ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે 1263 શ્રીજીની મૂર્તિની (Ganesh Statue) સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં 4 અને અંકલેશ્વરમાં (Ankleshwar) 3 કૃત્રિમ તળાવ (Lake) વિસર્જન માટે બનાવ્યાં હતાં. ભરૂચ શહેરમાં વિસર્જન ટાણે બપોરે બપોરે 2.30થી 2.40 કલાકની આસપાસ 10 મિનીટમાં 10 મીમી વરસાદ થયો હતો.
- ભરૂચ શહેરમાં 4 અને અંકલેશ્વરમાં બનાવાયેલાં 3 કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું
- ગણેશ વિસર્જનના દિવસે ૧૧૦૦ પોલીસકર્મી, ૧૦૦૦ હોમગાર્ડ, ૨ એસઆરપી જવાનોની કંપની ગોઠવાઈ
ભરૂચમાં સિવિલ રોડ, જે.બી. મોદી પાર્ક અને મકતમપુરમાં 3 કૃત્રિમ કૂંડ વિસર્જન માટે બનાવાયાં હતાં. કોરોનાના કહેર વચ્ચે શહેરના નીલકંઠેશ્વર, કુકરવાડા, ઝાડેશ્વર, દશાન, ભાડભૂત, કબીરવડ ખાતે પોલીસ બંદોબસ્ટ ગોઠવી નદીમાં વિસર્જન નહીં કરવાનું ચુસ્ત પાલન કરાવાયું હતું. છતાં કેટલાય ભક્તો અને મંડળોએ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન તવરા, શુકલતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર, ભાડભૂત સહિત અંકલેશ્વર, ઝઘડિયાના નદી કાંઠા ખાતે કર્યું હતું. ભરૂચ શહેર અને તાલુકામાં અંદાજે ૪૦૦ અને અંકલેશ્વરમાં અંદાજે ૩૩૦ સહિત આખા ભરૂચ જિલ્લામાં ૧૨૬૩ ગણેશ સ્થાપન કર્યું હતું. ગણેશ વિસર્જનના દિવસે ૧૧૦૦ પોલીસકર્મી, ૧૦૦૦ હોમગાર્ડ, ૨ એસઆરપી જવાનોની કંપની, ૫ ડીવાયએસપી, ૧૫ પીઆઈ, ૪૫ પીએસઆઈ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો હતો.
અંકલેશ્વરમાં પાલિકા દ્વારા 2 કૃત્રિમ કૂંડ બનાવાયાં હતાં. જ્યારે નોટિફાઇડ એરિયા DPMC દ્વારા અંકલેશ્વરમાં 2 અને પાનોલીમાં 1 કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું હતું. સાંજ સુધીમાં ભરૂચ અને અંકલેશ્વરનાં 8 કૃત્રિમ કૂંડોમાં શ્રીજીની 4000થી વધુ પ્રતિમાઓનું નિર્વિઘ્ને વિસર્જન પાર પડાયું હતું. તેમજ ઝઘડિયા પંથકના ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા, પાણેથા, ધારોલી, રાણીપુરા, ગોવાલી, ઉચેડિયા, અશા, જેસપોર, ભાલોદ જેવાં મોટાં ગામડાં ઉપરાંત તાલુકાના દરેક શેરી મહોલ્લાના ભક્તોએ ભારે હૈયે શ્રીજીને વિદાય આપી હતી.
તાપી જિલ્લામાં ૫૦૦થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન
વ્યારા: તાપી જિલ્લામાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જનના ફતવાને લઈ લોકોની કોઈ ભીડ જોવા મળી ન હતી. વ્યારા નગર પાલિકાએ ખટાર ફળિયામાં, જ્યારે સોનગઢ નગર પાલિકાએ દેવજીપુરામાં કૃત્રિમ તળાવો બનાવ્યાં હતાં. આ બંને તળાવમાં, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ઓવારાઓમાં આશરે ૫૦૦થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.
દસ દિવસ સુધી બાપાની પૂજા, અર્ચના, આરતી બાદ ભક્તોએ આજે અશ્રુભીંની આંખે બાપાને વિદાય આપી હતી. સમગ્ર શહેરી અને ગ્રામીણ રસ્તાઓ પર અબીલ ગુલાલની ચાદર પથરાઇ હતી. ઢોલ-નગારાં સાથે બાપ્પાની રોજ સવારે આરતી કરી, ગણેશ પંડાલ ગજવ્યા બાદ બાપ્પાના સાંનિધ્યમાં ગરબાના રંગ જમાડવા સાથે આજથી ફરી ગણેશમય માહોલથી ભક્તો વિખૂટા પડ્યા હતા. વિસર્જનને લઈ ઓવારાઓ-કૃત્રિમ તળાવો પર ભારે સુરક્ષા ગોઠવી દેવાઈ હતી. ગણેશ વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય ઘટનાઓનું નિર્માણ ન થાય એ માટે સોનગઢ સહિતનાં સંવેદનશીલ મથકો પર કડક સુરક્ષા ગોઠવી દેવાઈ હતી.