ભરૂચ: ભરૂચના ભોલાવમાં આવેલી ટ્રાન્સફોર્મર કંપનીમાં નોકરી ઉપર રહેલી બે સંતાનની વિધવા માતા ઉપર વિધર્મી શખ્સે ધસી આવી સુપરવાઇઝરને બહાર બોલાવ તેવી ધમકી આપી મહિલાને માર માર્યો હતો. આ સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસમથકે પહોંચતાં પોલીસે વિધર્મી યુવક વિરુદ્ધ છેડતી, જાનથી મારી નાંખવાની ધમકી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
ભરૂચ સી ડિવિઝન પોલીસમથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વિધવા મહિલા ભરૂચના ભોલાવની તુષાર ટ્રાન્સફોર્મર કંપનીમાં નોકરી કરે છે. અને તે નોકરી ઉપર હતી. એ દરમિયાન તેના વિધર્મી મિત્રએ આવીને સુપરવાઇઝરને બોલાવ કહી ભારે હોબાળો મચાવ્યો હતો. વિધર્મી શખ્સે વિધવા મહિલાને કંપનીની બહાર જ લાફાવાળી કરી તેનો હાથ ખેંચી તેણીને તમાચા માર્યા હતા. જેના કારણે કંપનીમાં ખળભળાટ મચી ગયો હતો. કંપની સત્તાધીશોએ સમગ્ર ઘટનાની જાણ 181 અભયમને કરતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં. વિધવા મહિલા જ્યાં નોકરી કરતી હતી તે કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં હારૂન હુસેન રજાક નામનો શખ્સ વિધવા મહિલા તે કંઈ બોલે તે પહેલાં તેને તમાચા મારવા લાગ્યો અને ત્યાંથી તેનો ગુસ્સો ન અટકતાં વિધવા મહિલાને તેનો હાથ ખેંચી તેને તમાચા મારી રહ્યો હોવાની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
વિધવા મહિલાને માર મારતાં સીસીટીવી ફૂટેજ સામે આવતાં સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસમથકે પહોંચ્યો હતો અને વિધવા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં શખ્સ હારૂન હુસેન રજાક સામે છેડતી, માર મારી જાનથી મારી નાંખવાની ધમકી તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હારૂન હુસેન રજાકને ઝડપી પાડ્યો હતો.
સોળસુંબામાં ચોરીની શંકા રાખી યુવાનને પતાવી દેનારા બે બિલ્ડરો પકડાયા
ઉમરગામ : ઉમરગામના સોળસુંબામા ચોરીની શંકા રાખી એક અજાણ્યા યુવાનને માર મારી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી બિલ્ડર અભિષેક નાયક અને સદાશિવ ઉર્ફે અન્ના શેઠ બે મહિના પછી પોલીસને હાથ લાગ્યા છે. પોલીસે આ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પ્રાપ્ત પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના સોળસુંબા પૂર્વ વિસ્તારમાં દિપમ એવન્યુ નવી બંધાઈ રહેલી બિલ્ડિંગ કન્ટ્રક્શન સાઇટ ઉપર એક અજાણ્યા ઈસમે વાયરની ચોરી કરતા વોચમેને પકડી પાડ્યો હતો. ત્યારબાદ વોચમેન અને બિલ્ડીંગના માલિક અભિષેક નાયક અને સદાશિવ ઉર્ફે અન્ના શેઠ નાયરે આ અજાણ્યા ઇસમને ગ્રાઉન્ડ ફ્લોરમાં લોખંડના થાંભલા સાથે બાંધી વારાફરથી લાકડાથી માર મારતા ગંભીર ઇજાના લીધે આ અજાણ્યા યુવાનનુ મોત થયું હતું. આ બનાવ સંદર્ભે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો.
આ હત્યાના ગુનાની તપાસ ઉમરગામ પોલીસ સ્ટેશનના પી.આઇ મહેશભાઈએ હાથ ધરી હતી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી વોચમેન ચંદન બલિન્દર ડાવરેની ગણતરીના સમયમાં જ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે બિલ્ડર અભિષેક નાયક અને સદાશિવ ઉર્ફે અન્ના શેઠ નાયર નાસી છૂટ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૨ માં આ ઘટના બની હતી. આરોપી બિલ્ડરો છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી નાસતા ભાગતા હતા. જે આખરે પકડાયા છે. ઉમરગામ પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના સોમવાર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.