ભરૂચ: (Bharuch) સમગ્ર ગુજરાતમાં હાર્ટ એટેકથી (Heart Attack) અનેક યુવકોનાં મોત થઈ રહ્યાં છે, જેમાં ભરૂચ જિલ્લાના પાલેજ ગામે એસટી બસમાં મુસાફરી કરી રહેલા પરપ્રાંતીય મુસાફરને અચાનક ચક્કર આવતાં તે ચાલુ બસે જ ઢળી પડ્યો હતો. આથી બેભાન હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં પાલેજ આરોગ્ય કેન્દ્રમાં ખાતે લઈ જવાયો હતો. જ્યાં સારવાર પહેલાં જ મોત થયું હતું. આ યુવકનું હૃદય રોગના હુમલાના કારણે મોત નીપજ્યું હોવાનું તબીબનો પ્રાથમિક અહેવાલ છે.
- સુરતથી ઝાલોદ જતી બસમાં હૃદય રોગનો હુમલો આવતાં રાજસ્થાનના યુવાનનું મોત
- પાલેજ નજીક બનેલી ઘટના, બેભાન થઈ જતાં યુવાનને સારવાર માટે ખસેડાયો, પણ તબીબે મૃત જાહેર કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના જીવાડુંટા ગામના રહેવાસી ૪૦ વર્ષીય દિનેશભાઈ વરસીંગ પટેલ બુધવારે સવારે સુરતથી ઝાલોદ જવા માટે એસટી બસમાં બેઠા હતા. એસટી બસ ભરૂચના પાલેજ ગામે પહોંચી હતી. એ વેળા અચાનક દિનેશભાઈને ચક્કર આવતાં તે બેહોશ થઈ બસમાં જ ઢળી પડ્યો હતો. આથી અન્ય મુસાફરો દિનેશભાઈની મદદે દોડી આવ્યા હતા. અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. બેહોશ દિનેશભાઈને સારવાર અર્થે પાલેજ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઢળી પડેલા દિનેશભાઈને સારવાર મળે એ પહેલાં જ દમ તોડી દેતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.