અંકલેશ્વર: (Ankleshwar) ગુજરાત અને ભરૂચ જિલ્લામાંમાં (Bharuch District) કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી પરપ્રાંતિયો હવે વતનમાં ઉચાળા ભરવા લાગ્યા છે. દક્ષિણ અને ઉત્તર ભારતનાં વિવિધ શહેરોમાં જતી ટ્રેનોમાં (Train) 15મી જૂન સુધી રિઝર્વેશન ફુલ થઇ ગયું છે. ગત વર્ષે કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન વતનમાં પરત જવા માટે શ્રમિકોએ વેઠેલી હાડમારી આપ સૌને યાદ હશે. ગત વર્ષે વતનમાં પરત ગયેલા કેટલાય શ્રમિકો (Workers) રોજગારી માટે ગુજરાતમાં પરત ફર્યા છે. હવે કોરોનાની ઘાતક લહેર ચાલી રહી છે. ત્યારે લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે. કોરોના બેકાબૂ બની રહ્યો હોવાથી પરપ્રાંતિય શ્રમિકો પણ હવે તેમના વતનમાં પરત જવા આતુર બન્યા છે.
લોકડાઉનની દહેશત વચ્ચે ઉત્તર અને દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં 15મી જૂન સુધી રિઝર્વેશન ફુલ થઇ ગયાં છે. ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર, ઇન્જેક્શનઓની અછતની ઊભી થયેલી સ્થિતિ વચ્ચે વધતા કોરોનાના કેસોથી હવે જો સ્થિતિ કન્ટ્રોલમાં ન આવે તો ફરી લોકડાઉન લદાવાની દહેશત લોકોમાં ફેલાય છે. ગત વર્ષે લોકડાઉનમાં ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 35 વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવી 45,000થી વધુ પરપ્રાંતિયોને વતન રવાના કરાયા હતા.
ભરૂચ હાઇવે પરથી ચાલતા તેમજ જે વાહનો મળે તેમાં સવાર થઈ વતન જવા માટે ઊમટી પડેલા શ્રમિક પરિવારોનો પલાયનનો આંક તો ગણી શકાય તેમ ન હતો. ગત વર્ષની જેમ દોડધામ ન કરવી પડે એ માટે શ્રમિકો પાણી પહેલા પાળ બાંધી રહ્યા છે. ભરૂચ-અંકલેશ્વર, વડોદરા, સુરતથી પસાર થતી બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત સાઉથની સ્પેશિયલ ટ્રેનોમાં રિઝર્વેશન 15 જૂન સુધી ફુલ થઈ ગયું છે. ઉત્તર ભારત અને સાઉથની ટ્રેનોમાં ભરૂચ-અંકલેશ્વરથી જ વેઇટિંગનો આંકડો આગામી 52 દિવસ સુધી 48 થઈ લઈ 133થી વધુનો થઈ ગયો છે.