ભરૂચ: (Bharuch) ભરૂચ ક્રેડાઈ પ્રમુખ રોહિત ચદરવાલા, મનોજ હરિયાણી સહિત અમદાવાદ અને કરજણના ૬ બિલ્ડર (Builder) સામે કરજણના બિલ્ડરો રૂ.૭ કરોડની છેતરપિંડી (Fraud) અને વિશ્વાસઘાતના ગુના સાથે જાનથી મારી નાંખવાની ધમકીની (Treat) ફરિયાદ આપતાં બાજુના જિલ્લામાં આવેલા કરજણ પોલીસ મથકે (Police Station) નોંધાવી છે.
- રૂ.૭ કરોડની છેતરપિંડી મામલે ભરૂચ ક્રેડાઇના પ્રમુખ સહિત ૬ બિલ્ડર સામે ફરિયાદ દાખલ
- ભરૂચના બે બિલ્ડર સહિત અમદાવાદ, કરજણના બિલ્ડરો સામે વિશ્વાસઘાત અને જાનથી મારી નાંખવાની ધમકીની કરજણ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ
અનુપમ બાલુભાઈ પટેલે (રહે.,કંબોલા) કરજણ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા છે. વર્ષ-૨૦૧૧માં ભરૂચના બિલ્ડર જસુ પટેલ અને રેમન્ડના રાજનભાઈ પરિચિત હોવાથી સંપર્ક ભરૂચના બિલ્ડર રોહિત ચદરવાલા સાથે કરાવ્યો હતો. રોહિત ચદરવાલાની ઝાડેશ્વરની ૧૧.૦૭ એકર જમીન ડેવલોપ કરવા માટે અનુપમ પટેલ સાથે કરજણ મીટિંગ કરાવી પ્રતિ એકરે ૪.૧૭ કરોડ દીઠ કુલ રૂ.૪૬ કરોડમાં સોદો કરીને કરાર કર્યો હતો. આ જમીન ૨૦૦૯-૧૦માં ભરૂચના બિલ્ડર મનોજ હરિયાણીએ વેચાણે લીધા બાદ પાછળથી રોહિત ચદરવાલાએ ખરીદી કરી હતી. બાકીના ૩૭ કરોડ જમીન N.A. અને ટાઈટલ ક્લીયર બાદ ૨૮ મહિનાની મુદતે આપવાનું નક્કી થયું હતું.
આ જમીનમાં ભાગીદારી તરીકે દીપક પટેલ, જશુ પટેલ, હરદેવ વ્યાસ અને કરજણના ઈશ્વરસિંહ પરમાર નક્કી તો થયું પણ જશુ પટેલ અને ઈશ્વરસિંહ પરમાર વચ્ચે તકરાર થઇ હતી. જેથી જશુ પટેલે પોતાનો ૧૫ ટકા હિસ્સો પરત લઇ લેતાં આખરે ફરિયાદીએ માર્કેટમાંથી બે કરોડ લઇ પોતાના ભાઈને ભાગીદાર તરીકે સામેલ કર્યો હતો.
ભરૂચના ઝાડેશ્વરની ક્રીમ એરિયામાં આવેલી ૧૧.૭ એકર જમીનનો સોદો ૨૦૧૪માં ભરૂચના મનોજ હરિયાણીએ કરજણના ઈશ્વરસિંહ પરમાર સાથે કર્યો હતો. જેમાં રોહિત ચદરવાલાએ બાનાખતમાં સાક્ષી તરીકે સહી કરી હતી. આ જમીનમાં અગાઉ સાંઈ હરી રેસિડેન્સી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. છતાં ફરીથી સર્જનમ રેસિડેન્સીના નામે નવો પ્રોજેક્ટ શરૂ કરી તેમાં મકાનોનાં બુકિંગ અને બાંધકામની કામગીરી શરૂ તો કરી પણ કેટલીક ક્ષતિને કારણે ભરૂચ કલેક્ટરે રૂ.૨ કરોડનો દંડ ફટકાર્યો હતો.
આ પ્રકરણમાં ફરિયાદી અનુપમ પટેલે પોતાના રૂ.૭ કરોડની વારંવાર ઉઘરાણી કરતાં રોહિત ચદરવાલા સહિત ૬ બિલ્ડરે હાથ ઊંચા કરી સામે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે ફરિયાદીએ ભરૂચના મનોજ હરિયાણી, રોહિત ચદરવાલા, ઈશ્વરસિંહ પરમાર, કૌશલ પટેલ, ભવાન પટેલ અને નિકુંજ ભટ્ટ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો રેલો કરજણ પોલીસે હાથ ધરી છે.