ભરૂચ: ગુજરાત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ જતા ચાલુ ટ્રેને ઉતરવા જતી મહિલા ભરૂચ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી હતી. પશ્ચિમ રેલ્વેના ભરૂચ સ્ટેશન પર ફરજ પરની મહિલા કોન્સ્ટેબલ રોશની સિંઘે પોતાની ચપળતા અને તત્પરતા બતાવી ચાલતી ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં ટ્રેનમાંથી પડી ગયેલી મહિલા મુસાફરને બહાર કાઢી અને તેનો જીવ બચાવ્યો છે.
વડોદરા ડિવિઝનના વિભાગીય સુરક્ષા કમિશનર રામશંકર સિંઘે જણાવ્યું કે, ભરૂચમાં પ્લેટફોર્મ ડ્યુટી પર તૈનાત રોશની સિંઘે જોયું કે એક મહિલા મુસાફર ટ્રેન નં. ૨૨૯૫૩ ગુજરાત એક્સપ્રેસમાંથી દોડતી ટ્રેનમાંથી ઉતાવળમાં ઉતરતી વખતે પગ લપસવાને કારણે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી. ત્યારબાદ રોશની સિંહે તરત જ દોડીને તેણીને બહાર કાઢી હતી અને તેનો જીવ બચાવ્યો હતો.
ડિવિઝનલ રેલ્વે મેનેજર જિતેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે, રોશની સિંઘે ઓપરેશન જીવન રક્ષા અંતર્ગત ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવીને એક મહિલા મુસાફરનો જીવ બચાવીને માનવીય પહેલ કરી છે. અમને આવા કર્તવ્યનિષ્ઠ અને હિંમતવાન RPF રેલવે કર્મચારીઓ પર ગર્વ છે. તેમણે કહ્યું હતું કે તેઓ રોશની સિંઘને યોગ્ય સ્તરે પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરશે.