ભરૂચ: ભરૂચનો (Bharuch) નર્મદામૈયા બ્રિજ (Nardamaiya Bridge) પર ફરી એક મહિના માટે ટ્રાફિક ભારણ ઓછું કરવા મોટાં ભારેખમ વાહનો (Heavy Vehicles) પર રોક લગાવવામાં આવી છે. નાના-મોટા અકસ્માતો અટકાવવા માટે આ પગલું લેવું પડ્યું છે.નર્મદામૈયા બ્રિજ ભરૂચ-અંકલેશ્વર શહેરને જોડતો બ્રિજ હોવાથી ભરૂચ-અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરિયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રિજ પરથી પસાર થાય છે.વાહન ચાલકોની સમસ્યાઓથી છુટકારો મળે અને ખાસતો ભારે વાહનની આવાગમન ઉપરનો પ્રતિબંધ જળવાઈ રહે તે માટે તંત્રએ આ નિર્ણય લીધો હોવાનું સૂત્રો એ જણાવ્યું છે.
ભારે વાહનો ઉપર મુકવામાં આવ્યો પ્રતિબંધ
જાહેરનામાથી દિન-30 સુધી નર્મદામૈયા બ્રિજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેની મુદત વધારવી જરૂરી જણાતી હોય છે. ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર.ડી.સુમેરાએ સત્તાની રૂએ તા.6/11/2022ના રોજ રાત્રિના ૧૨ કલાકથી તા.5/12/2022 ના રોજ રાત્રિના 12 કલાક સુધી દિન-30 માટે નર્મદામૈયા બ્રિજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારનાં ભારે તથા અતિભારે વાહનો જેવાં કે ખાનગી બસ તથા એસ.ટી. બસ, તમામ પ્રકારનાં ભારે ટ્રકો, ટેમ્પો, ટેન્કરોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા હુકમ કર્યો છે. વધુમાં જાહેરનામામાંથી આપાતકાલીન સેવા માટેનાં વાહનો જેવાં કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડનાં વાહનોને મુક્તિ આપવામાં આવે છે. જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન થાય તો ફોજદારી ધારા હેઠળ શિક્ષાપાત્ર થશે.
નેત્રંગમાં અમરાવતી નદીની સામે સ્મશાનમાં જવા નાળું બનાવાશે
નેત્રંગ: નેત્રંગ નગરના ભાઠા કંપની વિસ્તારમાં અમરાવતી નદીના સામે કિનારે આવેલા આદિવાસી સ્મશાનગૃહમાં જવા માટે કોઇ જાતનું નાળું નહીં હોવાથી વર્ષોથી ડાઘુઓને નદીના પાણીમાં જીવના જોખમે સ્મશાનયાત્રા લઇને જવું પડતું હતું. આથી નેત્રંગના નવા મુકાયેલા મામલતદારે આદિવાસી પ્રજાની તકલીફોને ધ્યાન પર લઇ સ્થળ મુલાકાત કરી બંને બાજુ નદી પર નાળું મંજૂર કરાવતાં આદિવાસી પ્રજામાં આનંદની લાગણી ફરી વળી છે.નેત્રંગ નગરમાં બેથી ત્રણ સ્મશાન છે, જેમાં શ્રીજી ફળિયા પાસે રેલવે બ્રિજ પાસે અમરાવતી નદીના કિનારે બે અલગ અલગ જગ્યાએ બે સ્મશાન આવેલાં છે. જ્યારે ત્રીજું સ્મશાન ભાઠા કંપની વિસ્તારમાં અમરાવતી નદીના સામે કિનારે આવેલું છે. આ સ્મશાનગૃહમાં નગરના ભાઠા કંપની ફળિયા, નવી વસાહત, ફોકડી ગામ, વડપાન, કોસયાકોલાના લોકો તેમજ લાલમંટોડી વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો પોતાનાં સ્વજનોનાં અંતિમસંસ્કાર કરતા હોય છે.