં ફેબ્રિકેશન કરે છે.
- દહેજના અટાલી-રહિયાદ વચ્ચે ટ્રક સાથે અકસ્માત થતાં બાઈકસવારનું મોત
- અન્યને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડાયો
દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેઓ ગત મંગળવારે સાંજે સહકર્મી ૨૦ વર્ષીય સૂરજકુમાર સાથે બાઈક નં.(GJ-૧૬,CA-૭૩૦૦) લઇ ભરૂચ તરફ આવી રહ્યા હતા. દરમિયાન દહેજના અટાલી-રહિયાદ વચ્ચે પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક નં.(GJ-૧૨,AT-૭૯૯૪) ચાલકે બાઈકસવારોને જોરદાર રીતે ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે ખસેડાતાં પહેલાં જ છોટુકુમારસિંહનું મોત નીપજ્યું હતું. જ્યારે સૂરજકુમારને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડાયો હતો.
નિઝરના રૂમકીતલાવમાં ધોરી માર્ગ ઉપર સામસામે બે બાઈક અથડાતાં બેનાં મોત
વ્યારા: નિઝરના રૂમકીતલાવ ગામની સીમમાંથી પસાર થતા ધોરી માર્ગ ઉપર ગત મંગળવારે સાંજે બે બાઈક ધડાકાભેર અથડાઇ હતી, જેમાં બે યુવકનાં મોત નીપજ્યાં હતાં. કુકરમુંડાના બાલદા ગામનો યુવક અને મહારાષ્ટ્રના ખીલ ભરડી ગામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાઈક પર પાછળ બેસેલા ચિચોંદા ગામના યુવકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
કુકરમુંડાના બાલદા ગામે રહેતો સંતોષ રતિલાલ પટેલ (ઉં.વ.૩૮) મોટરસાઇકલ નં.(જીજે 19 એસ 5025) ઉપર હિતેશ અંબાલાલ ચૌધરી (રહે., ચિચોદા, તા.નિઝર, જિ.તાપી) સાથે નિઝરથી ઉચ્છલ તરફ જઇ રહ્યો હતો. સાંજના આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં નિઝરના રૂમકીતલાવની સીમમાં આવેલા પુલિયા પાસેથી પસાર થતી વેળાએ સામેથી ઉચ્છલ તરફથી આવતી અજય ભામટયા ગાવીત (ઉં.વ.૨૬) (રહે.,ખલી ભરડી, રાયપુર, નવાપુર, નંદુરબાર, મહારાષ્ટ્ર)ની મોટરસાઇકલ નં.(જીજે 05 એચએક્સ 1802) આ બંને મોટરસાઇકલ ધડાકાભેર અથડાઇ હતી.
બંને મોટરસાઇકલના ચાલકોને શરીરે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. મોટરસાઇકલ નં.(જીજે 19 એસ 5025)ની પાછળ બેસેલા હિતેશ અંબાલાલ ચૌધરીને પગના ઘૂંટણના ભાગે ગંભીર ઇજા થઇ હતી. આ બનાવ અંગે અંબાલાલ તુકારામ પટેલ (રહે., ચિચોદા, તા.નિઝર)એ નિઝર પોલીસમથકે આપેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.