ભરૂચ: (Bharuch) દક્ષિણ ગુજરાતમાં નામનાપ્રાપ્ત કલામંદિર જ્વેલર્સમાં (Kala Mandir Jewelers) બબ્બે વખત નકલી સોનાનાં બિસ્કિટો પધરાવી ચૂનો ચોપડનાર બે ભેજાબાજો ત્રીજી વખત પણ ઠગાઈ કરવા જતાં સુરત ખાતેના કલા મંદિર ખાતેના કલામંદિર જ્વેલર્સ ખાતે ઝડપાઈ ગયા હતા. ભરૂચના કલામંદિર ખાતે પણ ઠગાઈ થઈ હોવાના પગલે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ અને સુરતમાં કલામંદિર જ્વેલર્સને બે રાજસ્થાની ભેજબાજોએ 20 દિવસમાં બે વખત નિશાન બનાવ્યું હતું. જો કે, ત્રીજી વખત સુરત ખાતે તેઓ ફરીથી સોનાના નકલી 4 બિસ્કિટ વેચવા જતા ઝડપાઇ ગયા હતા.
રાજસ્થાની ભેજાબાજો સુરતમાં (Surat) કલામંદિર જ્વેલર્સમાં નકલી સોનાના બિસ્કિટ વેચવા જતાં સુરતની ઉમરા પોલીસે (Police) મૂળ રાજસ્થાન (Rajasthan) અને હાલ સેલવાસા રહેતા ઠગ ગોટુ લાલ પ્રભુજી ગુર્જર અને કિશનલાલ છગનલાલ ગુર્જરની ધરપકડ કરી હતી. ભરૂચ કલામંદિરમાં પણ 8 નવેમ્બરે આ બંને ભેજાબાજ સોનાનાં 4 નકલી બિસ્કિટ લઈ વેચવા આવ્યા હતા. જેની સામે સોનાની 4 તોલાની ચેઇન ખરીદી હતી.
આ અગાઉ 4 નવેમ્બરે સુરતની કલામંદિર જ્વેલર્સ ખાતે સોનાનાં 4 બિસ્કિટ વેચી આ ભેજાબાજો સોનાની અસલી ચેઇન ખરીદી પલાયન થઈ ગયા હતા. દરમિયાન ભરૂચ ખાતેના શો-રૂમમાં પણ આ જ રીતે કસબ અજમાવ્યા બાદ આ બિસ્કિટ સુરત મોકલાતાં તે નકલી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બંને રાજસ્થાની ઠગોએ ત્રીજી વખત 23 નવેમ્બરે ફરી સુરતમાં કલામંદિર જ્વેલર્સમાં 4 નકલી બિસ્કિટ વેચવા ફેરો માર્યો હતો. જો કે, તેઓ આ વખતે પકડાઈ જતા ઉમરા પોલીસને હવાલે કરાયા હતા. જે બાદ ભરૂચ કલામંદિરના બ્રાન્ચ મેનેજર રોનીશ ખાબિયાએ એ-ડિવિઝન પોલીસમથકે બંને ભેજાબાજો સામે સોનાના નકલી 4 બિસ્કિટ પધરાવી રૂ.1.90 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
ઘોડદોïડ રોડ સ્થિત આવેલ કલામંદિર જવેલર્સમાં તા. 4 નવેમ્બરના રોજ સેલવાસના સમારવાડી પ્રમુખ નક્ષત્ર સોસાયટીમાં રહેતો ગોટુલાલ પ્રભુજી ગુર્જર તેમજ કિશનલાલ છગનલાલ ગુર્જર આવ્યા હતા. આ બંનેએ સ્ટાફના માણસો સાથે દાગીના જોઇને તેઓને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં બંનેએ ચાર સોનાની બિસ્કીટ હોવાનું કહીને તેની સામે ચેઇન ખરીદવાનું જણાવ્યું હતું. સ્ટાફના માણસોને ગોટુલાલ અને કિશનલાલએ ચાર બિસ્કીટ પણ બતાવ્યા હતા. બાદમાં તેઓને વિશ્વાસમાં લઇને રૂા. 2 લાખની કિંમતના 22 કેરેટની 40 ગ્રામ સોનાની ચેઇન જોવા માટે કહ્યું હતું. ચાર બિસ્કીટની સામે બંનેએ 2 લાખની ચેઇન ખરીદીને બિસ્કીટ આપ્યા બાદ તેઓ નીકળી ગયા હતા. બંને યુવકો બહાર ગયા બાદ જ્વેલર્સમાં બિસ્કીટ ચેક કરવામાં આવતા ચારેય બિસ્કીટ ડુપ્લીકેટ નીકળી હતી.