ભરૂચ: ભરૂચ (Bharuch) દહેજ સ્ટેટ હાઇવે 6 ઉપર રૂપિયા 420 કરોડના ખર્ચે ફોરલેન (Fourlane) 3.5 કિલોમીટર લાંબો કોરિડોર (Corridor) બને તે પહેલાં જ વિરોધ અને વિવાદ સર્જાયો છે.ભરૂચ-દહેજ માર્ગ ઉપર જંબુસર ચોકડીથી, શ્રવણ ચોકડી થઈ, નંદેલાવ બ્રિજ અને એબીસી સર્કલ સુધી શહેરનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો એલિવેટેડ બ્રિજ 26 ઓક્ટોબરે જ મંજૂર થયો છે.દહેજ બાયપાસ ઉપર જંબુસર, શ્રવણ, નંદેલાવ, એબીસી સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકારે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતની રજૂઆતોને ધ્યાને લઇ રૂપિયા 420 કરોડનો ફોરલેન એલિવેટેડ કોરિડોર મંજૂર કર્યો છે. ચૂંટણી પૂર્ણ થતાં જ આ એલિવેટેડ કોરિડોરના નિર્માણની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જેનો કોન્ટ્રાક્ટ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા.ને અપાયો છે. જો કે, કોન્ટ્રાક્ટર કંપની દ્વારા શ્રવણ ચોકડી નજીક આવેલી વેદાંત સોસાયટીની બાજુમાં ખેતર ભાડે લઈ આરએમસી પ્લાન્ટ નાંખવાની કામગીરી શરૂ કરાતાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે.
આરએમસી પ્લાન્ટ નાંખવાની કામગીરીને લઈ લોકોમાં રોષ
ભરૂચ-દહેજ માર્ગ ઉપર વાહનોની અવરજવરને પગલે શ્રવણ ચોકડી ઉપર વારંવાર ટ્રાફિકજામની પરીસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા એલિવેટેડ બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. જે બ્રિજની કામગીરી શરૂ થાય એ પહેલાં જ શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી વેદાંત સોસાયટી નજીક મિક્સર પ્લાન્ટ નાંખવાની કામગીરી થતાં જ વિરોધનો વંટોળ ઊઠ્યો છે. રવિવારે શ્રવણ ચોકડી આસપાસની 11થી વધુ સોસાયટીના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ પ્લાન્ટથી ધૂળ અને હવા પ્રદૂષણને લઇ 3500થી વધુ મકાનને નુકસાન થાય તેવી શક્યતા અને પરિવારોનાં આરોગ્ય ઉપર અસરનો ખતરો વ્યક્ત કરાયો હતો.સાથે આ પ્લાન્ટ આ સ્થળે નહીં નાંખવા માટે અગાઉ ઉમરાજ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હોય અને જો સાત દિવસમાં આ આરએમસી પ્લાન્ટને આ સ્થળેથી અન્યત્ર ખસેડવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી 11 સોસાયટીના રહીશોએ ઉચ્ચારી છે. સાથે જ આગામી સમયમાં આ અંગે જીપીસીબી અને કલેક્ટરને રજૂઆત કરવાનો સૂર વ્યક્ત કરાયો છે.
સાત દિવસમાં પ્લાન્ટ અન્યત્ર ન ખસેડાય તો આંદોલનની ચીમકી
તો બીજી તરફ હકીકત બહાર આવી હતી કે, મિક્સર પ્લાન્ટની હજી પરમિશન મળી ના હોય તે પહેલાં જ ઊભો કરી દેવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર જનક પટેલે આરએમસી પ્લાન્ટની પરમિશન બાદ જ સરકારી ધારાધોરણ મુજબ કામગીરી કરવા અને પ્રદૂષણ ફેલાશે તો તેની જવાબદારી ઉઠાવવા સાથે તમામ પ્રકારની સાવચેતી રાખવાની કેફિયત હાલ તો લોકોના વિરોધને લઈ રજૂ કરી છે.