નેત્રંગ- હાલમાં સગીર બાળકો વાહનોને હાથમાં લઈ અકસ્માતો (Accident) સર્જતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે નેત્રંગ (Netrang) પોલીસ દ્વારા આવા કેસમાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. નેત્રંગના રાજપારડી રોડ પર અઢી મહિના પહેલા એક સગીર વયના મોટરસાયકલ (Two Wheeler) ચાલકે સામેથી આવી રહેલા મોટરસાયકલ ચાલકને અડફેટે લેતાં તેનું સારવાર દરમિયાન મોત થતાં ગુનાની તપાસ દરમિયાન મોટરસાયકલ ચાલક સગીર હોવાનું સામે આવ્યું હતું. જે સંદર્ભે નેત્રંગ પોલીસે તેના પિતા વિરુદ્ધ ગુનો નોંધતા નેત્રંગ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
- નાની ઉંમરના બાળકોને વાહનો ચલાવવા માટે સોંપતા વાલીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો નેત્રંગમાં બન્યો
- ભરૂચ જિલ્લામાં આવો કેસ પ્રથમ વખત જ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી જવા પામી
- અમદાવાદમાં ઇસકોન બ્રીજ પર થયેલા અકસ્માતને નેત્રંગ પોલીસે ધ્યાન પર લઇ એફઆઈઆર કરી
પ્રાપ્ત વિગતો અનુસાર, તા.21-06-2023ના રોજ નેત્રંગ તાલુકાના મોરિયાણા (કાળી કંપની) ખાતે રહેતા અરવિંદભાઈ રમણભાઈ વસાવા (ઉ.વ. 40) કે જેઓ નેત્રંગ ખાતે આવેલા એક હિરાના કારખાનામાં કામ કરતા હોવાથી તેઓ હીરાના કારખાનેથી કોઇક કામ અર્થે રાજપારડી રોડ પર આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર તરફ ગયા હતા.
ત્યાંથી પરત ફરતા નેત્રંગ ભક્ત હાઈસ્કૂલ તરફ એક મોટરસાયકલ નં.(જીજે-16-સીજે-8107)નો ચાલક ફૂલ સ્પીડે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામે આવી રહેલા અરવિંદભાઈને અડફેટે લેતાં તેઓને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં નેત્રંગ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ મારફત લઇ જતી વખતે રસ્તામાં જ તેઓનું મોત થયું હતું. જેને લઇ મૃતક અરવિંદભાઈના પત્નીએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સદર કેસની તપાસ પીએસઆઇ આર.આર.ગોહિલ પાસે આવતા તેની તપાસ દરમિયાન હકીકત બહાર આવી હતી કે મોટરસાયકલના માલિક સુરેશ માધુસીંગ વસાવા (રહે., લાલમંટોડી, નેત્રંગ)નો દિકરો ભાર્ગવ (ઉ.વ.14) સગીર વયનો હોય, જે વાહન ચલાવવા માટેની જરૂરી યોગ્યતા ધરાવતો ન હોય તેમજ તેની પાસે વાહન ચલાવવા માટે જરૂરી પાસ પરમીટ કે લાઇસન્સ નથી તેમ જાણવા છતાં સદર વાહન પોતાના પુત્રને ચલાવવા આપતા વાહન ચાલકની તેમજ અન્યની જિંદગી જોખમમાં મુકી અકસ્માત સર્જો છે. જેને લઇને સગીરના પિતા સુરેશ વસાવા વિરૂદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં તા.03-09-23ના રોજ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.