ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં શ્રીજી ઉત્સવ ધૂમધામપૂર્વક ઉજવાઈ (Celebrate) રહ્યો છે. ત્યારે દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને વિદાય આપવા માટે તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે, જેમાં નર્મદા નદીમાં (Narmada River) શ્રીજીનું વિસર્જન ન કરવા અંગેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ભરૂચમાં ૪ સ્થળે શ્રીજી વિસર્જન માટે જળકુંડ ઊભાં કરવામાં આવ્યાં છે. જેનું સ્થળ નિરીક્ષણ કરવા સાથે શ્રીજી વિસર્જનના રૂટ ઉપરનું પણ નિરીક્ષણ તંત્રના અધિકારીઓએ કર્યું હતું.
ભરૂચ નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન અંગે કૃત્રિમ તળાવની કામગીરી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કૃત્રિમ તળાવમાં મંડળો તેમજ ઘરમાં પ્રસ્થાપિત ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં અપીલ કરાઈ હતી. ગણપતિ વિસર્જનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભરૂચ નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા અને વહીવટી તંત્ર તેમજ ગણેશ મંડળો અને આયોજકો તથા પોલીસ વિભાગની મળેલી બેઠકમાં ગણપતિ વિસર્જન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિસર્જન સમયે ધસારો ન થાય તે માટે નગરપાલિકા દ્વારા મોદીપાર્ક નજીક એક મોટો જળકુંડ જ્યારે બીજો નાનો એમ ૨ જળકુંડ, મકતપુર-નારાયણ હોસ્પિટલના પાછળના રોડ પર ૧ તથા ઝાડેશ્વર વિસ્તારમાં ગાયત્રી મંદિર જવાના રોડની બાજુમાં ૧ એમ ચાર કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કૃત્રિમ તળાવમાં ઘરોએ પ્રસ્થાપિત અને પંડાલમાં પ્રસ્થાપિત ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, પોલીસ વિભાગના એ.એસ.પી. વિકાસ સુંડા, પ્રાંત અધિકારી યુ.એન.જાડેજા, મામલતદાર સહિત કલસરિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન અનુસરણ કરી પાલિકા દ્વારા જળકુંડ તેમજ ઊભાં કરવામાં આવેલા તળાવમાં વિસર્જન કરવામાં આવે તેવી અપીલ કરી હતી.
જો કે, ભરૂચમાં કેટલાક મંડળો દ્વારા ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. જેમણે વહીવટી તંત્ર પાસે માંગ કરી હતી કે ઈકો ફ્રેન્ડલી મૂર્તિથી નદી પ્રદૂષિત થતી નથી. જેના કારણે નદીમાં મૂર્તિનું વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સનાતન હિંદુ ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રકાશ કાયસ્થ અને મંડળોએ કરી હતી.
ડાંગમાં ગૌરી ગણેશજીની પ્રતિમાઓનું છઠ્ઠા અને સાતમાં દિવસે ભારે હૈયે વિસર્જન
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ગણેશઉત્સવ નિમિત્તે દરેક ગામોમાં શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરાયુ છે. ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં ભાવિક ભક્તો દ્વારા છઠ્ઠા અને સાતમાં દિવસે ગુલાલની છોળો ઉડાવી ગણપતિ બાપાની જય જય કાર સાથે બાપા મોરિયા રે પૂઢચ્યા વર્ષી લવકર યાનાં નારા સાથે ગણપતિ બાપાની પ્રતિમાને ભારે હૈયે નદીઓમાં વિસર્જન કર્યુ હતુ. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ભાવિક ભક્તો અને ગણેશ મંડળો દ્વારા છઠ્ઠા અને સાતમાં દિવસે શ્રીજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરતા કોઈ અનિશ્ચિનિય બનાવ બન્યો ન હતો.