ભરૂચ: 15મી ઓગસ્ટના (15 August) રોજ દેશ ભરમાં 77મા સ્વતંત્રતા પર્વની (Independence Day) ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ત્યારે દેશમાં ‘મેરી માટી, મેરા દેશ’ (Meri Mati, Mera Desh) અને ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) જેવા અનોખા અભિયાનના ભાગરૂપે દેશ આઝાદીના માહોલમાં રંગાઈ જ્યાં જુવો ત્યાં દેશપ્રેમ જોવા મળી રહ્યો હતો.
શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ દ્વારા તિરંગા રેલીઓ અને નારાઓથી વાતવરણ દેશ પ્રેમમાં રંગાયેલું જોવા મળ્યું હતું. ત્યારે 15મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશમાં સરકારી, અર્ધ સરકારી, શાળાઓ, નગરસેવા સદનો, પંચાયતો સહિતના સ્થળોએ રાષ્ટ્રધ્વજને આન બાન શાન સાથે ફરકાવવામાં આવ્યો હતો.
રાજ્યના વિવિધ શહેરોમાં નદીઓ પરના ઓવર બ્રિજને લાઈટોથી શણગારવામાં આવ્યા હતા. તો બીજી બાજુ ભરૂચમાં નવા બનાવેલા નર્મદા મૈયા બ્રિજ પર દેશના સ્વાતંત્ર દિને જ લાઈટો બંધ રહી હતી. જેના લીધે આ બ્રિજ અકસ્માત ઝોન બની ગયાના ભણકારા વાગી રહ્યા છે.
ભલે નર્મદા કિનારે અન્ય નવા પ્રોજેક્ટોને રાષ્ટ્રીય પર્વે ત્રિરંગા લાઈટથી રોશની કરી હોય તો પણ નર્મદા બ્રિજ અધંકારમય!
હજુ નવો બ્રિજ બન્યાને માંડ ગણતરીના વર્ષમાં લાઈટો બંધ થતાં વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. જો કે, બે વર્ષ પહેલા પણ લાઈટો બંધ રહેતા આખો મુદ્દો સંકલનમાં ઉભો થયો હતો. એમ આ વખતે 15મી ઓગસ્ટે ભલે નવા પ્રોજેક્ટોને ત્રિરંગા લાઈટોની રોશનીથી ઝળહળતા કરતા હોય પણ નિરંતર વાહનો પસાર થનારા નર્મદા બ્રિજ પર અંધારપટ્ટ છવાઈ ગયો હતો.
માંડ ચારેક વર્ષ પહેલા બનેલો નર્મદા મૈયા બ્રિજ 77માં સ્વાતંત્ર્ય દિને અંધકારના ગરકમાં આવ્યો છે. ભરૂચ–અંકલેશ્વર માટે નવો આકાર પામેલા નર્મદા મૈયા બ્રિજ પર ગણતરીના વર્ષમાં મુકાયેલી LED લાઈટ્સ બંધ થઈ ગઈ હતી. સ્વાતંત્ર દિને LED લાઈટો બંધ રહેતા ઘોર અંધકારથી વાહનચાલકોની હાલત કફોડી બની છે.
આ ઘટના પહેલી વખત નથી પણ ભૂતકાળમાં નર્મદા મૈયા બ્રીજ પર LED લાઈટ બંધ હોવાના લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. જો કે, ભવિષ્યમાં અંધારપટ્ટ છવાયેલું રહેશે તો અકસ્માતનો વણઝાર ચાલુ રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. નર્મદા મૈયા બ્રિજ કમસેકમ પ્રજા પ્રતિનિધિઓ જવાબદાર લોકોના કાન આમળવા જોઈએ તો આ પ્રશ્ન હલ કરવા એવી લોકમાંગ ઉભી થઇ છે.