ભરૂચ: (Bharuch) અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતા ગ્રાહક યુવાને એમેઝોનમાંથી મંગાવેલું પાર્સલ (Parcel) નહીં આવતાં આખરે ફોન કરવાની નોબત આવી હતી, જેમાં ઠગબાજે તરકટ અપનાવીને વાતોમાં વ્યસ્ત રાખીને ખાતામાંથી રૂ.83 હજાર ઓનલાઇન (Online) તફડાવી લીધા હતા. પૈસા ખાતામાંથી ગાયબ થતાં સ્તબ્ધ થઈ ગયો હતો.
- અંકલેશ્વરમાં ઓનલાઇન પાર્સલ નહીં આવતાં ગ્રાહકે રિફંડ માટે સંપર્ક કર્યો તો રૂ.83 હજાર ઉપડી ગયા
- અક્ષય લાખીયાએ એમેઝોન પરથી રૂ.650નો ડાયપર પેકેટ ઓર્ડર કર્યો હતો, કસ્ટમર કેરનો નંબર મેળવતાં ઓનલાઇન ઠગાઈ
અંકલેશ્વર GIDCમાં રહેતા અક્ષય લાખીયાએ એમેઝોન પરથી રૂ.650નો ડાયપર પેકેટ ઓર્ડર કર્યો હતો. 2 દિવસ થવા છતાં પાર્સલ નહીં આવતાં તેણે એમેઝોન કસ્ટમર કેરનો નંબર શોધી કાઢી ફોન કરતાં પહેલાં તો વ્યસ્ત આવતો હતો. બાદ ફરી ફોન કરતાં કસ્ટમર કેરમાં લાગ્યો હતો. એ વેળા તેઓ પાર્સલ અંગે વાત કરતાં તમારું પાર્સલ નથી આવ્યું તો રૂપિયા રિફંડ જોઈએ તો ઓનલાઇન રિફંડ કરી આપવાનું ઠગબાજે કૂટનીતિ અપનાવી હતી.
ભેજાબાજે ફોન પર વાતચીત દરમિયાન ‘રૂપિયા પરત કર્યા છે, તમે ઓનલાઇન બેલેન્સ ચેક કરી લો’ કહેતા જ ગ્રાહક ફરિયાદીએ બેંક ખાતાની તપાસ કરતાં SBI અને HDFC બેંકના ખાતામાંથી ઊલટું થઈ ગયું. બંને ખાતામાંથી રિફંડની જગ્યાએ રૂ.83 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. આ ભેજાબાજ ગઠિયાએ 3 વખત રૂપિયા ઉપાડી લીધા હતા. આ બનાવ બાદ ગભરાયેલા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ તો પોલીસે અરજી લઇ આગળની તપાસ શરૂ કરી છે. જો કે, એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ અક્ષય લાખીયાને તેમના રૂપિયા પરત મળ્યા ન હતા.