ભરૂચ: ભરૂચના (Bharuch) કંથારિયા ગામની ૨૫ વર્ષીય પરિણીતાએ પતિ અને સાસુ શારીરિક-માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા હોવાની ફરિયાદ મહિલા (Mahila) પોલીસમથકે (Police) નોંધાવી હતી.કંથારિયા ગામે પાકીઝા પાર્કમાં રહેતાં અસ્માબેનનાં લગ્ન સફવાન ભરૂચી સાથે અઢી વર્ષ પહેલાં થયાં હતાં. તેમને સંતાનમાં બે વર્ષની દીકરી અલીશા છે. પોતાનો પતિ સાસુ નઝમાબેનની ચઢામણીમાં મારઝૂડ કરી ત્રાસ આપતો હતો. અંતે પતિ સફવાને કહ્યું કે, “આ દીકરી પોતાની નહીં હોવાનું જણાવીને તેનું ડીએનએ ટેસ્ટ (DNA Test) કરાવ તો રહેવા દઉં અને તું બીજાં લગ્ન કરી લે તેમ કહેતો હતો.
સાસુ દીકરાના બીજાં લગ્ન કરાવું કહી હેરાનગતિ કરતી હતી
સાસુ પણ તું જતી રહે તો મારા દીકરાના બીજાં લગ્ન કરાવું કહી હેરાનગતિ કરતી હતી. જો કે, અગાઉ પતિના મોબાઈલમાં પરિણીતાએ બીભત્સ ફોટા અને વિડીયો અન્ય સ્ત્રી સાથે જોઈ લેતાં એ વાત કહેતાં ઉશ્કેરાઈને મારઝૂડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ તેણીના પિતા ઉપર વાહન ચઢાવી દેવાનું કહેતાં આખરે કંટાળીને પરિણીતાએ ભરૂચ મહિલા પોલીસમથકે પતિ અને સાસુ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
દિવાળી પર્વે વીજળીવિહોણા ૭૯ ઘરમાં અજવાળું
સુરત: રાજ્ય સરકારના કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે દિવાળી પર્વની ઉજવણી વિકસિત સભ્ય સમાજના લોકો સાથે કરવાના બદલે જંગલ વિસ્તારના પેજ કમિટીના સભ્યો અને પરિવારજનો સાથે કરી હતી. જ્યારે ઊર્જા મંત્રી એટલેથી ન અટકતાં તેમણે દિવાળી પર્વના દિવસે જ ૭૯ જેટલાં વીજળીવિહોણા ઘરોમાં રહેતી ગરીબ ઘરની મહિલાઓના હસ્તે વીજ લાઈટના બલ્બ પ્રગટાવ્યા હતા. જેના પગલે વર્ષોથી અંધકારમાં જીવતા પરિવારજનોનું વીજળીનું સપનું પૂર્ણ થતાં હવે તેઓના જીવનમાં કાયમી રોશની પ્રગટતાં પરિવારની આંખલડી હર્ષના અશ્રુથી ભીંની થઈ ગઈ હતી.
પરિવારજનો દિવાળીનો પર્વ રોશનીથી ઊજવી શકે
પ્રાપ્ત વિગત મુજબ રાજ્ય કક્ષાના કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાના મંત્રી મુકેશભાઈ પટેલ દીપાવલીના પર્વની ઉજવણી માટે સોમવાર, તા.૨૪ના રોજ રાજ્યના બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક જંગલ વિસ્તારના રાણપુર, આંબા ફળિયા ગામે પહોંચ્યા હતા. ઊર્જા મંત્રી મુકેશભાઈ પટેલે ગામમાં રહેતા ભાજપ પેજ કમિટીના સભ્ય રામાભાઇ તથા કાંતિભાઈના નિવાસ સ્થાને તેમણે શુભેચ્છા મુલાકાત લીધી હતી. દરમિયાન પેજ કમિટીના સભ્યોએ તેમને રજૂઆત હતી કે, જંગલ વિસ્તારનાં જે ઘરો છે, તેમાં વર્ષોથી વીજળી ન હોવાથી આ પરિવારજનો આજે પણ અંધકારમય જીવન જીવી રહ્યા છે. જેથી આ વિસ્તારના અંદાજીત ૧૫૦થી પણ વધારે ઘરોમાં જો સરકારી તંત્ર તાકીદે વીજળી પહોંચાડવાનું કામ કરે તો આ પરિવારજનો દિવાળીનો પર્વ રોશનીથી ઊજવી શકે.
વીજ પુરવઠો શરૂ કરવામાં સફળ રહ્યા છે: ઊર્જા મંત્રી મુકેશભાઈ પટેલે
જેના પગલે કૃષિ, ઊર્જા મંત્રી મુકેશભાઈ પટેલે તાકીદે ઊર્જા વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરી આ ઘરોમાં વીજળી પહોંચાડવા જરૂરી સૂચનાઓ આપી હતી. જેના પગલે વીજ તંત્રએ ત્વરિત કામગીરી હાથ ધરી ખૂબ જ ટૂંકા દિવસોમાં ૭૯ જેટલાં ઘરોમાં વીજ પુરવઠો શરૂ કરવામાં સફળ રહ્યા છે. ઊર્જા મંત્રી મુકેશભાઈ પટેલે સોમવાર, તા.૨૪ના રોજ પ્રકાશ પર્વ દિવાળીના શુભ દિવસે પ્રથમ તબક્કામાં ૭૯ જેટલાં ઘરોની મહિલાઓના હસ્તે લાઈટના બલ્બ પ્રગટાવ્યા હતા. જ્યારે ઊર્જા મંત્રી મુકેશભાઈ પટેલે વીજ લાભાર્થીઓ તથા ભાજપ પેજ કમિટીના સદસ્યો અને તેના પરિવારજનો સાથે દીપાવલીના પાવન પર્વની ઉજવણી મીઠાઈ વહેંચી કરતાં તેઓમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી.